કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: CBSE ની ધોરણ 10ની પરીક્ષા કેન્સલ અને ધોરણ 12ની હાલ પૂરતી મોકૂફ

News

કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપ વચ્ચે CBSE બોર્ડ્સની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ટાળવા માટે માંગણી થઈ રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે આ મામલે શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’ અને શિક્ષણ મંત્રાલયના અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે સીબીએસઈ બોર્ડની 10મા ધોરણની પરીક્ષા રદ્દ કરવાની જ્યારે 12મા ધોરણની પરીક્ષા સ્થગિત કરવાની જાહેરાત કરી છે.

કોરોનાના પ્રકોપ વચ્ચે બુધવારે મધ્ય પ્રદેશમાં 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષાઓને પાછી ઠેલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એમપી સ્કુલ એજ્યુકેશન વિભાગે આદેશ બહાર પાડીને બોર્ડની પરીક્ષાઓને એક મહિના માટે ટાળી દીધી છે.

સીબીએસઈ બોર્ડે 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષા નિર્ધારિત શિડ્યુલ પ્રમાણે જ લેવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. તેના વિરોધમાં વિદ્યાર્થીઓએ 10મી એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય લીધો હતો.

દેશમાં ખૂબ જ ઝડપથી વધી રહેલા કોરોના સંકટ વચ્ચે અનેક રાજ્યના મુખ્યમંત્રીઓ, નેતાઓએ પરીક્ષા રદ્દ કરવાની વિનંતી કરી હતી. દેશના આશરે 30 લાખ બાળકોને સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ આપવાની છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વગેરે પરીક્ષા રદ્દ કરવાની માંગણી કરી ચુક્યા છે.

કોરોના કાળ દરમિયાન બાળકોનો મોટા ભાગનો અભ્યાસ ઓનલાઈન થતો હતો. વચ્ચે કોરોનાના કેસ ઘટ્યા એટલે શાળાઓ ખોલવામાં આવી હતી. પરંતુ હવે પરીક્ષા સમયે ફરી કેસમાં ઉછાળો આવ્યો છે. આ કારણે અનેક રાજ્યોએ બોર્ડની પરીક્ષા ટાળી દીધી છે ત્યારે કેન્દ્ર પર સીબીએસઈની પરીક્ષાઓ ટાળવા દબાણ બન્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *