વિવિધ વ્યાધિથી બચાવે કાકડી, આટલા બધા ફાયદાઓ જાણીને તમને પણ લાગશે નવાઈ….

Health

સામાન્ય રીતે કાકડીની વાત આવે તેની સાથે આપણી પસંદગીની વાનગી પણ અચૂક યાદ આવી જાય. જી હાં… સૅન્ડવિચ જ. આપે બરાબર અનુમાન લગાવ્યું. સૅન્ડવિચમાં કાકડીનો સ્વાદ તો જોઈએ જ. કાકડી વગરની સૅન્ડવિચ જ અધૂરી લાગે! ભોજન કોઈ પણ રાજ્યનું માણો પણ ભાણામાં કાકડીનું સેલડ તો અવશ્ય પીરસાય જ. લગ્ન સમારંભમાં પણ સેલડ કાઉન્ટર ઉપર કાકડીની બોલબાલા જોવા મળે જ. કાકડીની ઉપર આકર્ષક કોતરણી કામ કરીને તેમાંથી વિવિધ આકારનાં પંખી, પશુ, ફૂલ કે પાંદડાં કે તારા બનાવવામાં પણ આવે છે. જેને આપણે સેલડ ડેકોરેશનના નામે જાણીએ છીએ.

નાગર ગૃહિણી અનેક વખત ભોજનમાં વિવિધતા લાવવા શાકની સાથે ભાણામાં કાકડીનું રાયતું અચૂક પીરસે છે. તો આજકાલની પેઢીને કાકડી મેયોનીઝમાં ભેળવીને બ્રેડ કે બન્સ ઉપર મૂકીને આપો તો તેઓ ચપોચપ આનંદથી તેની મજા માણે છે. આવી તો અનેક કાકડીની સ્વાદસભર વાતો છે. કાકડી સ્વાદમાં જેટલી ઉત્કૃષ્ટ છે તેટલી જ સ્વસ્થ્ય માટે પણ કારગર પુરવાર થઈ છે. એવું નથી કે કાકડી ખાવાથી કોઈ રોગ મટી જાય, પરંતુ કાકડી ખાવાથી આપ અનેક વ્યાધિથી અચૂક છુટકારો મેળવી શકો.

કાકડી જો ઓર્ગેનિક હોય તો તેને છાલ સાથે ખાવી જોઈએ, કારણ કે છાલમાં શરીરને માટે આવશ્યક તેવાં સિલિકા તથા કુકરબિટિન નામક સત્ત્વ સારા પ્રમાણમાં જોવા મળે છે. કાકડીની નવી પદ્ધતિ દ્વારા ખેતી કરવામાં આવી હોય તો તેની છાલ કાઢીને ખાવી જોઈએ, કારણ કે છાલમાં પેસ્ટિસાઈડ્સ તથા બૅક્ટેરિયા પણ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. બીજવાળી કાકડીમાં પણ ભરપૂર પ્રમાણમાં પોષક તત્ત્વો સમાયેલાં હોય છે. આથી બીજ સાથે કાકડી ખાવી ગુણકારી ગણાય છે. પાતળી કાકડીમાં બીજનું પ્રમાણ ઓછું હોય છે. આથી બી ખાવા પસંદ ન હોય તેમણે પાતળી કાકડી ખરીદવી. જે લાંબી પાતળી સાપ આકારની આછા લીલા રંગની જોવા મળે છે.

તેનું વૈજ્ઞાનિક નામ કુકુમિસ સેટિવસ (Cucumis sativus) છે અને તે કુકરબીટેસી (‎Cucurbitaceae‎) કુળની વનસ્પતિ છે. વિવિધ ભાષામાં કાકડીને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. જેમ કે ગુજરાતીમાં કાકડી, મરાઠીમાં કકડી, હિન્દીમાં ખીરા – કકડી, તમિળમાં વેલ્લારી કૈયા, તેલુગુમાં ખીરા – ડોસાકાયા, બંગાળીમાં ખીરા, સંસ્કૃતમાં કંડાલુ, ઉર્દૂમાં કિયાર અને અંગ્રેજીમાં કુકુમ્બર કહે છે.

કાકડીની ઉત્પત્તિ વિશે પણ અનેક વાતો લખાયેલી જોવા મળે છે. કોઈ કહે છે કે કાકડીની શોધ ભારતમાં 3000 વર્ષ પહેલાં થઈ હતી. હિમાલય તથા બે ઓફ બેંગાલમાં તેની ખેતી થતી હતી. કોઈનું માનવું છે કે કાકડીનું મૂળ સ્થાન કુવૈત તથા ઈરાક છે તો કોઈનું માનવું છે કે ઈજિપ્તમાં કાકડીનું ઉત્પાદન થતું હતું. કાકડીની વિવિધ પ્રજાતિ પર્શિયા, એશિયા, ગ્રીસ તથા ઈટાલીમાં પણ થતી હતી. એવું પણ કહેવાય છે કે રોમન પ્રજા ફળોની દીવાની હતી. કાકડીની ખેતી કરવામાં તેઓએ ઘણી મહેનત કરી હતી. કાકડીની ખેતી તેઓ મોસમ વગર પણ કરી શકે તેવી ટેક્નિક પણ તેમણે વિકસાવી હતી.

વિશ્ર્વના વિવિધ દેશોની વાત કરીએ તો ભારત કાકડીના ઉત્પાદનમાં 30મા ક્રમાંકે આવે છે. તેનું કુલ ઉત્પાદન 1,61,000 મેટ્રિક ટનની આસપાસ જોવા મળે છે જે વિશ્ર્વની માગના 1 ટકા જેટલું થાય છે. હાલમાં તો વર્ષભર કાકડીની મજા માણી શકાય છે. તેમ છતાં આપણા વડીલો તો કહેતા કે કુદરતે બનાવેલ ઋતુ પ્રમાણેનાં ફળ-શાકભાજી ખાવાથી આરોગ્ય સ્વસ્થ રહે છે. આથી જ હવે નિષ્ણાતો પણ ઋતુ પ્રમાણેનાં ફળ-શાકભાજી ખાવાનો જ આગ્રહ રાખતા થયા છે.

કાકડીમાં પણ ઘણી વિવિધતા બજારમાં જોવા મળે છે. જેવી કે લાંબી-પાતળી કાકડી જે આછા લીલા રંગની હોય છે. ઘેરા લીલા રંગની નાની કાકડી, આછા લીલા રંગની નાની કાકડી, બીજ વગરની કાકડી, તો વળી વિદેશી જાતિની કાકડી, જેનો ભાવ સૌથી વધુ હોય છે. સામાન્ય બેઠા ઘાટની પીળી કાકડી, જેનો ભાવ સૌથી ઓછો હોય છે. કાકડી સામાન્ય રીતે પ્રત્યેકને પરવડી શકે તેવું શાક છે.

એગ્રિકલ્ચરલ ઈકોનોમિક્સ રિસર્ચ દ્વારા 2008માં બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે દક્ષિણ ભારતના કર્ણાટકમાં ભારતની કુલ કાકડીની ખેતીના 60 ટકા ખેતી થાય છે. અન્ય રાજ્યોમાં 20 ટકા જેટલી ખેતી થાય છે. ભારતની કાકડીની વિદેશી બજારમાં મોટી માગ જોવા મળે છે તેથી મોટા ભાગના પાકની નિકાસ કરવામાં આવે છે. 2011માં ભારતે યુનાઈટેડ આરબ અમીરાતમાં કુલ 8,94,000 કિલો કાકડી મોકલી હતી.

કાકડીના આરોગ્યવર્ધક ફાયદા….

વજન ઘટાડવામાં મદદરૂપ:- જેમનું વજન વધુ હોય અથવા વજન ઘટાડવાની ઈચ્છા હોય તેમને માટે કાકડીનું સેવન અત્યંત ગુણકારી ગણાય છે. તેનું મુખ્ય કારણ કાકડીમાં પાણીની માત્રા વધુ હોય છે. 100 ગ્રામ કાકડીમાં ફક્ત 15 ગ્રામ કૅલરીનું પ્રમાણ જોવા મળે છે. ભૂખ લાગે ત્યારે કાકડીનું સેવન કરવું હિતાવહ છે. રાત્રિના સમયે કાકડીનું સેવન કરવાથી ગેસની કે પિત્તની તકલીફ થવાની શક્યતા રહે છે. આથી દિવસના સમયે કાકડીનું સેવન કરી શકાય છે. વજન ઘટાડવાની ઈચ્છા ધરાવતી વ્યક્તિ માટે કાકડી શ્રેષ્ઠ વિકલ્પ ગણી શકાય છે, કેમ કે તેમાં પાણીની માત્રા વધુ હોવાથી ગરમીના દિવસોમાં શરીરને પાણીની વધુ આવશ્યકતા રહે છે. ગરમીના દિવસોમાં ખાસ પાણીની માત્રા વધુ ધરાવતાં ફળો-શાકભાજી ખાવાથી શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે છે. લૂ લાગતી નથી. વજન પણ નિયંત્રણમાં રાખી શકાય છે.

શરીરને હાઈડ્રેટ રાખે છે:- 100 ગ્રામ કાકડીમાં પાણીની માત્રા 95 ટકા જોવા મળે છે. શરીરને હાઈડ્રેટ રાખવા માટે કાકડીનું સેવન ગુણકારી ગણાય છે. શરીરમાં ડિહાઈડ્રેશનની સમસ્યા સર્જાવાથી માથાનો દુખાવો, પેશાબમાં તકલીફ, સાંધામાં દુખાવો કે પિત્ત જેવી સમસ્યા ઊભી થતી હોય છે. કાકડીનું સેવન પ્રમાણભાન રાખીને કરવાથી ડિહાઈડ્રેશનની સમસ્યાથી બચી શકાય છે.

ઍન્ટિ-ઑક્સિડન્ટના ગુણોથી ભરપૂર:- કાકડીમાં ઍન્ટિ-ઑક્સિડન્ટના ગુણ પણ સમાયેલા છે. શરીરમાં ફ્રી રેડિકલ્સના પ્રભાવને ઘટાડવામાં મદદ કરે છે. તો ઑક્સિડેટિવ સ્ટે્રસને ઘટાડવામાં પણ ગુણકારી ગણાય છે. જેમ કે વય વધવાની સાથે શરીરમાં આવતી વ્યાધિ જેવી કે કિડની કે હૃદયરોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.

આંખો માટે લાભકારક:- કાકડીમાં ઍન્ટિ-ઑક્સિડન્ટના ગુણો પણ સમાયેલા છે. જે ઑક્સિડેટિવ સ્ટ્રેસને ઘટાડવામાં મદદ કરે છે. ઑક્સિડેટિવ સ્ટ્રેસને કારણે આંખનો મેક્યુલર ડિજનરેશન નામક રોગ થવાનું જોખમ (જે ક્યારેક આંખની દૃષ્ટિને નુકસાન પહોંચાડે છે) ઘટી જાય છે. કાકડીમાં સમાયેલો હાઈડ્રેટિંગ ગુણ આંખ તથા તેની આસપાસની ત્વચાની ભીનાશ જાળવવામાં મદદ કરે છે. બંધ આંખો ઉપર કાકડીના પીતા મૂકવાથી આંખોમાં ઠંડકનો અનુભવ કરી શકાય છે. વિટામિન કેની માત્રા સારા પ્રમાણમાં હોવાથી કાકડીના સેવનથી આંખોનું તેજ વધે છે. વળી કાકડીમાં લિગ્નાંસ નામક કમ્પાઉન્ડ સમાયેલું છે જે આંખોની આસપાસના સોજાને ઘટાડવામાં મદદ કરે છે.

ચયાપચયની પ્રક્રિયા સુધારવામાં ઉપયોગી:- કાકડીનું સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યાથી બચી શકાય છે. તેનું મુખ્ય કારણ કાકડીમાં પાણી અને ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. ફાઈબરનું કામ શરીરમાંથી વિષાક્ત પદાર્થોને બહાર કાઢવાનું છે. રોજ કાકડીનું સેવન કરવાથી લાંબા સમયથી પરેશાન કરતી કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો મળી શકે છે.

અલ્ઝાઈમરમાં ગુણકારી:- અલ્ઝાઈમર એક ન્યુરોલોજિકલ બીમારી ગણાય છે જેમાં ધીમે ધીમે યાદશક્તિ ઘટતી જાય છે. 60 વર્ષની વય બાદ આ રોગ થવાની શક્યતા જોવા મળે છે. અલ્ઝાઈમરના રોગમાં કાકડીનું સેવન ગુણકારી છે. તેનું મુખ્ય કારણ કાકડીમાં ફિસ્ટેટિન નામક ફ્લેવોનોઈડ સત્ત્વ સમાયેલું છે જે ન્યુરોપ્રોટેક્ટિવ પ્રભાવને દર્શાવે છે. કાકડીનું સેવન અલ્ઝાઈમરના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. આ વિષયમાં હાલમાં વધુ અભ્યાસ ચાલી રહ્યો છે.

ત્વચાને ચમકદાર બનાવે છે:- કાકડીનો ઉપયોગ સ્વાસ્થ્યની સાથે ત્વચાને ચમકદાર બનાવવા માટે પણ કરવામાં આવે છે. કાકડીના માવાને ચહેરા ઉપર લગાવવાથી ચહેરાની ત્વચા ચમકીલી બને છે તો કાકડીનો તાજો રસ પીવાથી ત્વચા ચમકદાર બને છે. નિસ્તેજ ત્વચા ખીલી ઊઠે છે. તેનું મુખ્ય કારણ કાકડીમાં સમાયેલ પાણીની માત્રા ત્વચાને જરૂરી પોષણ પૂરું પાડે છે. ત્વચાને ઠંડક મળે છે. ગરમીમાં ત્વચા કાળી પડી જવી, વય વધવાની સાથે ત્વચાનું મોઈશ્ર્ચર ઘટતાં કરચલી પડવી, ખીલની તકલીફમાં પણ કાકડીનો રસ ત્વચા માટે ગુણકારી ગણાય છે.

હાડકાંને મજબૂત બનાવે છે:- કાકડીમાં ફાઈબર તથા પાણીની માત્રા ભરપૂર પ્રમાણમાં રહેલી છે. વળી શર્કરાનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. કાકડીમાં વિટામિન કેની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે વિટામિન કેની માત્રા કેટલી વધુ પ્રમાણમાં છે તે કહેવું થોડું અઘરું છે.

એક નેચરલ હેલ્થ ડોક્ટરનું કહેવું છે કે ભવિષ્યમાં વિટામિન કેની ઊણપ લોકોમાં મોટા પ્રમાણમાં જોવા મળશે. જે સામાન્ય સંજોગોમાં ઓળખી શકવી મુશ્કેલ બનશે. વિટામિન કે શરીર માટે ઘણું મહત્ત્વનું વિટામિન છે. તેની માત્રા શરીરમાં પૂરતા પ્રમાણમાં જળવાઈ રહે તો હાડકાં નબળાં પડતાં અટકે છે. કોરોનરી હાર્ટ ડિસીઝની શક્યતા ટાળી શકાય છે. હાડકાંમાં વધુ પડતું કૅલ્શિયમ ભરાયું હોય તો તેને દૂર કરવામાં મદદ કરે છે. વિટામિન કે યાદશક્તિ વધારવામાં ઉપયોગી બને છે જે કાકડીમાં ભરપૂર પ્રમાણમાં છે.

સંદર્ભ અને માહિતી:- શ્રીલેખા યાજ્ઞિક, નિસર્ગ સેતુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *