એક બાપ પોતાના દીકરા સાથે કાર લઈને જતા હતા, ત્યારે તેમની સાથે જે થયું….

Story

એક છોકરો એના પિતા સાથે ફરવા માટે નિકળ્યો હતો. પિતા ગાડી ચલાવતા હતા અને દિકરો બાજુમાં બેઠો હતો. પિતાને એમની આ i10 કાર ખુબ વહાલી હતી.એટલે ખુબ કાળજીપૂર્વક લગભગ 80ની સ્પીડથી ગાડી ચલાવી રહ્યા હતા.

થોડીવાર પછી એક હોન્ડાસીટી કાર આ ગાડીને ઓવરટેક કરીને આગળ નીકળી ગઇ. બાજુની સીટ પર બેઠેલા દિકરાએ પિતાને કહ્યુ,” પપ્પા, જુઓ જુઓ, આ ગાડી આપણી આગળ નીકળી ગઇ. સતમે બહુ ધીમી ગાડી ચલાવો છો પપ્પા. હવે તમે પણ જરા લીવરનો ઉપયોગ કરો આપણે એ ગાડીને ઓવરટેક કરી લઇએ.” પિતાએ હસતા હસતા કહ્યુ,” બેટા એ શક્ય નથી કારણકે આપણી ગાડી કરતા એ ગાડીની કેપેસીટી વધુ સારી છે અને એટલે આપણે આપણી ગાડીનું લીવર ગમે તેટલુ દાબીએ તો પણ આપણે એ કારને ઓવરટેઇક ન કરી શકીએ.”

હજુ તો બાપ-દિકરા વચ્ચેની વાત ચાલુ જ હતી ત્યાં એક મર્સીડીસ કાર વાયુવેગે આવી અને સાઇડ કાપીને આગળ નીકળી ગઇ, છોકરાએ પિતાને કહ્યુ, “શું પપ્પા તમે પણ આમ ગાડી ચલાવાતા હશે! આ બીજી ગાડી પણ આપણી આગળ નીકળી ગઇ જરા લીવર દબાવો. પપ્પા સાચુ કહુ મને તો એવુ લાગે છે કે તમને ગાડી ચલાવતા આવડતું જ નથી.”

પિતાએ થોડા ગુસ્સા સાથે કહ્યુ, ” બેટા, મેં તને કહ્યુ તો ખરુ કે જે ગાડી આપણને ઓવરટેઇક કરીને આગળ જતી રહે છે એ બધી જ ગાડીની એન્જીનની ક્ષમતા આપણી ગાડીના એન્જીનની ક્ષમતા કરતા વધુ છે એટલે આપણી આગળ નીકળી જાય એ સ્વાભાવિક છે.” પિતા દિકરાને આગળ કંઇ કહે એ પહેલા એક સ્પોર્ટસ કાર આવીને સડસડાટ જતી રહી. દિકરો હવે એમની સીટ પર ઉભો થઇ ગયો. એના પપ્પાને કહ્યુ, ” પપ્પા, હવે તો સ્વીકારી લો કે તમને ગાડી ચલાવતા નથી આવડતી. એક પછી એક બધી કાર આપણી કારને ઓવરટેઇક કરીને આગળ નીકળી ગઇ.”

પિતાથી ના રહેવાયુ એટલે એ છોકરા પર તાડુક્યા, ” શું ક્યારનો મંડી જ પડ્યો છે. હું તને જે સમજાવાનો પ્રયાસ કરુ છુ એમાં તને સમજ નથી પડતી ? તને આપણી આગળ નીકળી ગઇ એ કાર જ દેખાય છે ? આપણા કરતા ઓછી કેપેસીટી વાળી ઘણીબધી ગાડીઓની સાઇડ કાપીને આપણે આગળ નીકળી ગયા. તને એ ગાડીઓ કેમ નથી દેખાતી ? એક વાત સમજી લે, જે ગાડીઓ આપણી આગળ નીકળી રહી છે એ ગાડીઓથી આગળ નીકળવા આપણી ગાડીનું લીવર ગમે તેટલું દાબીએ તો પણ આપણે એની આગળ ન જ થઇ શકીએ પણ ઉલટાની આપણી ગાડીને કંઇક નુકસાન થાય.”

છોકરાએ ધીમેથી પપ્પાને વહાલ કરતા કહ્યુ, ” પપ્પા, આપ કેટલા સમજુ છો. પપ્પા એક ગાડીની સરખામણી બીજી ગાડી સાથે ન થઇ શકે એ આપ ખુબ સારી રીતે જાણો છો તો પછી મારી સરખામણી તમે બીજા અતિ હોશિયાર વિદ્યાર્થીઓ સાથે કરીને મને કેમ સતત ટોકટોક કર્યા કરો છો ? હું એની સાઇડ કાપવા જઇશ તો મને પણ નુકશાન ન થઇ શકે? અને મારી આગળ નીકળી ગયેલા બધા વિદ્યાર્થી તમને દેખાય છે પણ હું બીજા ઘણા કરતા આગળ છું એ તમને કેમ નથી દેખાતુ ? “

મિત્રો, ભગવાને દરેકના ઘરે જુદી-જુદી ક્ષમતાવાળા સંતાનો આપેલા છે. બીજા કોઇની સાથે આપણા સંતાનોની સરખામણી કરીને એની ક્ષમતા બહારની અપેક્ષાઓ રાખીશું તો ઉલટાનું આપણી સંતાનરૂપી ગાડીને પણ નુકસાન થશે.

લેખક સૌજન્ય:- શૈલેષ સગપરીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *