અજાણ ઇતિહાસ: શ્રી મોટા ગોપનાથ મહાદેવ ભાવનગર…

Story

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ઝાંઝમેરની નજીકમાં એક જગ્યા આવેલી છે જે ગોપનાથ મહાદેવની જગ્યા તરીકે ઓળખાય છે. આ મંદિરની રચના રાજપીપળાના ગોહિલ રાજવી શ્રી ગોપાલસિંહ ગોહિલે કરેલી..જેના નામ પરથી આગળ જતાં ગોપનાથ નામ પડ્યું હશે એવી માન્યતા છે..

શરુવાતમાં મંદિરનું નિર્માણ તો થઈ ચુકેલું હતું પણ મંદિરના તાબા હેઠળ જમીન ના હતી જે ઇ.સ 15મી સદીમાં ઝાંઝમેરના વાજા રાઠોડ રાજવી લગધીરસિંહજી રાઠોડે આપેલી(1300 વીઘા) આ મંદિરમાં જ આદિકવી તથા ભક્તકવિ જેવા નામથી પ્રસિદ્ધિ પામેલા નરસિંહ મહેતાના પ્રભાતિયાં અને ભક્તિગીતોની રચના થયી હતી જે ગુજરાતી સાહિત્ય જગતમાં આગવું સ્થાન ધરાવે છે..

દંતકથા:- ગોપનાથ મંદિર સાથે એક દંતકથા જોડાયેલી છે કે નરસિંહ મહેતાને તેના ભાભી મેણું મારે છે ત્યારે તે આ મંદિરમાં 7 દિવસ અન્ન અને જળ વગર ભગવાનની ઉપાસના કરે છે,પરિણામ સ્વરૂપ ભગવાન મહાદેવ આ ભક્તને પ્રસન્ન થાય છે અને વરદાન માંગવાનું કહે છે ત્યારે નરસિંહ મહેતા ભગવાનને જે વ્હાલું હોય તે આપવાનું કહે છે અને ત્રિલોકનાથ ભગવાન નરસિંહ મહેતાને શ્રી કૃષ્ણની રાસલીલા બતાવે છે..અને આજે પણ મંદિરની અંદર પ્રવેશતાજ ઉપર નજર કરો તો તમને સ્થાપત્ય કલાના નમૂના સ્વરૂપ રાસલીલાના દર્શન થાય છે..

મંદિર અને રાઠોડ રાજવી:- આ મંદિરને તોડી પાડવાના ઘણા પ્રયાસો વિધાર્મીઓ દ્વારા કરાયાં પણ ઝાંઝમેર રાજ્યના તાબા હેઠળ આવતા આ મંદિરની રક્ષા માટે ઝાંઝમેરના રાઠોડો હમેશા અભૂતપૂર્વ શૌર્ય અને સાહસ સાથે પોતાનો ક્ષત્રિયધર્મ નિભાવતા હતા…

16 સદીમાં મુગલ શાસકો દ્વારા મંદિર પર હુમલો કરવામાં પણ આવેલો હતો જે રાઠોડ ક્ષત્રિયોએ પોતાની વીરતા અને ધર્મરક્ષાની તત્પરતા તથા પોતાના ક્ષત્રિય નિયમોની પાલનતા, આ ત્રણ નિયમ કહો કે ત્રિવેણી સંગમ પણ આ 3 નિયમોને આધીન થઈને રાઠોડ રાજવીઓ તથા તેની સૈન્યએ આ મુગલોની પરાજિત કર્યા હતા….

તેની સાબિતી સ્વરૂપ આજે પણ ઝાંઝમેર તથા ગોપનાથમાં આ રાઠોડ રાજવીઓના પાળિયા આવેલા છે…ઝાંઝમેર એ ભાવનગર રાજ્યની અંદર આવેલું પેટા રાજ્ય ગણાતું જેના પર રાઠોડ રાજવીઓનું શાશન હતું…અભૂતપૂર્વ ઇતિહાસ,અદમ્ય સાહસ,અકલ્પનિય ઘટનાઓ,અવિશ્વસનીય શૂરવીરતા એ આ ઝાંઝમેરની ભૂમિમાં સમાયેલા છે….તેના પર પછી ક્યારેક લેખ લખીશ…..પણ આ ઝાંઝમેરની તાબા હેઠળ ગોપનાથ મહાદેવ મંદિર આવેલું

ઉત્તમ સ્થાપત્ય કલાનો નમૂનો:- ગોપનાથમાં પ્રવેશતાની સાથે જ અજોડ સ્થાપત્ય કલા દેખાય અને તે જોવાથી વ્યક્તિ આશ્ચર્ય પામે જ કે આ મંદિરથી લોકો કઈ રીતે અજાણ છે. અદભુત સ્થાપત્ય કલા તેના માટે કોઈ જ શબ્દ નથી મળતો.

પહેલી દીવાદાંડી:- પહેલી દીવાદાંડીની સ્થાપના 1879 મા થઈ હતી.1975થી તે કામ કરતી બંધ થઈ ગયી છે..સફેદ રંગે રંગાયેલી બેવડો વરંડો ધરાવતી લગભગ 12 મીટર ઊંચો ઈંટોનો મિનારો ધરાવે છે.દીવો હવે હટાવી લેવાયો છે, આ ઐતિહાસિક દીવાદાંડી ભાવનગર રાજ્ય દ્વારા બનાવાઈ હતી,હાલમાં ખસ્તાહાલ હાલતને લીધે સ્થળ જવા માટે ખુલ્લું છે પણ મિનારો બંધ કરી દેવાયો છે..

બીજી દીવાદાંડી:- ઇ.સ.1975માં પહેલી દીવાદાંડી બંધ થઈ તેની સાથે જ બીજી દિવાદાંડીનું કામ શરૂ થયું હતું,તે દીવાદાંડી હાલમાં પણ કાર્યરત છે,દર 20 સેકન્ડે પ્રકાશનો ઝબકારો કરતી જે મારા ગામ ખંઢેરામાં પણ દેખાય છે ,44 મીટરની ઊંચાઈએ,30 મીટર ઊંચાઈના લાલ અને સફેદ રંગે રંગાયેલા નળાકાર ટાવર પર લાલટેન મુકાયેલી છે,આ નવી દીવાદાંડી જૂની દિવાદાંડીથી લગભગ 500 મીટરના અંતરે ઉત્તર દિશામાં છે..

ગોપનાથ બંગલો:- નવી બનેલી દિવાદાંડીની નજીક ભાવનગરના રાજવીઓ એ બનાવેલ ગોપનાથ બંગલો પણ આવેલો છે ,જે હાલમાં “વિજયવિલાસ પેલેસ” હોટેલ તરીકે ઉપયોગમાં લેવાઇ રહ્યો છે…

અત્યંત રમણીય દરિયાકિનારો:- અહીં આપેલી તસવીરો જોવાથી તો માત્ર અંદાજો જ લગાવી લગાવી શકાયશે,પણ સાચે જ ક્યારેક ભાવનગર આવો અને ગોપનાથની મુલાકત લીધા વગર જતા રહો તો તમે વિશ્વની સર્વશ્રેષ્ઠ પ્રકૃતિ અને અદભુત ઇતિહાસનું રસપાન કરવાથી વંચિત રહી જશો. ખૂબ જ આકર્ષિત દરિયા કિનારો ગોપનાથની શાનમાં ચાર ચાંદ પુરે છે….

સફેદ ધજાનું મહત્વ:- સામાન્ય રીતે હિન્દૂ ધાર્મિકસ્થળ હોય ત્યાં ભગવા રંગની ધજા હોય છે પણ આ ઇતિહાસનું પહેલું એવું મંદિર છે કે જ્યાં ધોળા(સફેદ)રંગની ધજા ચડે છે…કારણ કે હરિ(શ્રી કૃષ્ણ) અને હર (મહાદેવ) આ બંને થઈ ને હરિહર નામ ઉપસી આવે છે અને બંનેના સ્વરૂપની પૂજા થાય છે માટે ધોળી ધજા ચડે છે. પણ આના કારણે સ્થાનિકો તેને “ધોળીધજાવાળા દેવ” તરીકે ઓળખે છે…

નરસિંહ મહેતા સ્મારક:- મંદિરની બહાર પગથિયાં ઉતરો એટલે એકદમ સામે જ નરસિંહ મહેતાની મૂર્તિ આવેલી છે…

આ બધું લખવા બેસાય તેમ છે જ નહીં…માટે એટલે જ રાખું છું…. હજુ તો ઘણું બધું લખવું છે પણ સમયમર્યાદા તથા શબ્દમર્યાદા પણ ધ્યાનમાં રાખવી પડે એમ છે…માટે જો તળાજાના વિસ્તારમાં આવો તો આ સ્થળ પર્યટક સ્થળ,આધ્યાત્મિક સ્થળ તેમ જ,મનોરંજન માટે ખૂબ જ ઉત્તમ સ્થળ છે માટે જોવાનું ચૂકશો નહીં જ.

સૌજન્ય:- રાજ્યગુરૂ ભાર્ગવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *