હવે ટ્રાફિક ની ચિંતા છોડો હવે તમને મળશે ગમે તે સમયે ટાઈમ પર જમવાનું અને તમે મગાવેલો સામાન , ચાલુ થઈ રહી છે ડ્રોન સેવા, જાણો ક્યાં 5 શહેરો માં ચાલુ થવા જય રહી છે ડ્રોન સેવા.

Featured

જો તમે સ્વિગી કે ઝોમેટો પરથી ભોજન ઓર્ડર કરો અને થોડા સમય બાદ તમારી બારીએ ડ્રોન ટકોરા મારે તો ચોંકતા નહીં. ટૂંક સમયમાં જ આ વિચાર વાસ્તવિકતા બનવા જઈ રહ્યો છે. એટલું જ નહીં, તમે કોઈ ડિપાર્ટમેન્ટલ સ્ટોર પરથી સામાન ઓર્ડર કરશો તો તેને તમારા ઘરે પહોંચાડવા માટે પણ ડ્રોન આવી શકે છે. છેવાડાની જગ્યાઓ સુધી ડ્રોન વડે ડિલિવરી કરવા માટે કંપનીઓ પોતાના તરફથી સંપૂર્ણપણે તૈયારી કરી રહી છે.

આ શહેરમાં 200 ડ્રોન ઉતારી રહી છે આ કંપની
લાસ્ટ માઈલ ડિલિવરી કંપની Zypp Electricએ ગત સપ્તાહે જણાવ્યું કે, તે ડ્રોન લોજિસ્ટિક્સ સેક્ટરમાં ઉતરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. અત્યાર સુધી ઈલેક્ટ્રિક વ્હીકલ વડે ડિલિવરી કરી રહેલી કંપનીએ ડ્રોન વડે સામાન પહોંચાડવા માટે TSAW Drones સાથે હાથ મિલાવ્યો છે. કંપની હાલ પહેલા ફેઝમાં માર્કેટમાં 200 ડ્રોન ઉતારવા જઈ રહી છે. આ ડ્રોન હાલ દિલ્હી-એનસીઆર, બેંગલુરૂ, હૈદરાબાદ, મુંબઈ અને પુણેમાં ડિલિવરી કરશે.

ડિલિવરીમાં ઉપયોગમાં લેવાશે આ ડ્રોન
ઉલ્લેખનીય છે કે, TSAW Drones ડિલિવરી કરવા માટેના ડ્રોન ડેવલપ કરે છે. કંપની પહેલેથી જ અનેક ડ્રોન તૈયાર કરી ચુકી છે જેને ખાસ રીતે ડિલિવરી માટે જ ડેવલપ કરવામાં આવેલા છે. કંપનીની વેબસાઈટ પર ડિલિવરી ડ્રોનના 2 મોડલની જાણકારી આપવામાં આવેલી છે. પહેલું મોડલ Maruthi 2.0 છે જે ઓછા અંતરની ડિલિવરી (40 કિમી રેન્જ) માટે છે. જ્યારે બીજું ડ્રોન Adarnaની ડિલિવરી રેન્જ 110 કિમી સુધીની છે. આ બંને મોડલ 5 કિગ્રા સુધીનું વજન ઉંચકી શકે છે.

ડિલિવરી ડ્રોનમાં હશે સ્માર્ટ લોકર
Zypp Electricએ જણાવ્યું કે, હાલ ડિલિવરીમાં જેટલા પણ ડ્રોન ઉતારવામાં આવી રહ્યા છે તે સૌમાં સ્માર્ટ લોકર હશે. ડિલિવરી મગાવનારા ગ્રાહકો પાસે એક ઓટીપી જશે જેને નાખીને સ્માર્ટ લોકર ખોલી શકાશે. તેના કારણે ડિલિવર થઈ રહેલા સામાનની સુરક્ષા સુનિશ્ચિત થશે. ડ્રોન વડે ડિલિવરી શરૂ થશે તો લોકોના સમયની પણ ભારે બચત થશે.

ગલી-મહોલ્લાઓમાં ડ્રોન ડિલિવરી નહીં
આ ડ્રોન ફક્ત રિમોટ લોકેશન જ નહીં પણ શહેરોના એપાર્ટમેન્ટમાં પણ ડિલિવરી આપશે. તે પોતાની જાતે લોકેશન ટ્રેક કરવાની ટેક્નોલોજીથી સજ્જ હશે. તે સિવાય ડિલિવરી ડ્રોનમાં રિમોટ-આઈડી અને ડિટેક્ટ એન્ડ અવોઈડ જેવી ન્યૂ એજ ટેક્નોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. તે ડ્રોનને રસ્તામાં કોઈ ઉડતી વસ્તુ કે, કોઈ બિલ્ડિંગ વગેરે સાથે અથડાતાં બચાવશે. હાલ આ સુવિધા મલ્ટીસ્ટોરી બિલ્ડિંગમાં શરૂ થશે. સાંકડી ગલીઓમાં ડ્રોન ઓપરેટ કરવામાં મુશ્કેલી પડી શકે છે. મહોલ્લામાં ડ્રોન વડે ડિલિવરી કરવામાં સૌથી મોટી અડચણ તાર-કેબલની જાળ છે.

Leave a Reply

Your email address will not be published.