એક માણસનું મૃત્યું થયું અને ભગવાનના દુતો તેને લેવા માટે આવ્યા….

Story

એક માણસનું મૃત્યું થયું. ભગવાનના દુતો એને તેડવા માટે આવ્યા. જીવન દરમ્યાન ખુબ સારા કામો કરેલા એટલે એને પૂર્ણ આદર સાથે દેવદુતો પોતાની સાથે લઇ ગયા. પેલા માણસે દેવદુતોને પુછ્યુ કે તમે મને ક્યાં લઇ જાવ છો? દેવદુતોએ કહ્યુ કે ભગવાન તારા કામને કારણે તને મળવા માટે આતુર છે માટે તને ભગવાન પાસે લઇ જઇએ છીએ.

એક પછી એક દરવાજા પસાર કરતા કરતા દેવદુતો આ માણસને લઇને આગળ વધી રહ્યા હતા. એક ખુબ મોટું મેદાન આવ્યું. ભગવાનને મળવા માટે જઇ રહેલા માણસના પગ થંભી ગયા. એ તો આંખો ફાડીને મેદાનમાં ચારે બાજુ જોવા લાગ્યો. આ વિશાળ મેદાનમાં જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી જુદી જુદી ભેટો સરસ મજાના રેપરમાં પેક થઇને પડી હતી. પેક થયેલી ગિફટના ઢગલે ઢગલા હતા. રાક્ષસી કદની ભેટથી શરુ કરીને સાવ નાની નાની ભેટોના પાર્સલ પણ હતી. પેલા માણસે દેવદુતોને પુછ્યુ, “ આ બધુ શું છે ? આ રેપરમાં શું પેક કરેલું છે ? આટલી બધી ગીફ્ટ કોને આપવાની છે? ”

દેવદુતે દુ:ખી હદયે જવાબ આપ્યો, “ભાઇ આ રેપરમાં જુદી જુદી વસ્તુઓ છે. કોઇમાં રુપિયા છે તો કોઇમાં બંગલો છે. કોઇમાં નોકરી છે તો કોઇમાં છોકરી પણ છે. પૃથ્વી પરના માણસો એ જે જે ઇચ્છાઓ કરી એ બધુ જ આમાં પેક કરીને રાખ્યુ છે.” પેલા માણસે આશ્વર્ય સાથે પુછ્યુ, “આ બધી જ ગીફટ ધરતી પરના માણસોને આપવાની છે તો પછી બધુ અહિંયા કેમ રાખી મુક્યુ છે? એ કેમ કોઇને આપ્યુ નથી?”

દેવદુતોએ સ્પષ્ટતા કરતા કહ્યુ, “ જેમણે જેમણે કંઇક મેળવાવાનું નક્કી કર્યુ અને એ મેળવવા માટેના પ્રયાસ ચાલુ કર્યા એટલે ભગાવાને રાજી થઇને એમની ઇચ્છા પુરી કરવાનું નક્કી કર્યુ. લોકોને એમની ઇચ્છા મુજબની વસ્તું આપવા માટે ભગવાને સરસ મજાનું ગીફ્ટ પેક તૈયાર કર્યુ. ભગવાન આ ગીફટ એમને આપે તે પહેલા જ માણસે પોતાની ઇચ્છા મુજબની વસ્તુઓ મેળવવાના પ્રયાસ છોડી દીધા ભગવાને તૈયાર કરેલી આ ગીફ્ટ અહીંયા જ પડી રહી છે. પૃથ્વી પરના માણસોએ જો થોડી વાર વધુ પ્રયાસ ચાલુ રાખ્યા હોત તો આ ગીફ્ટ અહીંયા નહી પરંતું પ્રુથ્વી પર હોત અને બધા લોકોને એમની ઇચ્છા મુજનું મળી ગયુ હોત!”

આપણે પૃથ્વી પર રહેનારા માણસો છીએ અને એટલે આપણે બધા પણ આ જ ભૂલ કરીએ છીએ. જીવનમાં કંઇક મેળવવા માટેનો સંકલ્પ કરીને એ મેળવવાના પ્રયાસ પણ ચાલુ કરીએ છીએ. માત્ર પ્રયાસ જ કરીએ છીએ એવુ નહી દિલથી એ માટે પુરુષાર્થ કરીએ છીએ આપણા એ પ્રયાસો જોઇને ઉપરવાળો આપણા માટે આપણી ઇચ્છાઓ મુજબની વસ્તુઓનું પેકીંગ શરુ કરી દે છે પણ આપણે ધીરજ રાખતા નથી અને અમૂક પ્રયાસો પછી પણ જ્યારે ઇચ્છા મુજબનું મળતું નથી એટલે આપણા નસીબમાં નથી એમ માનીને પ્રયાસોને પડતા મુકીએ છીએ.

આ દુનિયામાં એવી ઘણી વ્યક્તિઓ છે કે જેમણે આપણી જેમ જ ઇચ્છાઓને પુરી કરવા માટે મહેનત કરી આપણને આપણી ઇચ્છા મુજબનું ન મળ્યુ અને એમને એમની ઇચ્છા પ્રમાણેનું મળી ગયુ આવુ કેમ બનતું હશે ? આનું કારણ માત્ર એટલુ જ છે કે આપણને કોઇ અડચણો આવી કે નિષ્ફળતા મળી તો હવે મારા ભાગ્યમાં નથી એમ માનીને મહેનત બંધ કરી અને બીજાઓએ નિષ્ફળતાઓ મળવા છતા મહેનત મુકી દેવાને બદલે એમના પ્રયાસો ચાલુ રાખ્યા અને પરીણામે એ પોતાના કામમાં સફળ રહ્યા. સ્વામી વિવેકાનંદ કહે છે એમ જે ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહે છે એ ચોક્કસ પણે સફળતા મેળવે જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *