આપણે બધા જાણીએ છીએ કે ઘઉં અથવા ડાંગરના પાકની લણણી પછી, બાકી રહેલી તેની ડાળીઓ એટલે કે પતરાળી સળગાવવાથી ઘણા રાજ્યોમાં વાયુ પ્રદૂષણની સમસ્યામાં ધરખમ વધારો થયો છે. સરકારે આ સમસ્યા હલ કરવા માટે અનેક પગલા લીધા છે. વળી, દરેક રાજ્યમાં સ્થાનિક વહીવટી તંત્ર સતત ખેડુતોને પતરાળી ન બાળવાની વિનંતી કરે છે. જે લોકો પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ હોય છે, તેઓ સરકાર અને પ્રશાસનની આ વિનંતીને માન આપીને પતરાળી નથી બાળતા પણ આજે અમે તમને એક એવા સ્ટાર્ટઅપ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે આવી પતરાળીમાંથી પ્લાયવુડ બનાવવાનું કામ કરી રહ્યું છે.
અમે ચેન્નાઈ સ્થિત સ્ટાર્ટઅપ, ઇન્ડોવડ ડિઝાઇન ટેકનોલોજી વિશે વાત કરી રહ્યા છીએ. સ્ટાર્ટઅપની સ્થાપના 61 વર્ષીય બી. એલ. બેંગાનીએ કરી છે અને તેમની સાથે તેના પુત્ર વરુણ બેંગાની અને પુત્રી પ્રિયંકા કુચેરીયા પણ સામેલ થઈ છે. આ સ્ટાર્ટઅપ દ્વારા તે ડાંગર-ધંઉનો પાક લીધા પછી વધતી તેની ડાળીઓ જેવા એગ્રી વેસ્ટનો ઉપયોગ કરીને પ્લાયવુડ બનાવી રહ્યા છે. જે એક નેચરલ ફાઇબર કમ્પોઝિટ (એનએફસી) બોર્ડ છે જેનો ઉપયોગ ફર્નિચર, ગૃહ સજાવટ અને અન્ય વસ્તુઓ બનાવવા માટે કરી શકાય છે. આ બોર્ડ લાકડાની પ્લાયવુડનો ઇકો ફ્રેન્ડલી અને ટકાઉ વિકલ્પ છે. ગુજરાત પેજ સાથે વાત કરતાં, બેંગાનીએ તેમની આ યાત્રા વિશે વિસ્તૃત વર્ણન કર્યું હતું.

બી.એલ.બેંગાની મૂળ રાજસ્થાનના છે. 1972 માં તે પરિવાર સાથે કોલકાતા આવી ગયા હતા. તેના પિતા કોલકાતાની ઉન મિલમાં કામ કરતા હતા. તે કહે છે, “તે દિવસોમાં અમારું જીવનધોરણ નીચલા મધ્યમ વર્ગના કુટુંબની જેવું હતું. તેથી જ મેં 10 ધોરણ ભણ્યા પછી કામ કરવાનું શરૂ કર્યું હતુ. મેં રાત્રે ભણાવે એવી એક કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને કામ કરતાંની સાથે સાથે ભણવાનું પણ શરૂ કર્યું. પહેલા મેં ઓફિસ બોય તરીકે કામ કર્યું. ત્યારે મને દર મહિને માત્ર 100 રૂપિયા મળતા હતા. એ જ રીતે, મેં ઘણી જગ્યાએ કામ કરીને મેં બી.કોમ.ની ડિગ્રી પણ પૂર્ણ કરી.
1987 માં, બેંગાની ચેન્નાઈ ગયા અને એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. બેંગનીએ જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી એકાઉન્ટન્ટ તરીકે કામ કર્યા પછી, મને પ્લાયવુડ કંપનીમાં માર્કેટિંગનું કામ સંભાળવાની તક મળી હતી. બેંગની હંમેશાં પોતાને મનગમતું કામ કરવા માંગતા હતા, તેથી પ્લાયવુડ ઉદ્યોગમાં થોડા વર્ષો સુધી કામ કર્યા પછી, તેમણે પોતાની કંપની શરૂ કરવાનો નિર્ણય કર્યો. પોતાની કંપની શરૂ કરવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ મને મારી જાત પર વિશ્વાસ હતો. તેમણે આગળ વાત કરતા કહ્યું, કે “મને આ પ્લાયવુડના ઉદ્યોગ વિશે ખૂબ સારી રીતે અનુભવ થયો હતો. હું જાણતો હતો કે જો હું સખત મહેનત કરીશ તો મને ચોક્કસ સફળતા મળશે. છેવટે, મારી જાત પર વિશ્વાસ કરીને, મેં આ જોખમ લીધું હતું.”
વર્ષ 1997 માં, તેમણે પોતાની કંપની શરૂ કરી, જે હેઠળ તે અન્ય દેશોમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળા પ્લાયવુડ બોર્ડ લાવતા અને વેચતા હતા. પરંતુ, પછી તેમને લાગ્યું કે તેમણે આ બોર્ડ જાતે બનાવવા જોઈએ, તેથી 2001 માં તેમણે પોતાની ફેક્ટરી પણ ઉભી કરી. તે બોર્ડ બનાવવા માટે બર્મામાંથી કાચો માલ લેતા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે, “2010 થી, મારો પુત્ર વરુણ પણ કંપનીમાં જોડાયો હતો. પરંતુ, 2014 માં, કેટલાક કારણોસર, અમે આ વ્યવસાય છોડી દીધો અને કંઈક અલગ કરવાનું વિચાર્યું. તેથી 2015 માં, અમે અમારી કંપનીને વેચી નાંખી હતી અને અમે એક અલગ સ્ટાર્ટઅપ પર કામ કરવાનું શરૂ કર્યું. અમારી પહેલી કંપનીનું ટર્નઓવર કરોડોમાં હતું, પરંતુ કંઇક અલગ કરવાની ઇચ્છામાં, અમે એક નવી કંપની શરૂ કરી. ”

વરુણ કહે છે કે આમ કરવાનું સૌથી મોટું કારણ પર્યાવરણ પ્રત્યેની મારી વધતી સંવેદનશીલતા હતી. હુ કંઈક એવુ કરવા માંગતો હતો કે જેથી પ્લાયવુડ બનાવવા માટે ઝાડ કાપવા ન પડે. લગભગ અઢી વર્ષ સંશોધન કર્યા પછી, અમને ખેડુતે પાક લણી લીધા પછી વધતા કચરામાંથી પ્લાયવુડ બોર્ડ બનાવવાનો રસ્તો મળ્યો.
વરુણે વધુમાં જણાવતા કહે છે કે, “ઘણી શોધખોળ કર્યા પછી, અમે કુદરતી ફાઇબર, એગ્રી વેસ્ટ અને કેટલાક અન્ય ઉમેરણોને જોડીને આ ઉચ્ચ ગુણવત્તાવાળા એનએફસી બોર્ડ બનાવ્યાં હતા. પ્લાયવુડની જેમ, તેનો ઉપયોગ ઘર, હોટલ, કેફે અથવા અન્ય કોઈ પણ જગ્યાએ ફર્નિચર બનાવવા માટે થઈ શકે છે. સૌથી મોટી બાબત એ છે કે આવા પ્લાયવુડ બનાવવા માટે અમારે કોઈ પણ જીવને કે વૃક્ષને નુકસાન કર્યું નથી. અમે બધું પ્રકૃતિ પ્રમાણે કર્યું છે. અમે અહિંસામાં માનીએ છીએ અને અમારા કાર્યમાં પણ તેનું ચુસ્ત પાલન કરવા માગીએ છીએ. ”
ઇકો ફ્રેન્ડલી હોવા સાથે, એનએફસી બોર્ડ સંપૂર્ણપણે રિસાયક્લેબલ છે. તદુપરાંત, આ ફર્નિચરમાં ક્યારેય જીવાત પડતી નથી અને પાણીથી ખરાબ પણ થતી નથી. તેમને કોઈ પણ આકાર સરળતાથી આપી શકાય છે. તમે તમારા ઘર, બગીચા, કાફે, હોટેલ, શાળા, હોસ્પિટલ માટે તેમાંથી ફર્નિચર બનાવી શકો છો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “અમે તેને તમામ પ્રકારના લેબ પરીક્ષણો અને પ્રમાણપત્રો લીધા પછી જ બજારમાં રજૂ કર્યું છે. હમણાં અમે વિવિધ ડિસ્ટ્રિબ્યુટર સાથે કામ કરી રહ્યા છીએ કે તેમને અમે એનએફસીએ બોર્ડ પૂરા પાડીએ છીએ અને તેઓ અમારા આ ઉત્પાદનને બજારમાં વેચી રહ્યા છે.

એનએફસી બોર્ડનો ઉપયોગ કરીને ફર્નિચર ડિઝાઇન કરતા જે. કે. સુતર જણાવે છે, કે “મેં આ પ્લાયવુડનો ઉપયોગ કર્યો છે અને તેની ગુણવત્તા ખૂબ સારી છે. આ બોર્ડ સરળતાથી ખીલી ખોડી શકાય છે. અન્ય પ્લાયની તુલનામાં, અમને આ પ્લાયમાં ખૂબ સારા પરિણામો મળ્યા છે. ” પ્રિયંકા સમજાવે છે કે આ ઈફો ફ્રેન્ડલી પ્લાય વિશે વધુ જાગૃતિ લાવવા માટે તેઓ આર્કિટેક્ટ અને ડિઝાઇનર્સ સાથે કામ કરી રહી છે. કારણ કે, તેમના દ્વારા કહેવાથી સામાન્ય લોકો એનએફસી બોર્ડ વિશે સમજી શકે છે, જેથી વધુને વધુ લોકો તેના વિશે જાણે અને ફર્નિચરના કામ માટે ઝાડ પરની તેમની નિર્ભરતા ઘટાડે.
તે કહે છે, “જ્યારે પણ આપણે કોઈ ઝાડ કાપીએ છીએ, ત્યારે આપણે ઘણા જીવંત જીવો પાસેથી તેમનું ઘર છીનવી લેતા હોઈએ છીએ, તેથી આપણે શક્ય તેટલું પ્રકૃતિને બચાવીને કામ કરવાનો પ્રયાસ કરીએ. અને અમારો પ્રયાસ છે કે ખેડુતોને નક્કામી ગણાતી આ પતરાળીથી વધારાની આવક મળી રહે.
પ્રિયંકા વધુમાં કહે છે કે હાલમાં તેઓ ડાંગર મિલમાંથી નીકળતી પતરાળી ખરીદી રહ્યા છે, કારણ કે કોરોનાની મહામારી અને લોકડાઉનને કારણે, વિવિધ ખેડુતોને મળવાનું શક્ય નથી. પરંતુ, તેઓ સીધા જ ખેડૂતો સુધી પહોંચી શકે અને તેમની પાસેથી સીધી ખરીદી કરી શકે એ માટે આગળની યોજના બનાવી રહી છે. તેમની સાથે 40 લોકોની ટીમ કાર્યરત છે અને તેને આશા છે કે વર્ષ 2022 સુધીમાં આ ટીમમાં ઘણા વધુ લોકો જોડાશે.

ટર્નઓવર વિશે વાત કરતા તેઓ કહ્યું કે, “અમારું વાર્ષિક ટર્નઓવર કરોડોમાં છે, પરંતુ કોરોના રોગચાળાને કારણે બિઝનેસને સૌથી વધુ અસર થઈ છે. ઠીક છે, આપણે ફક્ત આવતીકાલે વધુ સારા દિવસની આશા રાખી શકીએ છીએ. જો બધું સામાન્ય થઈ જશે તો 2022 સુધીમાં અમારું ટર્નઓવર પહેલા કરતા વધારે હશે. અને અમે પ્રયત્ન કરીશું કે અમારી આ ઈફો ફ્રેન્ડલી તકનીક શક્ય તેટલા લોકો સુધી પહોંચે.
જો તમે એનએફસી બોર્ડ વિશે વધુ જાણવા માંગતા હો, તો તમે ઇન્ડોવડ ડિઝાઇન ટેકનોલોજીની વેબસાઇટ પર વિઝીટ કરી શકો છો અથવા info@indowud.com પર મેઈલ કરી શકો છો.