જેમ જેમ સમય વીતતો જાય છે, તેમ તેમ લોકો નવા વિચારો અને નવા આઈડિયા સાથે આગળ આવી રહ્યા છે. કેટલાક લોકો તેમના વિચારોને પુરા કરવામાં સફળ થાય છે, જે અન્ય લોકો સપનામાં વિચારી પણ નથી શકતા. આજની આ કહાની એવા જ એક વ્યક્તિની સફળતાની છે કે જેમણે અન્ય લોકો કરતાં કંઈક નવું કરવાની સાથે તેમાં સફળતા પ્રાપ્ત કરી છે.

ગાય, ભેંસ, બકરીના દૂધ વિશે બધાએ સાંભળ્યું જ હશે, પરંતુ આ વ્યક્તિએ ગધેડીના દૂધનો ધંધો શરૂ કરવાનું નક્કી કર્યું. લાખોના પેકેજવાળી નોકરીને છોડી દીધી પણ નવા ક્ષેત્રમાં વ્યવસાયની તકો શોધવી સરળ નથી. પરંતુ મજબૂત ઇરાદા અને દ્રઢ વિશ્વાસથી કેરળના એબી બેબી એ ઘણી નિષ્ફળતાઓ અને આર્થિક નુકસાન ભોગવવું પડ્યું હોવા છતાં ક્યારેય હાર માની ન હતી અને આજે તેઓ સફળતા પૂર્વક એક ડેરી ફાર્મ ચલાવી રહ્યા છે.
આજે દર મહિને લાખો રૂપિયાની કમાણી કરતા એબીને આ રકમ સુધી પહોંચવા માટે ઘણા વર્ષો થયા છે. ઘણાં વર્ષો સુધી તેમણે સંશોધન કર્યા પછી, તેઓ ગધેડીના દૂધના ફાયદા શોધવામાં સફળ થયા.

ખરેખર, શરૂઆતથી જ તેઓ કંઇક અલગ કરવા માંગતા હતા. તેને લંડનથી પરત આવેલા મિત્ર પાસેથી પ્રેરણા મળી, જેણે ભારત આવીને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું અને કચરાથી મચ્છર ભગાડવાનો ઉપાય શોધીને તેમાંથી કમાણી કરી. અહીંથી જ એબી પ્રેરણા મળી અને તેણે પોતાનો ધંધો શરૂ કરવાનું વિચાર્યું.
એબીએ વિચાર્યું કે ઈસુના મસીહા ‘જીસસ’ પણ ઘોડા પર સરળતાથી આવી શકે તેમ હોવા છતાં, તેઓ ગધેડા સાથે કેમ આવ્યા, આ વિચારથી તેમને ગધેડાનું મહત્વ સમજાણું. આ કામ કરવા માટે તેમણે એક જાણીતી આઇટી કંપનીમાં માર્કેટિંગ મેનેજરની નોકરી છોડી દીધી, અને 2006 માં, ગધેડાનું ફાર્મ શરૂ કરવા કેરળમાં પોતાના વતન પાછો આવી ગયો. દસ વર્ષ તેમણે સંશોધન કર્યું અને જાણવા મળ્યું કે શા માટે ઇજિપ્તની રાણી તેની સુંદરતા વધારવા માટે ગધેડીના દૂધનો ઉપયોગ કરતી હતી. પછી તેણે આખા દક્ષિણ ભારતમાં પ્રવાસ કર્યો અને 2015 સુધીમાં 32 ગધેડા ખરીદ્યા. પહેલા તેણે ગધેડીના દૂધ માટેનું ફાર્મ બનાવવા માટે બે એકર જમીન ખરીદી અને તેમાં ઘાસ ઉગાડ્યું.

ગુજરાત પેજની અબ્બી સાથેની ખાસ વાતચીતમાં, તેઓએ કહ્યું કે મને માર્ગદર્શન આપવા માટે મારી સાથે કોઈ નહોતું. આને કારણે મેં શરૂઆતમાં પણ ઘણું નુકસાન સહન કર્યું હતું, તેણે પ્રારંભિક રોકાણ માટે તેના સંબંધીઓ અને ભાઈઓ પાસેથી નાણાં ઉછીના લઈને ભેગા કર્યા હતા, પરંતુ બધા રૂપિયા ભારે નુકસાની ના કારણે ડૂબી ગયા હતા.
એબી કહે છે કે, અમે અમારા ઉત્પાદનમાં ગધેડીના દૂધની સાથે રોઝમેરીનો ઉપયોગ કરીએ છીએ. એબીએ પહેલા ઘરની બાજુમાં જ ફાર્મ શરૂ કર્યું હતું અને ઘણા સૌંદર્ય પ્રસાધનો બનાવ્યાં, જેમાં બ્યુટી ક્રીમ, શેમ્પૂ, બાથ-વોશ વગેરે શામેલ છે. એબી એ દાવો કર્યો છે કે આ ભારતનું સહુથી પહેલું ફાર્મ છે જ્યાં ગધેડીનું દૂધ કાઢવામાં આવી રહ્યું છે. જો કે, આવા ફાર્મ અને તેનો ઉપયોગ વિદેશમાં વધારે પ્રમાણમાં થાય છે.

આ સાથે એબીના પડોશીઓ પણ કહે છે કે ગધેડીના દૂધમાંથી બનતા ક્રીમ ત્વચા માટે ફાયદાકારક સાબિત થઈ રહી છે. તે જ સમયે, એબી એ પણ દાવો કર્યો છે કે ઘણી બિમારીઓ ગધેડાના દૂધથી થતી અટકી જાય છે અને ઘણા લોકો રોગોને નાબૂદ કરવા તેમના ખેતરોમાં આવે છે. ઇન્ટરનેટ અને તકનીકી ક્રાંતિ સાથે આગળ વધતા એબી હવે ઓલાઇન વેબસાઇટ દ્વારા તેના ઉત્પાદનોનું વેચાણ કરી રહ્યા છે.
સંશોધન દ્વારા સાબિત થયું છે કે ગધેડીનું દૂધથી ટીબી, અસ્થમા, કમળો, એલર્જી જેવા ઘણા રોગોને મટાડવા માટે એક રામબાણ ઈલાજ માનવામાં આવે છે. અને ભારતીય બજારમાં આ દૂધ 5 હજારથી લઈને 6 હજાર રૂપિયા પ્રતિ લિટર વેચાય છે. એબી કહે છે કે, ગધેડા પણ આશરે 80 હજારથી 1 લાખ રૂપિયામાં મળે છે, પરંતુ તેમના દૂધ અને તેમાંથી બનતી વસ્તુઓ ખુબજ મોંઘા ભાવે વેચાય છે.

કેરળના આ ખેડૂતે પોતાની વ્યાપારિક સફળતાથી સાબિત કર્યું છે કે પરંપરાગત વ્યવસાયો ઉપરાંત નવા આઈડિયામાં પણ અપાર સંભાવનાઓ રહેલી છે.