શહેરોની સાથે ગામડામાં ફેલાયેલા કોરોનાને કાબૂમાં લેવા લંબાઈ શકે છે મિની લોકડાઉન ?

News

ગુજરાતમાં કોરોના વાયરસના હાહાકારના કારણે હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતનાં 8 મહાનગર અને 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યો છે, જેની મુદત આજે પૂર્ણ થઈ રહી છે. કોરોનાના કેસોની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી થોડો ઘટાડો થઈ રહ્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ પણ જાતનું જોખમ લેવા માગતી નથી, જેથી આજે મળનારી કોર કમિટીની બેઠકમાં હાલમાં કર્ફ્યૂનો સમય જે રાત્રિના 8થી સવારના 6 સુધીનો છે, એને 20 મે સુધી લંબાવવામાં આવે એવી શક્યતા દેખાય રહી છે.

રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના કેસની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ મોતના આંકડાની સાથે શહેરોની સાથે ગામડાઓ સુધી ફેલાયેલા કોરોનાને કાબૂમાં લેવા સરકાર હજુ કોઈ જોખમ લેવા માગતી નથી, પરિણામે ગુજરાતમાં કોરોનાના કેસો 10 હજારથી ઓછા થાય, સાથે સાથે રિકવરી રેટ 85 ટકા થી ઉપર જાય તે પછી જ કર્ફયૂ અને નિયંત્રણો ઓછાં કરવામાં આવે એવી શક્યતા છે.

ગુજરાતનાં શહેરોમાં તો સ્થિતિ સુધરી રહી છે, પરંતુ ગામડાંમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં લેવા ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને સારવારની વ્યવસ્થા મજબૂત બનાવી ગુજરાતમાં વધુ ને વધુ વેક્સિનેશન થાય એ માટેના પ્રયત્નો કરીને રાજ્યમાં કોરોનાની બીજી લહેરને કાબૂમાં લેવા સરકાર સક્રિય બની છે.

ગુજરાતમાં 6 મેથી 12 મે દરમિયાન વધુ 7 શહેરો સાથે કુલ 36 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરાયું હતું. રાજ્યભરમાં લૉકડાઉન લાગુ કરવામાં આવશે એવી અટકળોનો છેદ ઉડાડતા મંગળવારે સાંજે મુખ્યમંત્રીના વડપણ હેઠળ મળેલી કૉર કમિટિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

કોરોના સંક્રમણ ફેલાતા રોકવા માટે રાત્રિ કર્ફ્યૂ ધરાવતાં શહેરોમાં જે 7 શહેરનો ઉમેરાયો થયો છે. આ અગાઉ 8 મહાનગરો સહિત 28 શહેરમાં પહેલેથી રાત્રિ કર્ફ્યૂ હતો. રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નિયંત્રણો દરમિયાન આવશ્યક સેવાઓ જેવી કે અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદી, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રાખવાનો આદેશ અપાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *