એક ગરીબ માંના બાળકને ભૂખે મરતા જોઈને આ ડોક્ટર દંપતીએ કોઈ પણ દર્દી પાસેથી ફી લેવાની બંધ કરી…

Story

નાગપુરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાની અને અભય નામના બે સહઅભ્યાસીઓ એકબીજાના પ્રેમમાં પડ્યા. ભણવામાં બંને ખૂબ હોશિયાર. અભયને ત્રણ અને રાનીને એક ગોલ્ડમેડલ મળ્યો હતો જે તેઓની તેજસ્વિતાનો વિશેષ પરિચય કરાવે છે. આગળનો અભ્યાસ કરવા માટે બંને અમેરિકા ગયા અને અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સીટીમાંથી માસ્ટર ડિગ્રી લીધી.

અમેરિકામાં અભ્યાસ કર્યા પછી પતિ-પત્ની બંનેએ ભારતમાં જ એમની પ્રેક્ટિસ શરુ કરી. એકવાર ડો. રાની પાસે એક સ્ત્રી એની બીમાર બાળકીને લઈને આવી. નવજાત બાળકીને તપાસીને ડો. રાનીએ એને બાળકોની હોસ્પિટલમાં લઇ જવાની સલાહ આપી. પેલી સ્ત્રી એની દીકરીને લઇને જતી રહી.

બે દિવસ બાદ એ સ્ત્રી ફરીથી બાળકીને લઈને ડો. રાની પાસે આવી. ન્યુમોનિયાને કારણે બાળકીને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડી રહી હતી. બાળકીનું ત્યાં જ અવસાન થયું. ડો. રાની પેલી સ્ત્રી પર રીતસરના તાડૂક્યા “તારામાં કંઈ અક્કલ જેવું છે કે નહિ ? બે દિવસ પહેલા જ મેં તને કહ્યું હતું કે આ છોકરીને હોસ્પિટલમાં દાખલ કર. તારી બેદરકારીને કારણે તારી દીકરીએ જીવ ગુમાવ્યો.”

પેલી સ્ત્રીએ રડતા રડતા કહ્યું , “ડોકટર સાહેબ હું આને હોસ્પિટલ કેવી રીત લઇ જાવ ? એ માટે પૈસા તો જોઈએ ને ? મારે ચાર સંતાનો છે અને મારા પતિનું તાજેતરમાં જ અવસાન થયું છે. સંતાનોનું પેટ ભરવા માટે મારે રોજ કમાવા જવું પડે. હવે જો હું આને હોસ્પિટલમાં રાખું તો કમાવા ના જઈ શકું અને મારા બાકીના સંતાનો ભૂખ્યા મરી જાય. બહેન આ એકને બચાવવા હું બીજા ત્રણને કેમ મારી શકું ? અને બચાવવી હોય તો પણ મારી પાસે નૈયો પૈસો પણ નથી હોસ્પિટલનો અને દવાનો ખર્ચો કેમ કરવો ?”

ડો. રાની આ લાચાર માની સામે ફાટી આંખે જોઈ રહ્યા. આ ઘટનાથી એનું મન બેચેન થઇ ગયું. ગરીબ આદિવાસીઓ માટે કંઇક કરવાનો એણે સંકલ્પ કર્યો. એના પતિ ડો.અભય બંગ તો સેવાભાવી અને ગાંધીવાદી વિચારસરણી વાળા હતા એટલે એનો સાથ મળ્યો.

પતિ-પત્ની બંનેએ મહારાષ્ટ્રના ગઢચિરોલી નામના 50000ની વસ્તીવાળા નાના શહેરને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું અને આજુબાજુના ગરીબ આદિવાસીઓની આરોગ્ય સેવાનો યજ્ઞ શરુ કર્યો. કોઈ જાતની ફી લીધા વગર વિદેશમાં ભણેલા ગોલ્ડમેડાલીસ્ટ પતિ પત્ની ગરીબ આદિવાસીઓની સારવાર કરવાનું કામ કરી રહ્યા છે.

આપણે સાલું બીજા માટે ખિસ્સામાંથી એક ફદીયુ કાઢી શકતા નથી અને આ દંપતીએ બીજાઓને પોતાનું આખું જીવન આપી દીધું.

ડો.અભય બંગ અને ડો.રાની બંગને લાખ લાખ વંદન.

શૈલેષ સગપરીયા 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *