2000 વર્ષ જૂની એક મમીના પેટમાં સુરક્ષિત ભ્રૂણ મળી આવ્યો છે. આ ભ્રૂણ એવી સ્થિતિમાં છે, જેવી રીતે અથાણું અનેક વર્ષો સુધી સાચવીને રાખેલું હોય એમ, એને ઈજિપ્તની પ્રથમ ગર્ભવતી મમી તરીકે ઓળખવામાં આવે છે. મૃત્યુ સમયે આ મહિલાની ઉંમર આશરે 30 વર્ષ હશે. તેનું મૃત્યુ ઈ.પૂ.પ્રથમ સદીમાં થયું હશે. મમીને રિસર્ચર્સે મિસ્ટીરિયસ લેડી નામ આપ્યું છે. ભ્રૂણ અંગે માહિતી મેળવવા માટે એનો સીટી સ્કેન લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ આશ્ચર્યજનક માહિતી સામે આવી હતી.
આશ્ચર્યજનક શોધથી સર્જ્યો મહત્ત્વનો પ્રશ્ન:
આ સંશોધન સાથે જોડાયેલા મેન રિસર્ચર ડો.વોજસીઝ એસમંડ અને પોલિશ એકેડમી ઓફ સાયન્સના જણાવ્યા પ્રમાણે, અમે ઈજિપ્ત અથવા વિશ્વમાં અન્ય કોઈ જગ્યાએ અત્યારસુધીમાં કોઈ ગર્ભવતી મમી મળી નથી. દુનિયાનો આ પ્રથમ કિસ્સો છે. જોકે આ પ્રશ્ન હજુ યથાવત્ છે કે છેવટે મમીના શરીરમાં ભ્રૂણને શા માટે છોડી દેવામાં આવેલો, અલબત્ત, જ્યારે મહિલાના શરીરમાંથી અન્ય અંગો કાઢી નાખવામાં આવ્યાં હતાં.
મમીનો સીટી સ્કેન કરવામાં આવ્યો તો જાણવા મળ્યું કે મહિલા મૃત્યુ પામી ત્યારે તેના પેટમાં ભ્રૂણ વિકાસ પામી રહ્યો હતો. 2000 વર્ષ બાદ આ ભ્રૂણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. એની પર દેખાડવામાં આવેલ શોમાં કહેવામાં આવ્યું છે કે આ ભ્રુણ સદીઓથી મમીના પેટની અંદર બોગ બોડીઝની માફક સુરક્ષિત છે.
બોગ બોડીઝ એટલે શું:
બોગ બોડીઝ માનવીના મૃતદેહોને કહેવામાં આવે છે, જ્યારે એ પ્રાકૃતિક રીતે મમી બને છે, એટલે કે મમીમાં ઘણું વધારે એસિડ અને ખૂબ જ ઓછા પ્રમાણમાં ઓક્સિજનની ભૂમિકા હોય છે. એને પીટ બોગ કહેવાય છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ મમીના પેટમાં મળેલો ભ્રૂણ આ પ્રક્રિયા હેઠળ સુરક્ષિત રહ્યો હશે અથવા તો એવું કહી શકાય છે કે આ રીત પ્રાચીન ઈજિપ્તમાં મમીને તૈયાર કરવામાં આવતા હશે.
એસિડ અને ઓક્સિજનની રમત:
જ્યારે કોઈ વ્યક્તિનું મોત થાય છે તો તેના લોહીમાં રહેલા pHનું લેવલ ઘટવા લાગે છે. શરીર ધીમે ધીમે એસિડિક થવા લાગે છે, એટલે કે એમોનિયા અને ફોર્મિક એસિડ વધવા લાગે છે. ભ્રૂણ મહિલાના ગર્ભની અંદર સંપૂર્ણપણે સુરક્ષિત હતો. માટે ત્યાં ઓક્સિજનની અછત હતી, એવી જ રીતે જેમ કે પીટ બોગની સાથે હોય છે, માટે આ ભ્રૂણ મમીના શરીરમાં સુરક્ષિત રહી ગયો.
ભ્રૂણ મળ્યો, પણ હાડકાં ગુમ હતાં:
સંશોધનમાં સામેલ વોરસા દ્વારા મમી પ્રોજેક્ટના બ્લોગ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે આ ભ્રૂણ એકદમ અલગ છે. જેમ કોઈ અથાણાને અનેક વર્ષો સુધી સાચવી રાખવામાં આવે છે એવી રીતે.
ભ્રૂણનો એક્સ-રે પણ કરાયો:
સીટી સ્કેન સમયે ભ્રૂણની અંદર કોઈપણ પ્રકારનાં હાડકાંની ઉપસ્થિતિ મળી ન હતી. એના એક્સ-રે પણ કરવામાં આવ્યા. રિસર્ચર્સ સીટી સ્કેન અથવા એક્સ-રેથી હાડકાં અને શરીરની બનાવટ અંગે તપાસ કરે છે. ડો.વોજસીઝ એડમંડે કહ્યું હતું કે અમારા સંશોધનમાં જાણવા મળ્યું છે કે ભ્રૂણનાં હાડકાં બચી શક્યાં નથી. એવું બની શકે છે કે મહિલાને મમી બનાવવામાં આવી હોય ત્યારે અથવા તો એને મમી બનાવવામાં આવ્યાના થોડા દિવસ બાદ હાડકાં ગળી ગયાં હોય, પણ આકાર રહી ગયો હોય.
એકમાત્ર મમી, જે મૃત્યુ પામતી વખતે ગર્ભવતી હતી:
ડો.એસમંડે કહ્યું હતું કે આ સંશોધનથી એવી આશા સર્જાઈ છે કે ઈજિપ્તમાં અથવા વિશ્વના અન્ય કોઈ મ્યુઝિયમમાં આવી અન્ય મમી હોઈ શકે છે, જેમની અંદર ભ્રૂણ હોય. અમને વિશ્વભરમાંથી ફોન, ઈ-મેલ આવી રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવે છે કે તેમણે પણ ગર્ભવતી મમી મળી હતી. અમે એક-એક કરી આ પ્રપોઝલની તપાસ કરીશું. જો અન્ય મમી મળશે તો સમગ્ર વિશ્વને આ અંગે જાણકારી આપવામાં આવશે. અત્યારે તો આ એકમાત્ર મમી છે, જે મૃત્યુ સમયે ગર્ભવતી હતી.