કંતાનને ભોંય પર પાથરી બેઠેલો એક મંજૂર એના સાથી મિત્ર સાથે સવારે અમદાવાદ પાલડી ખાતે મંજૂરીએ આવ્યો હતો. એ બંને એક જગ્યાએ ફૂટપાથ પર બીજા કંતાનનું ઓથ બનાવી નજીકના સગા સાથે દિવસે પાલડી નાકે મંજૂરી માટે કોઈ લેવાં આવે એ માટે પહોંચી જશે. આ શહેરના શેઠિયાઓ, બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો એમને ભાવ તાલ નક્કી કરીને કામે લઈ જશે. દાહોદ જિલ્લામાંથી આવી રીતે કેટલાંય લોકો એકલા કે પતિ-પત્ની છૂટક મજૂરી અર્થે મોટા શહેરોમાં આવે છે. જુના મકાનો તોડવા, નાનું મોટું મકાન રીપેરીંગનું કામ કરવું, નવાં બાંધકામ માટે રોકડી કરવા જવું વગેરે જગ્યાએ ચણતર, પ્લાસ્ટર, સેન્ટિંગ, સળિયા બાંધવા વગેરે જેવા કામ કરીને કમાણી કરે.
આ ભાઈનું નામ ગોપો. ગોપો ગમે ત્યાં જાય હંમેશા પોતડી બાંધે. સફેદ ધોતિયું એનું મનગમતું. ગમે એટલું મેલું હોય પણ એ પહેરવા માટે એની મજબૂરી સાથે જરૂરી હોય. એની પોતડી પહેરવાથી બધા એને ગોપો પોતડીવાળો એમ બોલાવતાં. અહીંની દરેક પોળો પાસેથી પસાર થતો અને કામ કરવાની નિષ્ઠાથી એ ત્યાં જાણીતો બનવા લાગ્યો. એની કામ કરવાની તાકાત, ચોક્કસાઈ, નિપુણતા એને વધુને વધુ કામ મળતું. એ નાકે જાય તો એનાં પહેરવેશથી બધાનું ધ્યાન ખેંચતો.
ગોપાને અતિશય કામથી દારૂ અને તમાકુનું વ્યસન થઈ ગયું.. એનાથી એને કામ કરવાનો ઉત્સાહ અને રાત્રે થાક ભૂલવા દારૂનું સેવન મહત્વનું લાગતું. દિવસે બે જોડી બતિન બીડી અને દૂધ વિનાની કાળી ચા અથવા કોઈ લારી પરથી શેઠિયાઓ પીવડાવે એ ચા પીતો. મોટાભાગે કામનાં સ્થળે જ એ ત્રણ ઈંટો કે પથ્થરોથી બનેલાં ચૂલા પર રસોઈથી માંડીને ચા બનાવવાની એ એમનું રસોડું. અહીં બીજાં કેટલાંય મંજૂરો પોતાના નાનાં નાનાં સંતાનો સાથે સાડી કે પટોરાની ખોઈ બનાવીને કામ કરતાં જોવાં મળે.
ગોપો જન્મ્યો ત્યારે એની મા કહેતી કે એ ધોળા રૂની પૂણી જેવો હતો પરંતુ તડકો, વરસાદ અને ઠંડી હોય એ બધામાં દસ વરસની ઉંમરેથી મંજૂરી કરીને કાળો મેશ જેવો બની ગયો હતો. એનાં શરીરની કાળજી લેવાની સમજ એને આજ સુધી આવી ન્હોતી. કદાચ નાનપણથી ઘર ચલાવવાની જવાબદારીના ભારથી એ કચડાઈને કાળો પડી ગયો હતો. આ વખતે એ છ મહિનાની કમાણી કરીને એ હોળી પર ઘરે જવાનો હતો. એણે ખાતાં પીતાં છ મહિનામાં વીસેક હજારની બચત મુડી કરી હતી. એ પોતાની પાસે એક નાનકડી થેલીમાં પોટલી બનાવીને ધોતીયાની અંદર રાખીને આજે નાકે છેલ્લા દિવસનું કામ કરવાં ગયો.
આજે નાકે જતાં એને થોડું મોડું થયું હતું. પણ એને એનો અફસોસ ન હતો. ઘર બનાવવાની બચત એની પાસે હતી. એને આજે કામ મળે કે ના મળે એની ચિંતા ન હતી. એ પહોંચ્યો ત્યારે બધા મજૂરો કામના સ્થળે પહોંચી ગયા હતાં. એ વખતે ત્યાં એક રીક્ષા પર ત્રણેક અમદાવાદી ઉભાં હતાં. ગોપાએ એમને ક્યારેય જોયાં ન હતા.
ગોપાને કહ્યું કે ભાઈ એક જગ્યાએ દિવાલ તુટી છે. કડિયા મળ્યા છે પણ મંજૂર નથી તારે આવવું છે. પાંચસો રૂપિયા મંજૂરી મળી જશે. હોળીના છેલ્લા દિવસોમાં મજૂરો ન મળે એટલે ભાવ વધી જતાં. ગોપાને ખબર હતી કે આજે એક દિવસ પાંચસો કમાઈ લેવાનો મોકો મળ્યો છે તો જાવું એમની સાથે. રોજ અઢીસોની હાજરી મળતી તો આજની બે ગણી રકમથી એમની સાથે રીક્ષામાં બેસી ગયો.
ગોપો ચાલક સાથેનાં ત્રણ વયકિઓ સાથે જવા લાગ્યો. એક પછી એક ગલીઓ વટાવતી રીક્ષા શહેર બહાર જવા લાગી. એક સાંકડો, ઝાડી ઝાંખરા વાળો રસ્તો હતો એ તરફ એ જવા લાગ્યા. અચાનક રીક્ષા રોકાઈ ને ગોપાને એમણે ઝાલી લીધો. એનાં ઉપરનાં ખીસ્સામાં વીસ હજાર હથા એ લૂંટી લીધા. એ અમદાવાદનાં ઠગોનો શીકાર બન્યો હતો. ઠગ લૂંટારાઓએ એને મારી મારીને અધમૂઓ કરી નાખ્યો.
ગોપો ભાનમાં આવ્યો ત્યારે એક અવાવરું નાળામાં પડ્યો હતો. ગટરની દુર્ગંધ અને શરીર પર માખી બહમણતી સ્થિતિમાં એ અર્ધો ભાનમાં આવ્યો. દર્દથી કણસતો લથડતો, અથડાતો બહાર આવ્યો. થોડું ચાલતાં એક ખેડૂત ત્યાંથી પસાર થતો હતો એણે એને અમદાવાદ પાલડી પહોંચાડ્યો. સરકારી દવાખાને દવા કરાવીને એ દાહોદ આવતી બસમાં ચડ્યો. આવ્યો ત્યારે રાતના અગિયાર વાગ્યા હતાં.સૌ હોળી સળગાવવા ભેગા થયા હતા. ગોપો ગામમાં આવીને દેશી દારૂ દુઃખને ભૂલવા પીધો. નશો ચડવાથી રામ ઢોલના તાલે એ હોળી પ્રગટી અને જ્યાં સુધી ઢોલ ઢબૂકતો રહ્યો ત્યાં સુધી નાચતો રહ્યો.
ઢોલ બંધ થયો ત્યારે રાતના ત્રણ વાગવા આવ્યા હતા. ઢોલ બંધ થતાં જ ગોપો ચક્કર ખાયને પડ્યો. ફરી ઉઠ્યો ત્યાર પછી એને કોઈ ભાન શાન રહ્યું નહીં. લોકો વાતો કરે છે કે શું એનો નાચ હતો. એને જિંદગીમાં આવું નાચતા કોઈએ જોયો ન હતો. પણ પછી ફરી એ ક્યારેય આવું નાચી શક્યો પણ નહીં. કેમકે એ નાચવાના બધા જ તાલ ભૂલી ગયો હતો. આજે પણ ગોપો ગામમાં ઘરે ઘરે ફરીને માંગીને ખાય છે. તોફાની છોકરાઓ એની પોતડી છોડી નાખે છે. કેમ કે એને હવે એની પોતડીનુ ભાન રહ્યું નથી.
તમને આ પોસ્ટ કેવી લાગી? કૃપા કરીને અમને કોમેન્ટમાં જણાવો અને તમને આ પોસ્ટ ગમી હોય તો શેર જરૂર કરજો. જો તમારી પાસે ગુજરાતીમાં કોઈ આર્ટીકલ્સ, વાર્તા અથવા માહિતી છે, જે તમે અમારી સાથે શેર કરવા માંગો છો, તો કૃપા કરીને તમારા ફોટા સાથે અમને ઇમેઇલ કરો. અમારી આઈડી છે: Gujaratexpress100@gmail.com. જો અમને ગમશે, તો અમે તેને અહીં તમારા નામ અને ફોટો સાથે પ્રકાશિત કરીશું. આભાર!