શા માટે ડાયાબિટીસ, બ્લેક ફંગસ, બ્લડ પ્રેશર, હાર્ટએટેક, પેરાલિસિસ, કોલેસ્ટેરોલ, બ્રેઈન સ્ટ્રોક જેવા જીવલેણ રોગોના સહુથી વધુ કેસ ગુજરાતીઓમાં જોવા મળે છે ?

Life Style

શા માટે દેશમાં સૌથી વધારે ડાયાબિટીસ ગુજરાતીઓને થાય છે ? શા માટે દેશમાં સૌથી વધારે બ્લેક ફંગસના કેસ ગુજરાતમાં છે ? શા માટે દેશમાં સૌથી વધારે બ્લડ પ્રેશરના દર્દીઓ ગુજરાતમાં છે ?

કોલેસ્ટેરોલ, હાર્ટએટેક, બ્રેઈન સ્ટ્રોક, પેરાલિસિસ ના પણ ઘણા બધા કેસ ગુજરાતીઓને થાય છે. વધુ પડતા વજન અને કસરત વગર નબળા પડી ગયેલા સ્નાયુઓના કારણે ઘૂંટણના ઘસારા, કમરના મણકા ગાદી ઘસાઈ જવા એ આપણી જાતે ઊભી કરેલી મુસીબતો છે…

વધુ સાકર અને ચરબીયુક્ત ખોરાકના કારણે કબજિયાત અને આંતરડામાં કેન્સર નું જોખમ તો ખરું જ… આ બધાનું મુખ્ય કારણ વર્ષો પહેલા ચીનના લોકોએ આપણને ચા અને ખાંડનું વ્યસન કરાવી દીધું જે પેઢી દર પેઢી વારસામાં ઉતર્યુ…

એનાથી આગળ આપણાં દાળ શાકમાં પણ ખાંડ ઉમેરાય, આપણે ગોળ પણ છૂટથી વાપરીએ, અને એ ઓછું હોય એમ તેલથી લદબદ આપણા બધા શાક હોય, પાછું બધા શાક સાથે બટાકા તો ઉમેરવાના નહિં તો બાળકો ન ખાય, અને હા દરરોજ બંને ટાઈમ ભાત કે ખીચડી તો જોઈએ જ, નરમ રોટલી ના નામે ચાળીને ઝીણો લોટ જ વાપરવાનો અને ઉપયોગી થૂલું કચરામાં જાય…

ઘરે કે ઑફિસે દરરોજ દિવસમાં બે વખત બહારના તળેલા ફરસાણ , બેકરી નો કચરો તો નાસ્તામાં તો ખાવો જ પડે… ચા કૉફી ને સાથ આપવા સો જાતના તળેલા નાસ્તા જેમકે ચકરી, ખાખરા, ફાફડા, સકરપારા, પુરી, સેવ, ગાંઠિયા, બિસ્કિટ, બ્રેડ, ચવાણા, ચેવડા, ફૂલવડી, ટમટમ ઘરમાં બારે માસ અડ્ડો જમાવીને બેઠા હોય…

અમને કેરી અથવા કેરીનો રસ તો રોજ જોઈએ, બાસુંદી, પેંડા, બરફી, કલાકંદ, ડ્રાયફ્રુટ સ્વીટ્સ, જલેબી, શીખંડ, મીઠાઈ તો કશા પણ કારણ વગર ઘરમાં આવે, શનિ રવિ તો હોટલમાં ખાવું જ પડે અને શરબત, ફાલુદા, આઈસ્ક્રીમ કુલ્ફી બરફગોળા અને આઈસ છીણની ડીશ ના ખાઈએ તો તો કેમ ચાલે ભાઈ…

બીજું એક બહુ મોટું કારણ, રોડ પર ચાલવા કે સાયકલ ચલાવવામાં અમને નાનમ લાગે, જાણે અતિશય ગરીબ થઈ ગયા હોય એવું અનુભવાય એટલે સાવ શેરીના નાકા જેટલું નજીક હોય કે થોડુંક જ દૂર, અમારાથી તો શૉઑફ કરવા માટે ગાડીઓ અને બાઈક વગર ઘરની બહાર જ ના જવાય… સ્ટેટસ ભાઈ સ્ટેટસ, તમને ના ખબર પડે…

બીજું એક કારણ ઘરનું બધું કામ કોઈ જાતે કરે તો બહેનપણી અને પડોશમાં રહેલી બીજી બહેનો આગળ આપણે ગરીબ કહેવાઈએ એટલે પગાર પર રાખેલા ચારપાંચ માણસો જ ઘરે અને ઑફિસે એમના હાથપગ હલાવે…

આપણે તો સોફાથી ડાઇનિંગ ટેબલ અને ડાઇનિંગ ટેબલ થી ડબલ બેડ… પંખા, એ.સી. વગર તો એક મિનિટ ના ચાલે… પરસેવો પડે તો વજન ઘટી જાય, શરીરના ભારેખમ વજનમાં શેરમાર્કેટ ની મંદીની જેમ કડાકો બોલી જાય… મરી જઈએ એ ચાલે પણ એશઆરામ અને લક્ઝરી માં મંદી ના ચાલે…

સરેરાશ શહેરી ગુજરાતીઓ ઘરે અને ઑફિસમાં એક જગ્યાએ ફેવિકોલની મજબૂત જોડની જેમ આખો દિવસ ચોંટીને બેસી જાય છે , પાણી પણ કોઈ પીવડાવે તો જ પીવાનું અને કસ્ટમર આવે એટલે ખાલી ખાલી ચા ઉપર ચા ઑર્ડર થયે રાખે, ભલે ને શરીરનું જે થવું હોય એ થાય…

અરે હા પાછું કામધંધામાં નંબર વન બનવાની હોડમાં તંદુરસ્તી ને બાજુમાં મૂકીને આખો દિવસ આપણા વ્યાપારી મગજ ધરાવતા બાહોશ લોકો માત્ર ફાઈલો, મોબાઈલ, લેપટોપ, ટીવી ની સાથે વળગેલા રહીને જ સ્થૂળકાય બને છે… અને હા, આ જે જે લખ્યું છે ને એટલે જ ગુજરાતીઓ અન્ય દેશ અને ભારતના અન્ય રાજ્યોના લોકો કરતાં સરેરાશ આટલા બધી જાતનાં જીવનશૈલીને લગતાં રોગોનો ભોગ બને છે…

સૌજન્ય:- ડૉ શ્વેતલ દિલીપકુમાર ભાવસાર, સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને સ્પોર્ટ્સ ઓર્થોપેડિક સર્જન , યુનિવર્સિટી ઑફ ટોરોન્ટો , કેનેડા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *