આ ડોકટરે વેકસીનના બે ડોઝ લીધા હોવાથી માત્ર છ દિવસમાં રીકવર થઈ ગયા પણ પછી તેમણે જે કહ્યું એ તમારે જરૂર વાંચવું જોઈએ…

Spiritual

એ રાત હું ક્યારેય નહીં ભૂલી શકું. હાઈ ગ્રેડ ફિવર, સુપાઈન પોઝીશનમાં ડ્રોપ થતું ઓક્સિજન સેચ્યુરેશન અને મગજમાં કોઈએ બોમ્બ ફોડ્યો હોય એવો હેડેક. હું લગભગ આખી રાત જાગેલો. It was like a ‘dark night of the soul’. એ રાતે મને ઈરફાન ખાનના એ શબ્દો યાદ આવ્યા, જે તેમણે પોતાના કેન્સરના નિદાન પછી એક પત્રમાં લખેલા.

આ પૃથ્વી પર આપણી ઔકાત કોઈ અજાણ્યા સમુદ્રના ઉછળતા મોજા વચ્ચે આમ થી તેમ ફંગોળાઈ રહેલા એક બોટલના બુચ જેટલી છે. આપણને આજીવન એવો ભ્રમ રહ્યા કરે છે કે આપણે આ મોજાને કાબુમાં કરી લેશું પણ હકીકતમાં આપણી ગતિ, નિયતિના પ્રવાહો નક્કી કરે છે.

વેક્સીનના બંને ડોઝ લીધા હોવાથી કોવીડના આટલા Severe symptoms મેં expect નહોતા કર્યા. પણ માર્ગારેટ મિશેલનું એક અદભૂત ક્વોટ છે એમ ‘આપણે જે ઈચ્છીએ છીએ, એ બધું આપણને આપવા માટે જિંદગી બંધાયેલી નથી.’

ફુલ્લી ઈમ્યુનાઈઝ્ડ લોકોમાં કોવીડ ભાગ્યે જ મૃત્યુમાં પરિણમે છે એ જાણતા હોવા છતાં પણ એ કાળી અંધારી રાતે એક સવાલ મનમાં વારંવાર થયા કર્યો, ‘શું મારું સ્ટેશન આવી ગયું છે ?’ 

પણ મારી અંદર રહેલી રેશનલ સાઈડ આ વાત સ્વીકારવા તૈયાર નહોતી. તેણે આ પૃથ્વી પર બાકી રહેલા મારા પર્પઝ ગણાવવાનું શરૂ કરી દીધું. ‘હજી તો દીકરી સાથે કેટલા બધા કિસ્સા શેર કરવાના બાકી છે, પત્ની સાથે વૃદ્ધ થવાનું બાકી છે, મમ્મી-પપ્પાની સેવા કરવાની બાકી છે, નવી હોસ્પિટલને હજી એક જ વર્ષ થયું છે – એને ગ્રો નહીં કરવી પડે ?, કેટલીય સર્જરીઝ પેન્ડીંગ છે, સપ્ટેમ્બરમાં એક નોવેલ આવે છે, એની પહેલા મૃત્યુનું પુસ્તક. No, No, No. It cannot be my last book. છેલ્લું પુસ્તક તો આત્મકથા હોવી જોઈએ, જે લખવાને હજી ઘણી વાર છે.’

મારામાં રહેલી ડરપોક અને કોન્શિયસ સાઈડ વચ્ચેનો આ સંઘર્ષ સવાર સુધી ચાલ્યો. પણ સવાર પડતા સુધીમાં એક વાતની ક્લેરિટી આવી ગઈ કે જે કાંઈ પણ થાય, આપણી જિંદગી બોનસ જ છે. ચાર કરોડ શુક્રાણુઓમાંથી આપણી પસંદગી કરવા માટે, આપણે ક્યાં બ્રમ્હાંડને કોઈ અરજીઓ કરેલી ? અને તેમ છતાં આટલું સુંદર જીવન આપવા માટે આપણે ક્યારેય એનો આભાર નથી માન્યો. આપણને મળેલી જિંદગી માટે આપણે છેલ્લે ક્યારે કૃતજ્ઞતા બતાવેલી ? એની નજરોમાં કદાચ નાલાયક કે Undeserving હશું તો પણ સાવ અનાયાસે જ મોકલી દીધા, આ સુંદર વિશ્વને અનુભવવા માટે. લોકોને પ્રેમ કરવા માટે. કંઈક યોગદાન આપવા માટે. તો એને હક છે યાર ગમે ત્યારે આ પ્રિવિલેજ વિથડ્રો કરી લેવાનો ! 

બીજે દિવસ સવારથી મને દરેક સૂક્ષ્મ ઘટનામાં જિંદગી દેખાવા લાગી. પંખીઓનું સમૂહગાન, ઠંડી હવાનો સ્પર્શ, એકબીજાને અડી રહેલા બે પાંદડાઓ વચ્ચે ચાલતો રોમાન્સ, રસ્તા પર સાયકલ ફેરવતા બાળકોના અવાજો, પોતાનું ટૂકું અસ્તિત્વ ઉજવીને ખરી પડેલા ફૂલો અને ચારેય તરફ પથરાયેલા ઈશ્વરીય સંકેતો. 

જેમ જેમ મારી તબિયત સુધરતી ગઈ, મને ખ્યાલ આવતો ગયો કે શરીર કરતા આપણું મન વધારે બીમાર હોય છે. આપણા દરેકનું ! એ આપણને સતત ડરાવતું રહે છે, ધમકાવતું રહે છે, જોખમ બતાવતું રહે છે. એ સ્મશાન સુધી પહોંચી જાય છે. આપણી પ્રાર્થના સભામાં લોકો આપણા વિશે શું કહેશે ? એવું વિચારવા લાગે છે. વિશ્વ આધ્યાત્મિક ગુરુ Eckhart Tolle જેને ‘ઈગોઈક સેલ્ફ’ કહે છે, એ મન એટલું બધું ખતરનાક છે કે એ આપણને ઓલમોસ્ટ કન્વીન્સ કરી દે છે કે આપણું મૃત્યુ આવી ચુક્યું છે અને આ બીમારીમાંથી આપણે હવે ક્યારેય ઉભા નહીં થઈ શકીએ.

પણ બીલીવ મી, એ મનનું નહીં સાંભળતા ! એ ડરપોક મનની એકપણ વાત સાચી ન માનતા. Just do one thing, focus on your breathing. આંખો બંધ કરીને આપણામાંથી અવરજવર થતી હવાને ઓબ્ઝર્વ કરજો. હ્રદયના ધબકારા ફિલ કરવાની ટ્રાય કરજો. These are the signs of life. આપણે જિંદગીમાંથી નહીં, જિંદગી આપણામાંથી પસાર થઈ રહી છે. અને એ આ ક્ષણનું સૌથી મોટું સત્ય છે કે આપણે જીવિત છે. 

સમાચાર, સોશિયલ મીડિયા, આંકડાકીય માયાજાળ, મૃતદેહની લાંબી કતારો કે આ જગતમાં ચાલી રહેલી યાતના પર ફોકસ કરવાને બદલે આપણી અંદર રહેલા જીવ પર ફોકસ કરજો. ચાલી રહેલા શ્વાસ સિવાય બાકીનું બધું જ અત્યારે ડરામણું છે. 

ઊંડો શ્વાસ લઈને પહોળી થતી છાતીમાં હવાનો ભરાવો મહેસુસ કરો, હ્રદય પર હાથ મૂકીને એનો થડકારો અનુભવો. We are alive damn it, we are alive! 

તમે ઓક્સીજન પર હોવ કે Bi-PAP પર, ઘરે હોવ કે આઈ.સી.યુમાં, માઈલ્ડ ઈલનેસ હોય કે ગંભીર લક્ષણો, એક વાત પ્લીઝ યાદ રાખજો ‘It is not over till it is over’.  મૃત્યુ આવે એ પહેલા જિંદગી સંકેલી લેવી, એ આ અવતાર સાથે કરેલો સૌથી મોટો અન્યાય છે. 

Just hold on man, just hold on! Don’t lose hope.  છેલ્લો વળ ખૂલે નહીં ત્યાં સુધી દોરડુ પકડી રાખજો. વી નેવર નો, આપણને ક્યારે બેનિફિટ ઓફ ડાઉટ મળી જાય ! યમરાજ દ્વારા થતી ભરતી બહુ રેન્ડમ અને અનિયમિત હોય છે. ડરી ગયેલા લોકો અને નિરાશાવાદીઓને, એ પહેલા તક આપે છે. 

વિક્ટર ફ્રેન્કલ જેવો માણસ જો નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પમાં રોજ ઢળી રહેલી અસંખ્ય લાશો વચ્ચે પોતાને અડીખમ રાખી શકે, સતત ત્રણ વર્ષ સુધી ચાલેલી બર્બરતા અને અત્યાચાર સર્વાઈવ કરી શકે, તો અફકોર્સ આપણે પણ કોવીડ સર્વાઈવ કરી શકીએ. 

છેલ્લી વાત, વેક્સીનના બંને ડોઝ લઈ લેવા અનિવાર્ય છે. આટલું બધું થયું હોવા છતાં પણ ફક્ત છ દિવસમાં રીકવર થઈ ગયો. જો વેક્સીન ન લીધી હોત, તો કદાચ આ પોસ્ટ મૂકવાનો ચાન્સ જ ન મળ્યો હોત. 

લેખક અને સૌજન્ય:-ડૉ. નિમિત્ત ઓઝા

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *