જીવનમાં નાની એવી સમસ્યાઓ આવે તો પણ આપણે કાગારોળ મચાવીએ છીએ અને જાનકીબેન જેવી દીકરી…

Story

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડત્રા ગામની જાનકી આહીર નામની દીકરીએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ માત્ર ઘરની ચાર દીવાલોની વચ્ચે એક સામાન્ય સ્ત્રીની જેમ જીવન વિતાવવાના બદલે પોતાના પગ પર ઉભા રહીને આર્થિક ઉપાર્જન કરવાનો નિર્ણય કર્યો.

વિનોદ ભાદરકા નામના યુવક સાથે એના લગ્ન થાય. વિનોદભાઈ ગાંધીનગરમાં ટુરિઝમ કોર્પોરેશનમાં નોકરી કરતા હતા એટલે જાનકીબેન પતિ સાથે ગાંધીનગર આવી ગયા. જાનકીબેન અમદાવાદમાં કામ કરતી એક અમેરિકન કંપનીમાં નોકરીમાં જોડાઈ ગયા અને માત્ર ચાર વર્ષના ટૂંકા ગાળામાં આ કંપનીના એક ટોચના પદ પર પહોંચી ગયા. જ્યાં પહોંચવા માટે 12 વર્ષના અનુભવની જરૂર પડે ત્યાં આ દીકરી પોતાની આવડત અને જ્ઞાનના કારણે માત્ર ચાર વર્ષમાં પહોંચી ગયા.

ગાંધીનગરથી બપોરે 12 વાગે અમદાવાદ આવવા નીકળે અને રાત્રે 10 વાગ્યે પાછા ગાંધીનગર પહોંચે. આખા દિવસની દોડધામ પછી પણ રાત્રે ઘરે આવીને રસોઈ બનાવે અને પછી પતિ-પત્ની સાથે બેસીને જમે. વિનોદભાઈ કહે આપણે બંને કમાઈએ છીએ અને તું કામ પરથી આવી હોય એટલે થાકી ગઈ હોય તો આપણે બહાર જમી આવીએ. જાનકીબેન પ્રેમથી સમજાવે કે ભગવાને આપેલા આ શરીરનું આપણે ધ્યાન રાખવાનું હોય એટલે રસોઈ તો ઘરની જ જમવાની.

પોતાના શરીરનું પણ ખૂબ ધ્યાન રાખે. ઘરની બહાર નીકળતા પહેલા વ્યવસ્થિત તૈયાર થવાનું. ગમે એટલા થાકેલા હોય પણ બહાર જવાનું થાય એટલે એકદમ વ્યવસ્થિત થઈને જ જવાનો એમનો નિયમ હતો. ગુજરાત સરકારમાં ઉચ્ચ અધિકારી બનવાનું જાનકીબેનનું સપનું હતું એટલે ઘરકામ અને નોકરીની સાથે સાથે શનિ-રવિની જાહેર રજાઓમાં એ જીપીએસસીની પરીક્ષાઓની તૈયારી કરે. 

ગાંધીનગરમાં રહીને આહિર સમાજના ઘણા ભાઈઓ બહેનો આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે. વતનથી દૂર રહીને પરીક્ષાઓની તૈયારી કરતા યુવાન દીકરા-દીકરીઓની બહેન બનીને જાનકીબેન એમને પોતાનાથી થઈ શકે એવી તમામ પ્રકારની મદદ કરે. ક્યારેક તો પોતાના ઘરે જમવા માટે નોતરું આપે અને બધી રસોઈ પોતાના હાથે બનાવે.

ખૂબ લાગણીશીલ અને પ્રેમાળ આ દીકરીની કસોટી કરવા માંગતી કુદરતે એને વિચિત્ર રોગ આપ્યો. “ઓટોઇમ્યુન ડિસોર્ડર”ને કારણે જાનકીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. પતિ વિનોદભાઈ પડછાયાની જેમ પત્નીની સેવામાં રહે. જે લોકો થોડા સમય માટે પણ જાનકીબેનના સંપર્કમાં આવ્યા હતા એ લોકો પણ બેનના પ્રેમના તાંતણે બંધાઈને હોસ્પિટલ પહોંચી ગયા હતા. પીડાદાયક રોગની સામે માથું ટેકવી દે તો એ આહીરાણીના કહેવાય. આ બીમારી મને કશું નહીં કરી શકે એવી હિંમત સાથે બીમારી સામેની લડાઈ લડતા રહ્યા.

જાનકીબેને અધિકારી બનવા માટે જે પરિક્ષાનું ફોર્મ ભર્યું હતું એ પરિક્ષા આવીને ઉભી રહી. પરીક્ષા આપવા જઇ શકાય તેમ હતું નહીં પણ જાનકીબેને કહ્યું “ગમે તે થાય મારે પરિક્ષા તો આપવી જ છે. માત્ર થોડું જ્યુસ પી એ પરીક્ષા આપવા ગયા. પરીક્ષા પૂરી થયા બાદ એના પતિ એમને લેવા ગયા ત્યારે એમની પરિસ્થિતિ ખૂબ દયનિય હતી. માંડ માંડ ઘર સુધી પહોંચ્યા. અનેક તકલીફ હોવા છતાં જાનકીબેન મિત્ર સમાન પતિના સથવારે જિંદગીનો જંગ લડી રહ્યા હતા. 

એક તબક્કે તબિયત સ્થિર થઈ હોય એવું લાગ્યું પણ પછી તબિયત અચાનક બગડી. જુદી જુદી હોસ્પિટલમાં સારવાર કરાવી પણ વિનોદભાઈ પોતાની પ્રિય મિત્ર સમાન પત્નીને બચાવી ના શક્યા. વિનોદભાઈ કહેતા “જાનકી મારું સર્વસ્વ હતી. પડકારોની સામે હિંમત હાર્યા વગર કેમ લડાઈ લડવી એ હું જાનકી પાસેથી શીખ્યો છું”

આ માર્ચ મહિનામાં જ જાનકીબેને અધિકારી બનવા માટેની જે પરીક્ષા આપી હતી એ પરિક્ષાનું પરિણામ આવ્યું. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની મદદનીશ નિયામક વર્ગ-૧ ની લેવાયેલી આ પરીક્ષામાં જાનકીબેન પાસ થઈ ગયા. પોતાની આકરી તપસ્યાનું  ફળ મળ્યું છે પણ એ ફળ ચાખવા જાનકીબેન આ જગતમાં નથી. 

મિત્રો, જીવનમાં નાની એવી સમસ્યાઓ આવે તો પણ આપણે કાગારોળ મચાવીએ છીએ અને જાનકીબેન જેવી દીકરી મૃત્યુ સામેનો જંગ પણ પૂરી હિંમતથી લડીને આપણને સૌને પ્રેરણા આપી જાય છે.

શૈલેષ સગપરીયા 

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.