આ ડોકટરે જે કર્યું એ જાણીને તમને વિશ્વાસ નહી થાય, સમાજમાં માત્ર લોકોને લૂંટનારા ડોકટરો જ નથી પરંતુ આવા ડોકટરો પણ છે….

Story

32 વર્ષના આ યુવાનનું નામ ડો. પ્રતિક સાવજ છે. ડાયમંડ સિટી સુરતમાં તેઓ ઇન્ફેક્શન સ્પેશ્યાલીસ્ટ (ઇન્ફેક્શન ડીઝીસ ફિઝીશ્યન) તરીકે પ્રેક્ટીસ કરે છે. ગઈકાલે એક દર્દી એના સંબંધી સાથે ડો.પ્રતિક સાવજ પાસે ગયા. ડોકટરે શાંતિથી દર્દીની તકલીફ અને વાત સાંભળી, બધા જ રિપોર્ટ્સ જોયા અને પછી કહ્યું, ‘દર્દીને જે પ્રકારની તકલીફ છે એ જોતા મને એવું લાગે છે કે આ મારા વિષય બહારનું છે તમે એને સારા ન્યુરોસર્જનને બતાવો એ વધુ સારી રીતે પરિણામલક્ષી સારવાર કરી શકશે.’

દર્દી જેવા ડોકટરની ચેમ્બરમાંથી બહાર નીકળ્યા કે તુરત જ રિસેપ્શન પર બેઠેલા કર્મચારીએ દર્દીને બોલાવ્યા અને થોડા સમય પહેલા જ ફીની લીધેલી રૂ.૧૫૦૦ની રકમ પરત કરી. દર્દીની સાથે રહેલા એના પુત્રએ ફી પાછી આપવાનું કારણ પૂછ્યું તો રિસેપ્શન પરના કર્મચારીએ કહ્યું, ‘સાહેબે હમણા સૂચના આપી કે દર્દીને આપણે કોઈ દવા નથી લખી આપી કે એની કોઈ સારવાર નથી કરી, માત્ર માર્ગદર્શન જ આપ્યું છે એટલે એની પાસેથી કોઈ ફી લેવી યોગ્ય નથી. એની બધી જ ફી પાછી આપી દો.’

મને ગઈકાલે રાત્રે જ દર્દીના સગા પાસેથી આ વાત જાણવા મળી એટલે ડો.પ્રતિક સાવજ વિષે વધુ જાણવાની ઉત્સુકતા થઇ. આજે સુરતના કેટલાક મિત્રો પાસેથી એમના વિષે જાણ્યું ત્યારે ખબર પડી કે આ ડોકટર નોખી માટીનો અનોખો માણસ છે. ઉમર નાની છે પણ સમજણ બહુ મોટી છે. એમની પાસે આવતા દર્દીઓની વાતચીત પરથી જ એ દર્દીની આર્થિક પરિસ્થિતિ અંગેનો અંદાજ લગાવી લે છે. જેમની આર્થીક પરિસ્થિતિ સામાન્ય હોય એવા દર્દી પાસેથી લીધેલી તમામ ફી એ પાછી અપાવી દે છે. આટલું જ નહિ પરંતુ પોતાના અંગત સંબંધોનો ઉપયોગ કરીને સિટી સ્કેન કે લેબોરેટરીના રિપોર્ટ્સની ફી પણ ઓછી કરાવી આપે છે. સુરતની સિવિલ હોસ્પિટલના ક્રિટીકલ દર્દીઓ માટે પણ નિસ્વાર્થ સેવા આપે છે. કેટલીકવાર કોર્પોરેટ હોસ્પિટલમાં એક્સપર્ટ ડોક્ટર તરીકે જવાનું થાય અને દર્દીની આર્થિક પરિસ્થિતિ અંગે ખબર પડે તો જેટલું બિલ ઓછું કરાવી શકાય એટલું બિલ ઓછું કરાવે. જ્યાં કોર્પોરેટ હોસ્પિટલની બિલ ઓછું કરવાની મર્યાદા આવી જાય ત્યાં એક્સપર્ટ ડોકટર તરીકેનો પોતાનો ચાર્જ જતો કરીને પણ દર્દીને જેટલી રાહત આપી શકાય એટલી રાહત અપાવવાનો પ્રયાસ કરે.

કોરોનાની બીજી લહેરે જ્યારે ગુજરાતને ધમરોળવાનું શરુ કર્યું ત્યારે સુરતના ઉદ્યોગપતિ શ્રી મહેશભાઈ સવાણીએ સુરતની 52 સામાજિક સંસ્થાઓને એક કરીને કોરોના ગ્રસ્ત લોકોની વિનામૂલ્યે સારવાર કરવા માટે સુરતના જુદા જુદા વિસ્તારોમાં ૧૩ કોવિડ કેર સેન્ટર શરુ કરેલા ત્યારે ડો. પ્રતિક સાવજે સૌથી પહેલો ફોન કરીને રોજ સવાર સાંજ બે-બે કલાક પોતાની સેવા આપવા માટેની તૈયારી બતાવી હતી. સુરત શહેરના એકમાત્ર ઇન્ફેક્શન સ્પેશ્યાલીસ્ટ તરીકે અઢળક કમાણી કરવાની તક હતી એવા સમયે ડો.પ્રતિક સાવજે આ કોવીડ કેર સેન્ટરમાં વિનામૂલ્યે પોતાની સેવાઓ આપીને રૂપિયા કમાવાના બદલે લોકોના આશીર્વાદ કમાવાનો રસ્તો અપનાવ્યો હતો. સુરતવાસીઓ વતનના લોકોની સેવા કરવા સૌરાષ્ટ્ર આવ્યા ત્યારે ડો.પ્રતિક સાવજ પણ ૩ દિવસ વતનમાં આવીને લોકોની સેવામાં લાગી ગયા હતા.

સુરતના જનનીધામમાં એચઆઈવી પોઝીટીવ દીકરીઓ રહે છે જેમાંથી ૪૧ દીકરીઓને કોરોના થયો. બધાને ચિંતા હતી કે આ દીકરીઓ એચઆઈવી અને કોરોના બબ્બે વાઈરસ સામે કેવી રીતે લડી શકશે. ડો.પ્રતિક સાવજે આ દીકરીઓની સારવારની જવાબદારી સંભાળી અને તમામ દીકરીઓને નયા પૈસાનો પણ ચાર્જ લીધા વગર કોરોના મુક્ત કરી.

ડો.પ્રતિક સાથે ફોન પર વાત કરી ત્યારે એમણે કહ્યું કે ‘આ બધા મારા દાદાએ આપેલા સંસ્કારો છે. મારા દાદા બાબુભાઈ સાવજ અમરેલી જીલ્લા પંચાયતનાં કર્મચારી હતા. એમણે પુરી નિષ્ઠા અને પ્રામાણીકતાથી ગામડાના લોકોની સેવા કરી હતી. નિવૃત થયા બાદ પણ આજે 88 વર્ષે એમણે લોકોની સેવા ચાલુ રાખી છે. દાદા એના પેન્શનની રકમનો પોતાના માટે ઉપયોગ નથી કરતા પરંતુ સેવાકીય કાર્યો માટે પેન્શનની બધી જ રકમ આપી દે છે. હું જ્યારે ડોક્ટર બન્યો ત્યારે એમણે મને કહેલું કે લોકોની મજબૂરીનો લાભ ક્યારેય ન ઉઠાવતો અને નાના માણસનું ધ્યાન રાખજે તો ભગવાન તારું ધ્યાન રાખશે. દાદાની આ શીખ પ્રમાણે ચાલુ છું તો સેવા કરતા કરતા પણ સારું કમાઈ લઉં છું. અમારે મહિનામાં એકાદ બે વાર ફોન પર વાત થાય ત્યારે કેટલું કમાય છે એમ પૂછવાના બદલે એમ પૂછે કે લોકોની સેવા કેવી થાય છે ?’

સમાજમાં માત્ર લોકોને લૂંટનારા ડોકટરો જ નથી પરંતુ ડો.પ્રતિક સાવજ જેવા સંવેદનશીલ ડોકટરો પણ છે જેની પાસે ઉત્કૃષ્ટ મગજની સાથે ઉત્કૃષ્ટ હૃદય પણ છે. ડોક્ટર સાહેબ માત્ર તમારી અટક જ સાવજ નથી, તમે ખરેખર સાવજ છો.

સૌજન્ય:- શૈલેષ સગપરીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *