આખરે માલધારી સમાજ ના ઉગ્ર આંદોલન બાદ સરકારે ગુજરાતમાં રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવાનો લીધો નિર્ણય

News

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ‘રખડતા ઢોર નિયંત્રણ કાયદા’ને લઇને માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વિધાનસભામાં ‘રખડતા ઢોર નિયંત્રણ બિલ’ને પરત ખેંચી લેવાયું છે.

ગુજરાત વિધાનસભાના 2 દિવસીય ટૂંકા સત્ર દરમ્યાન આજે અધ્યક્ષ દ્વારા રખડતા ઢોર નિયંત્રણ બિલને પરત ખેંચવાની અનુમતિ આપી દેવાઇ છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવેલું બિલ રાજ્યપાલે પુનઃવિચારણા માટે મોકલ્યું હતું. આથી આજના વિધાનસભાના પ્રથમ સત્રમાં જ ‘રખડતા ઢોર નિયંત્રણ’ બિલને પરત ખેંચવામાં આવ્યું છે. મહત્વનું છે કે, આ કાયદાનો રાજ્યભરમાં પશુપાલકો દ્વારા ઠેર-ઠેર દૂધ ઢોળીને ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં આજથી 2 દિવસીય ટૂંકુ સત્ર શરૂ થયું છે. જેમાં પ્રથમ દિવસે જ આ બિલને પરત ખેંચી લેવાયું છે. જેથી પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

માલધારી સમાજે રાજ્યભરમાં દૂધ ઢોળીને વિરોધ કર્યો
રખડતા ઢોર મામલે સરકાર દ્વારા રજૂ કરાયેલ બિલના વિરોધમાં આજે માલધારી સમાજ દ્વારા સમગ્ર રાજ્યમાં દૂધ નહીં ભરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે સુરત,અમદાવાદ,ભરૂચ, રાજકોટ સહિત અનેક સ્થળો પર દૂધ ઢોળીને વિરોધ કરવામાં આવ્યો હતો. તો મંગળવારે મોડી રાતે સોશિયલ મીડિયામાં દૂધ નહીં મળવાનો મેસેજ વાયરલ થતાં લોકો દૂધની ડેરી અને અમૂલ પાર્લરમાં દૂધ-છાશની ખરીદી માટે દોડી આવ્યા હતા.

કનીરામ બાપૂએ સમાજને કરી હતી અપીલ
માલધારી સમાજના એક દિવસ દૂધ નહીં વેચવા મામલે દુધરેજ વડવાળા મંદિરના ગાદીપતિ, માલધારી સમાજના ગુરૂ ગાદીના પૂજય કનીરામ બાપુએ માલધારીઓને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે કોઈપણ જગ્યાએ આંદોલન દરમિયાન દૂધના ટેન્કરો રોકવા નહીં. વધુમાં અમૂલ દૂધની વિતરણ વ્યવસ્થાને પણ અટકાવવી નહી. એટલું જ નહીં ડેરી તેમજ કોઈના દૂધ ટેંકરોને રોકીને પણ ધમાલ ન કરવા જણાવાયું છે. તેમણે જણાવ્યું હતું કે આપણે તો આપણી ગાયો-ભેંસોનું દૂધ નથી વેચવાનું. ડેરી આથી દ્વારકાવાળાને માનતા હોય તો મહેરબાની કરીને ધમાલ ન કરતા તેમ અંતમાં ગુરુએ જણાવ્યું હતું.

જાણો શું હતી માલધારી સમાજની માંગ?

માલધારીઓની મુખ્ય માંગોમાં ગુજરાત શહેરી ઢોર નિયંત્રણ કાયદો ૨૦૨૨ સંપૂર્ણ નાબૂદ કરવો, ગીર બરડા આલેચના માલધારીઓના ૧૭૫૫૧ કુટુંબોને ST દરજ્જ પુનઃ સ્થાપિત કરવો, માલધારી – ગોપાલક મંડળીઓને મતનો અધિકાર જે રદ કરેલ છે તે પુનઃસ્થાપિત કરવો, ગુજરાત સરકાર ૧૦૦ પશુએ ૪૦ એકર ગૌચર નિયત કરવું તેના પર દબાણો દૂર કરવા, નંદી વસાહત શહેરની બહાર પુનઃસ્થાપિત સહીતની માંગણીઑ કરાઇ રહી છે.

રાજ્ય સરકાર કોઈ પણ કામ માટે ઓપન છે : વાઘાણી
વધુમાં જીતુ વાઘાણીએ ડ્રગ્સ મુદ્દે નિવેદન આપતા કહ્યું કે, ‘કોંગ્રેસે રાજ્યને બરબાદ કરવું છે? શું દેશમાં ડ્રગ્સ જવા દેવું જોઈએ? કોંગ્રેસ માત્ર દેખાડો કરે છે. સર્વાનુમતે વિધાનસભાના કામ નક્કી થયા છે. જનતાનું કોંગ્રેસને સમર્થન નથી. કોંગ્રેસની હતાશા વિધાનસભામાં દેખાઈ છે. પશુપાલકો સાથે મુખ્યમંત્રીએ બેઠકો કરી હતી. રાજ્ય સરકાર કોઈપણ કામો માટે ઓપન છે. રાજ્યના કર્મચારીઓ અમારો પરિવાર છે. રાજ્યોના અલગ-અલગ પ્રશ્નો હોય છે. કર્મચારીઓ ક્યારેય કોઈનો હાથો નહીં બને.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *