મુંબઈના ગોરેગાવ વિસ્તારમાં રહેતા દાદારાવ બિલોરે શાકભાજી વેંચીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એમનો એકનો એક દીકરો પ્રકાશ ભણવામાં ખૂબ હોશિયાર હતો. દીકરા પ્રકાશ પર પરિવારને અનેક આશાઓ હતી. પરિવારના સપનાઓ પુરા કરવા માટે પ્રકાશ પણ દિવસ રાત મહેનત કરતો. તા.28મી જુલાઈ 2015ના દિવસે પ્રકાશ જ્યારે ઘરે આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં પડેલા ખાડાને કારણે એના બાઈકનું એક્સિડેન્ટ થયું અને પ્રકાશ અધૂરા સપના સાથે આ દુનિયા છોડીને જતો રહ્યો.
પ્રકાશના પિતા દાદારાવ બિલોરે પર જાણે કે આભ તૂટી પડ્યું. દાદારાવને દીકરાની વિદાયનું બેહદ દુઃખ હતું પણ સાથે સાથે પોતાની જેમ બીજા પરિવારોએ આવી પરિસ્થિતિનો સામનો ના કરવો પડે એવું કાંઈક કરવા મન ઝંખતું હતું. દાદારાવે નક્કી કર્યું કે મ્યુનિસિપલ કોર્પોરેશન જો ખાડા પૂરી ન શકતું હોય તો રસ્તાના ખાડા હું પુરીશ પણ મારા પરિવાર પર જે આફત આવી એવી બીજા કોઈના પરિવાર પર આવવા દેવી નથી.
પોતાનું કામ કરતા કરતા દાદારાવ બિલોરે મુંબઈના રસ્તા પર પડેલા ખાડા પૂરવા માટે નીકળી પડે છે. શાકભાજી માટે રાખેલી પોતાની જ સામાન્ય વેનમાં જુદી જુદી બાંધકામ સાઈટ પરથી વધારાનો અને નકામો સામાન કોથળાઓમાં લઈને એ ખાડા પૂરવા જાય છે. છેલ્લા 4 વર્ષમાં એણે 600 કરતા વધારે ખાડાઓ પુરીને પરોક્ષ રીતે કેટલીયે જિંદગીઓ બચાવી છે.
દીકરાની યાદમાં રોડ પરના ખાડાઓ પૂરવાનું કામ કરતા દાદારાવ બિલોરેને લોકો હવે “ખાડા વાળા દાદા” તરીકે ઓળખે છે. લોકો પોતાના વિષે શું વિચારે છે કે શું બોલે છે એની કોઈ પરવા કર્યા વગર આ વિરલો એકલપંડે બીજાના પરિવારને બચાવવા માટે અવિરત કામ કરે છે. વંદન છે આપના આ પરહિત ભાવને.
લેખક:- શૈલેષ સગપરીયા