દિલ્હી અને અમદાવાદના વેજલપુર બાદ આમ આદમી પાર્ટીનો વધુ એક વિડિયો વાયરલ થયો છે. ગાંધીના ગુજરાતમાં દારૂ મામલે આપના દિગ્ગજ નેતા જગમલ વાળાનો બેફામ વાણી વિલાસનો વીડિયો વાયરલ થયો છે. તમને જણાવી દઈએ કે જગમલ વાળા ગીર સોમનાથના આપના ઉમેદવાર છે, જેમનો વિડિયો વાયરલ થયો છે.
જગમલ વાળાના વાયરલ વીડિયોમાં શું કહ્યું?
આપના દિગ્ગજ નેતા જગમલ વાળાનો દારૂ મામલે બેફામ વાણી વિલાસમાં તેઓ ચૂંટણી પ્રચારમાં જ દારૂ પીવાની પરવાનગી આપી રહ્યા છે. દિલ્હીની લીકર પોલિસી અને વેજલપુરના ઉમેદવાર કલ્પેશ પટેલના વિવાદ બાદ આ દિગ્ગજ નેતાનો નવો વિવાદથી ખળભળાટ મચ્યો છે. તેઓ જાહેરમાં કહી રહ્યા છે કે, ચૂંટણીમાં જેટલો દારૂ પીવાય એટલે પીવો. દુનિયા ભરના દેશોમાં દારૂ પીવાય છે. મોટા ડોકટરો અને Ips, ias અધિકારીઓ પણ દારૂ પીવે છે. ભારતમાં પણ ગુજરાત સિવાય બધા રાજ્યોમાં દારૂની છૂટ છે. વિશ્વના 196 દેશોમાં દારૂ પીવાય છે. ગુજરાત સિવાય દેશ ભરમાં દારૂની છુટ છે એટલે સાબિત થાય છે કે દારૂ ખરાબ નથી.
કોંગ્રેસની પ્રતિક્રિયા
ગીર સોમનાથના આપના ઉમેદવારના વાઇરલ વીડિયો મામલે ગુજરાત કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં પ્રદેશ મીડિયા સેલ કન્વીનર હેમાંગ રાવલે આપ પર આકરા પ્રહારો કર્યા છે. હેમાંગ રાવલે જણાવ્યું કે, આપના ઉમેદવારનો આ વાણી વિલાસ તેમનું ચાલ અને ચરિત્ર દર્શાવે છે. તેમના મનીષ સીસોદીયા પણ લિકર પોલિસી અને વેજલપુરના ઉમેદવાર પણ વિવાદમાં આવી ચુક્યા છે. આપના આ ઉમેદવારના બફાટથી ગાંધીના ગુજરાતમાં યુવાઓનું ભવિષ્ય અંધકારમાં છે.