એક ડોકટર હોવા છતાં આટલી બધી લાચારી આ પહેલા મેં ક્યાંય જોઈ નથી, હાથ જોડીને હાંફતા હાંફતા કહે છે પ્લીઝ મને બચાવી લેજો….

Spiritual

શું કહું યાર ? શું લખું ? સમજાતું નથી. એક ડૉક્ટર હોવા છતાં આટલી બધી લાચારી, આ પહેલા મેં ક્યારેય અનુભવી નથી. આ હદ સુધીની માનવીય યાતના અકલ્પનીય છે. ‘પ્લીઝ મને બચાવી લેજો’ 55 SpO2 સાથે બે હાથ જોડીને હાંફતા હાંફતા પોતાનો જીવ બચાવવા માટે વિનંતી કરતા યુવાન દર્દીઓ, મેં મારી આંખ સામે કોલેપ્સ થતા જોયા છે. 

ગમે તેવું બ્લીડીંગ રોકી લઈને કે તાત્કાલિક સર્જરી કરીને દર્દીનો જીવ બચાવી શકવાનો મારો ઘમંડ અત્યારે જમીનદોસ્ત થઈ ચુક્યો છે. જ્યારથી મારી સર્જીકલ હોસ્પિટલ મેં કોવીડના દર્દીઓની સારવાર માટે ફાળવી છે, ત્યારથી રાતે સૂઈ નથી શકતો. ઓક્સીજન માટે વલખા મારતા દર્દીઓ, રીબાઈ રહેલા ચહેરા, સિલિન્ડર માટે દોડધામ કરતા સગાઓ અને ચારેય તરફ ફેલાયેલો મૃત્યુનો ભય. એવું લાગે છે કે જંગલમાં લાગેલી આગને અમે પિચકારી લઈને ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. 

હોસ્પિટલનો સ્ટાફ ખાધા-પીધા વગર દર્દીઓની સારવારમાં છે. ડાયાબીટીસ હોવા છતાં મોટી ઉંમરના એક સિનીયર સિસ્ટર પોતાની પરવા કર્યા વગર કોવીડના દર્દીઓની સારવારમાં રાત-દિવસ મંડાયેલા રહે છે. અને આવા તો કેટલાય પેરામેડિકલ સ્ટાફ પોતાનો જીવ જોખમમાં મૂકીને સતત કોવીડના દર્દીઓની આસપાસ રહે છે. આ યુદ્ધમાં અમે અમારી જાતને સંપૂર્ણ સમર્પિત કરી દીધી હોવા છતાં સતત એવું લાગ્યા કરે છે કે આ પર્યાપ્ત નથી. 

મને સતત એવું લાગી રહ્યું છે કે સરહદ પર વરસી રહેલા દુશ્મન દેશના બોમ્બ અને તોપનો સામનો અમે લાકડીઓ લઈને કરી રહ્યા છીએ. વેન્ટીલેટર, બાઈ-પેપ અને ઓક્સીજન બેડ માટે રોજના પચાસ ફોન આવે છે અને દરેક ફોનના જવાબમાં લાચાર થઈને અમે ફક્ત એટલું જ બોલી શકીએ છીએ કે ‘નથી’. 

આ ક્યાં જઈને અટકશે ? એ હું નથી જાણતો પણ બહુ જ પ્રામાણિકતા લખું છું કે મનુષ્ય જાતિની આ વેદના હવે નથી જોવાતી. આ કોની નિષ્ફળતા છે ? આવા સંજોગો માટે કોણ જવાબદાર છે ? કોની પાસેથી મદદની અપેક્ષા રાખવી ? નિસહાય હાલતમાં ભટકતા દર્દીના સગાઓની જેમ આવા કેટલાય સવાલો જવાબ મેળવવા માટે ભટકી રહ્યા છે. 

જે પરીસ્થિતિમાં ઓક્સીજન, વેન્ટીલેટર, ઇન્જેક્શન્સ કે પેરામેડિકલ સ્ટાફ ન મળતો હોય, એવા સમયમાં જવાબ તો ક્યાંથી મળશે ? કોણ આપશે જવાબ ? એક સન્નાટો ફેલાયેલો છે. આક્રંદની ચીસો, પીડાઈ રહેલા દર્દીઓના પોકારો અને રડી રહેલા સ્વજનોના બેકગ્રાઉન્ડમાં બેફિકરાઈની ચાદર ઓઢીને એક નિંભર, નિર્લજ્જ અને નાલાયક સન્નાટો સૂતેલો છે. 

એવું લાગી રહ્યું છે કે નિરાધાર હાલતમાં વ્યક્તિગત લડાઈ લડી રહેલા લોકો હવે ફક્ત ભગવાન ભરોસે છે. ‘ક્યાં બેડ મળશે ?’, ‘વેન્ટીલેટરનું કાંઈ થાય એવું છે ?’, ‘મારા ભાઈનું SpO2 ખાલી 60 છે. પ્લીઝ, બાઈ-પેપનું કંઈક કરી આપોને’ જેવી વિનંતીઓની સામે અમે એટલા બધા લાચાર અને નગુણા અનુભવી રહ્યા છીએ કે અમને અમારી જાત પર શરમ આવે છે. તબીબી સેવાઓની આટલી બધી પામરતા મેં ક્યારેય અનુભવી નથી. રોજ ખુલી રહેલી આટલી બધી હોસ્પિટલ્સ, કોવીડ કેર સેન્ટર્સ, ઓક્સીજન બેડ અને યુદ્ધના ધોરણે ચાલી રહેલી કામગીરી છતાં પણ આ દરેક પ્રયત્નો ટૂંકા પડી રહ્યા છે. 

આટલું બધું કરવા છતાં પણ અમે કશું જ નથી કરી શકતા. પણ ચારેય તરફ ફેલાયેલી આ અરાજકતા, ભયાનકતા અને ડર વચ્ચે મને એક વાત સમજાઈ ગઈ છે. કપરા સંજોગોમાં ફક્ત અને ફક્ત આપણા સંબંધો, સંપર્કો અને સ્વજનો જ કામ આવે છે. 

રાજકીય મતભેદો, વ્યક્તિગત કડવાશ અને આંતરિક વિગ્રહો ભૂલી જઈને અત્યારે જે રીતે એક માણસ બીજા માણસની મદદ કરી રહ્યો છે, એ જોઈને એક વાત તો નક્કી છે કે માનવતા અલગ ઉંચાઈએ પહોંચી છે. કેટલીય સેવાકીય સંસ્થાઓ આગળ આવી રહી છે. કેટલાય NGOS ઓક્સીજન સિલિન્ડર્સની વહેંચણી કરી રહ્યા છે, લોકોને જમવાનું પહોંચાડી રહ્યા છે. કુદરતની ક્રૂર અને નિર્દયી નજરોની સામે લાચાર બની ગયેલા મનુષ્યો આ સ્થિતિમાં પણ ‘માણસાઈનો તહેવાર’ ઉજવી રહ્યા છે, એ માનવ સભ્યતા માટે બ્રેકીંગ ન્યુઝ છે. 

‘જરૂર પડે તો અડધી રાતે અમને ફોન કરજો. અમારે એકેય પૈસો નથી જોતો. અમે એક જીવ બચાવી શકીએ, તો ય અમારું જીવન સાર્થક.’ આવા કેટલાક લોકો સામેથી આવીને એમના ફોન નંબર આપી જાય છે. હું એવા કેટલાય લોકોને ઓળખું છું જેઓ પોતાના કામ-ધંધા બંધ કરીને અત્યારે ચોવીસ કલાક ફક્ત એક જ કામ કરે છે, પીડિતોને રાહત આપવાનું. એમને મદદ કરવાનું. એમની તકલીફો ઓછી કરવાનું. 

આ ડરાવવા માટે નથી લખી રહ્યો પણ વાસ્તવિકતા બહુ ભયાનક છે. અને આ કપરા સમયમાં બે હાથ જોડીને મારી વિનંતી છે કે આ સમય દલીલો કે ચર્ચાઓનો નથી. આ સમય મદદ કરવાનો છે. પોતાના પોલીટીકલ વ્યુઝ સાઈડ પર રાખીને અત્યારે લોકોની મદદ કરો. કોઈ રાજકીય નેતા, કોઈ પક્ષ, કોઈ પોલીટીકલ બિલીફ તમને બચાવી નહીં શકે. તમને ફક્ત તમારા સ્વજનો અને મિત્રો જ બચાવશે. એ સિવાય અત્યારે કોઈ તમારી મદદ કરી શકે તેમ નથી. 

એકબીજા સિવાય આપણને આ સંકટમાંથી ઉગારી શકે એવો કોઈ તારણહાર મને દેખાતો નથી. સરકાર, ઈશ્વર, ચમત્કાર કે કોઈ અદ્રશ્ય કુદરતી શક્તિ પાસેથી મને કોઈ જ આશા નથી. મને આશા માનવીય શક્તિઓમાં છે. ‘પરોપકારની પેશન’ લઈને ફરતા ફરિશ્તાઓના મક્કમ ઈરાદાઓમાં છે. 

મનુષ્યોમાં રહેલી કરુણા, સેવાભાવના અને એકબીજાને મદદ કરવા માટેની તત્પરતા આપણને આમાંથી ઉગારશે. સાથી મનુષ્યો પ્રત્યેની સંવેદનશીલતા અને નિસબત આમાંથી આપણને ઉગારશે. બાજુના ઘરમાં કરેલા દીવામાં આપણે પૂરેલું તેલ આપણને આ સંકટમાંથી બહાર લાવશે.

આપણી પાસે બહુ જ ‘લીમીટેડ રીસોર્સીસ’ છે પણ આપણું હ્યુમન કનેક્શન, કેર અને કોન્શિયસનેસ અનલિમિટેડ છે. આ કપરા સમયમાં પણ આપણો જોમ, જુસ્સો અને સ્પિરિટ અડિખમ છે. 

પરિણામની પરવા કર્યા વગર અમે દિવસ-રાત લડી રહ્યા છીએ. અને છેલ્લા શ્વાસ સુધી લડશું. તમે પણ લડી રહ્યા છો. આ યુદ્ધમાં આપણે કોઈ એકલા નથી, આપણે સાથે છીએ. બસ, આ કપરા સમયમાં એટલું યાદ રાખવું રહ્યું કે આપણે એકબીજાના સહારે છીએ. એકબીજાના ભરોસે છીએ. ઈશ્વરનું એકમાત્ર દ્રશ્યમાન સ્વરૂપ અત્યારે આપણી આસપાસ રહેલા સ્વજનો, મિત્રો અને સાથી મનુષ્યો છે. બહુ ખરાબ અને ક્રૂર રીતે પણ હકીકત એ છે કે કુદરત આપણને માનવતાનો સૌથી મોટો પાઠ ભણાવી રહ્યું છે. 

લેખક અને સૌજન્ય:-ડૉ. નિમિત્ત ઓઝા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *