પૈસાવાળા ગુજરાતીઓને લાગ્યો ફ્લેટમાં રહેવાનો ચસ્કો, 15 કરોડના ફ્લેટમાં 15 લાખનું બાથરૂમ અને ચુકવે છે 50 હજાર સુધીનું મેઇન્ટેઇનન્સ

Life Style

અવિનાશ વ્યાસનું આ ગીત એક સમયે અમદાવાદની ઓળખ સમાન હતું. અમદાવાદ પોળ કલ્ચરને કારણે જાણીતું હતું. સમયના વહેણ સાથે ધીમે ધીમે અમદાવાદનો વિસ્તાર વધતા ફ્લેટ કલ્ચર વધ્યું. ત્યારબાદ બંગલાનું કલ્ચર પણ આવ્યું. હવે મોંઘાદાટ અલ્ટ્રા લક્ઝુરિયસ ફ્લેટનો એક અલગ જ ટ્રેન્ડ જોવા મળ્યો છે. અમદાવાદમાં પણ મુંબઈ-દિલ્હી જેવા મોંઘા ફ્લેટનું ચલણ વધ્યું છે. સામાન્ય માણસ કલ્પના પણ ના કરી શકે તે હદે આ મોંઘા ફ્લેટ લૅવિશ તથા લક્ઝુરિયસ હોય છે. દિવ્ય ભાસ્કરે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો સાથે વાતચીત કરીને અમદાવાદના મોંઘા ફ્લેટ્સ અંગે વિગત જાણી હતી. અમદાવાદમાં પ્રીમિયમ, સુપર પ્રીમિયમ તથા અલ્ટ્રા પ્રીમિયમ એમ ત્રણ કેટેગરીમાં અપાર્ટમેન્ટ મળે છે. આટલું જ નહીં હવે અમદાવાદમાં ફોરેનમાં જે રીતનો ટ્રેન્ડ છે, તેવો જ ‘ઇન્વાઇટ ઓન્લી’ ટ્રેન્ડ પણ શરૂ થયો છે. આ લક્ઝુરિયસ ફ્લેટના બાથરૂમ જ ખાલી 10-15 લાખ રૂપિયાના હોય છે. વળી નવાઈની વાત એ છે કે આ ફ્લેટનું દર મહિનાનું મેઇન્ટેઇનન્સ 50 હજારથી પણ વધુ હોય છે.
નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વર્ષો સુધી ચાલશે સંપૂર્ણપણે મફત ! થશે દર મહિને હજારોની બચત

અમદાવાદમાં બની રહેલા અલ્ટ્રા લક્ઝુરિયસ ફ્લેટની કિંમત ચારથી 15 કરોડ સુધીની હોય છે, જેમાં ઓરિજિનલ ઇટાલિયન માર્બલથી લઈને મોંઘીદાટ બાથરૂમ એક્સેસરીઝથી લઈ ઇન્ફિનીટી પૂલ સહિતની ફેસિલિટી હોય છે. આ અંગે રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ મોનિલ પરીખે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘પ્રીમિયમ, સુપર પ્રીમિયમ તથા અલ્ટ્રા પ્રીમિયમ અપાર્ટમેન્ટ્સમાં સાઇઝ તથા સ્ટ્રેટિફિકેશન અલગ-અલગ હોય છે. 3-4 હજાર સ્ક્વેરફુટના ફ્લેટ પ્રીમિયમમાં આવે છે. 5-7 હજાર સ્ક્વેર લક્ઝુરિયસ તથા 7-15 હજાર સ્ક્વેરફુટના ફ્લેટને અલ્ટ્રા લક્ઝુરિયસ ફ્લેટ કહેવામાં આવે છે.’

અમદાવાદના રિયલ એસ્ટેટ એજન્ટ નરેન્દ્રભાઈ બારોટે જણાવ્યું હતું, અલ્ટ્રા પ્રીમિયમમાં ડ્રોઇંગ કે લિવિંગ રૂમની વચ્ચે કોઈ પિલ્લર હોતા નથી. અલ્ટ્રા પ્રીમિયમ ફ્લેટમાં આખા ફ્લોર પર માત્ર એક જ અપાર્ટમેન્ટ હોય છે. પર્સનાલાઇઝ્ડ લિફ્ટ પણ હોય છે.

અમદાવાદમાં હવે બંગલા કરતાં ફ્લેટ પહેલી પસંદ બન્યો
અમદાવાદમાં લક્ઝુરિયસ ફ્લેટનું માર્કેટ કેવું છે, તે સવાલના જવાબમાં નરેન્દ્રભાઈએ કહ્યું હતું, ‘હાલમાં બંગલાની સ્કીમ બહુ ઓછી છે અને આ જ કારણે આ લક્ઝુરિયસ ફ્લેટનું ચલણ વધ્યું છે. આ ઉપરાંત એક જ ફ્લોર પર તમને આખું ઘર મળી જાય છે. બંગલામાં તમારે ઉપર-નીચે કરવાનું થાય, પરંતુ અહીંયા બધું જ એક ફ્લોર પર હોય છે. સામાન્ય રીતે આ તમામ ફ્લેટ્સમાં 3 ટાયર સિક્યોરિટી હોય છે. ગેટથી લઈને ફ્લેટના માલિકને મળવા જવામાં ત્રણ તબક્કામાંથી પસાર થઈને જવાનું હોય છે. આ જ કારણે હવે લોકો બંગલા કરતાં ફ્લેટને વધારે પસંદ કરતાં થયા છે.’

વાતને આગળ વધારતા નરેન્દ્રભાઈએ કહ્યું હતું કે બંગલામાં માણસ આઇસોલેટ થઈ જાય છે. ફ્લેટમાં તમારા માઇન્ડસેટવાળા લોકો મળી રહે છે. અમદાવાદમાં જમીન પણ એટલી નથી કે બંગલાની સ્કીમ બહાર પડે. અમદાવાદમાં હાઇરાઇઝ બિલ્ડિંગમાં રહેવાનો ક્રેઝ વધ્યો છે. નવી સ્કીમ આવે એટલે સૌ પહેલાં પેન્ટ હાઉસ, ડુપ્લેક્સ વેચાઈ જાય છે. એક જ બિલ્ડિંગના નીચેના માળ કરતાં પેન્ટ હાઉસનો ભાવ વધારે હોય છે, તેમ છતાંય સૌ પહેલાં આ જ વેચાય છે. આજકાલ ઘણી હાઇરાઇઝ બિલ્ડિંગમાં 18-19મો માળ અથવા તો 20-21મો માળ ભેગો કરીને ડુપ્લેક્સ બનાવવામાં આવે છે. ફ્લેટની અંદર જ બંગલાની ફીલિંગ આવી જાય છે. કોમન લિફ્ટ ઉપરાંત પર્સનાલાઇઝ્ડ લિફ્ટ પણ હોય છે.

મોનિલ પરીખના મતે, હાલના સમયમાં બંગલો લેવા ઘણો જ અશક્ય છે. સિક્યોરિટીના પોઇન્ટ ઑફ વ્યૂથી પણ લોકો આ પ્રકારના ફ્લેટને પસંદ કરી રહ્યા છે. ઇન્ડિવિઝ્યુઅલ બંગલા કરતાં આ પ્રકારના ફ્લેટ્સનું મેઇન્ટેઇનન્સ ઓછું હોય છે.

ફર્નિચર સાથે ફ્લેટ મળે?
રિયલ એસ્ટેટના એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, આ તમામ પ્રકારના અપાર્ટમેન્ટમાં ફર્નિચર સાથે હોતું નથી. બિલ્ડર તમને ઇન્ટીરિયર સર્વિસ પૂરી પાડે છે, પરંતુ તેનો અલગથી ચાર્જ લેવામાં આવે છે.

મેઇન્ટેઇનન્સ કેટલું હોય છે?
જાણીતા રિયલ એસ્ટેટે જણાવ્યું હતું કે શરૂઆતના બે વર્ષ માટે મેઇન્ટેનન્સ એડવાન્સ લઈ લેવામાં આવે છે. જ્યારે બિલ્ડર્સ મેમ્બર્સને હેન્ડઓવર કરે ત્યારે આ તમામ ડિપોઝિટ મેમ્બર્સને આપી દેતા હોય છે. સામાન્ય રીતે એક સ્ક્વેર ફુટ પ્રમાણે 4-5 રૂપિયા હોય છે. જો ફ્લેટ 10 હજાર સ્ક્વેરફુટનો હોય તો મહિને 50 હજાર રૂપિયા મેઇન્ટેઇનન્સ આવે.

આ ફ્લેટ્સ કોણ ખરીદે છે?
રિયલ એસ્ટેટના એક્સપર્ટના મતે, બિઝનેસ પીપલ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, હાઇ પેઇંગ જોબ કરનારા, સેલેબ્સ આ ફ્લેટ લેતા હોય છે. મોસ્ટલી હાઇ પ્રોફાઇલ લોકો આ પ્રકારના અપાર્ટમેન્ટ્સ ખરીદવાનું પસંદ કરતાં હોય છે.

બાથરૂમ જ ખાલી 10-15 લાખના હોય છે
અલ્ટ્રા લક્ઝૂરિયસ ફ્લેટમાં વિથ ડ્રેસિંગવાળું એક બાથરૂમ હોય છે. અહીંયા કપડાં-ટુવાલ બધુ સૂકવવામાં આવે છે. જ્યારે એક પાવડર રૂમ હોય છે. પાવડર રૂમમાં તમારે શાવર કે કંઈ લેવાનું નથી, પરંતુ આ માત્ર તૈયાર થવા માટે હોય છે. ડ્રેસિંગવાળા બાથરૂમમાં ઘણી જ મોંઘી ક્વૉલિટીની એક્સેસરીઝનો ઉપયોગ થતો હોય છે. આ બાથરૂમની અંદાજિત કિંમત જ 10-15 લાખ રૂપિયા થઈ જતી હોય છે.

કોરોના બાદ અચાનક કેમ ખરીદીમાં ઉછાળો આવ્યો?
ધ કોન્ફેડેરેશન ઑફ રિયલ એસ્ટેટ ડેવલોપર્સ એસોસિયેશન ઑફ ઇન્ડિયા (CREDAI)ના પ્રેસિડન્ટ તથા વિવાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના MD તેજસ જોષીએ કહ્યું હતું, ‘કોરોના પહેલાં પણ આ પ્રકારના ફ્લેટ્સ બનતા હતા, પરંતુ કોરોના બાદ પ્રીમિયમ ઘરની ડિમાન્ડ બહુ જ વધી. બંગલામાં રહેતા લોકોને સિંગલ અપાર્ટમેન્ટ, સિંગલ ફ્લોર અને લૉક એન્ડ કી થઈ જાય તે કૉન્સેપ્ટ પસંદ આવ્યો અને તે લોકો પણ બંગલાને બદલે આ પ્રકારના લક્ઝુરિયસ ફ્લેટમાં રહેવાનું પસંદ કરવા લાગ્યા. ક્લબ લાઇફસ્ટાઇલ, સ્વિમિંગ પૂલ, જિમ, કાફે સહિતના ફીચર્સ મળવા લાગ્યા.’

મોનિલ પરીખે કહ્યું હતું, ‘કોરોના બાદ આ પ્રકારના ફ્લેટ્સની ખરીદીમાં ખાસ્સો એવો ઉછાળો આવ્યો છે. માત્ર બોપલ-આંબલી રોડ પર જ 15 જેટલા ફ્લેટ્સની સ્કીમ છે. હાલમાં અમદાવાદમાં જ આ પ્રકારના 20-25 ઓનગોઇંગ પ્રોજેક્ટ્સની સ્કીમ ચાલે છે.’

ફ્લેટ મોંઘા હોવાનું કારણ શું?
નરેન્દ્રભાઈએ કહ્યું હતું, ‘મોંઘા ફ્લેટ હોવાનું કારણ એ છે કે આ તમામ ફ્લેટ્સમાં એક્સ્ટ્રા ઑર્ડિનરી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ઇટાલિયન માર્બલથી લઈને મોંઘી મોંઘી બાથરૂમ એક્સેસરીઝનો ઉપયોગ થાય છે. જમીનના ભાવ વધવાને કારણે પણ ફ્લેટ મોંઘા હોવાનું એક કારણ છે. ફ્લેટમાં લક્ઝુરિયસ ને લૅવિશ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. બાથરૂમમાં ટોટો, ગ્રોહેની એક્સેસરીઝનો ઉપયોગ થતો હોય છે. આ લક્ઝુરિયસ ફ્લેટમાં ઓરિજિનલ ઇટાલિયન માર્બલનો ઉપયોગ થાય છે. બિલ્ડર માર્બલની ઓરિજિનાલિટી સહિતની માહિતી આપે છે. આ ઉપરાંત તમારે કયો ઇટાલિયન માર્બલ નાખવો છે, તેની પણ ચોઇસ આપે છે. અમદાવાદમાં 3 કરોડથી લઈને 18 કરોડના ફ્લેટ મળે છે.’

આંબલી-બોપલ રોડ કેમ પહેલી પસંદ?
નરેન્દ્રભાઈએ આંબલી-બોપલ રોડની પસંદ અંગે વાત કરતાં કહ્યું હતું, ‘લોકોને રિંગ રોડ ક્રોસ કરીને જવું નથી. ત્યારબાદ અફોર્ડેબલ હાઉસ આવી જાય છે. SG હાઇવે તથા રિંગ રોડ વચ્ચેના પટ્ટામાં અમુક R3 અને R2 ઝોન છે. R3 ઝોનમાં માત્ર બંગલા તથા ફાર્મહાઉસ આવે છે, જ્યારે R2 ઝોનમાં ફ્લેટનો પણ સમાવેશ થાય છે. આ બે રોડની વચ્ચે કર્મશિયલ બિલ્ડિંગ પણ ઘણાં છે. હાઇરાઇઝ તથા આઇકોનિક બિલ્ડિંગ પણ આ બંને રોડની વચ્ચે જ બને છે. જેમ પહેલાં CG રોડનો ક્રેઝ હતો, પછી SG હાઇવેનો ક્રેઝ આવ્યો તેમ હવે આ રિંગ રોડ-SG હાઇવેના પટ્ટાનો ક્રેઝ આવ્યો છે. આ પટ્ટો હાલમાં ક્રીમ ગણાય છે. નવરંગપુરાથી લઈને ઘણાં વિસ્તારના લોકો અહીંયા શિફ્ટ થઈ રહ્યા છે, આ પટ્ટામાં હજી ટ્રાફિક ઓછો છે, તમારે અહીંયા ઓફિસ કે કોર્પોરેટ હાઉસ બનાવવું હોય તો તમે સરળતાથી બનાવી શકો છો. અહીંયા ઓફિસ બિલ્ડિંગ પણ છે. કામ તથા રહેવાનું નજીક-નજીક થઈ જાય છે. કર્ણાવતી, રાજપથ સહિતની ક્લબ પણ નજીકમાં છે. શીલજ તથા રાંચરડામાં લોકોના ફાર્મહાઉસ હોય છે. એટલે આ ફાર્મહાઉસ પણ નજીક પડે છે.’

શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના CMD પારસ પંડિતે જણાવ્યું હતું, આ બધા રોડ પર ફ્લેટ બનવાનું કારણ એ છે કે શ્રીમંત લોકોની પસંદ હવે રાજપથ-કર્ણાવતી ક્લબની વચ્ચેની છે. R3 ઝોનમાં વારનો ભાવ ઘણો જ વધારે છે. અહીંયા બંગલો બનાવવો મોઁઘો પડી શકે છે. જ્યારે અલ્ટ્રા લક્ઝુરિયસ ફ્લેટમાં બંગલા જેવી જ તમામ પ્રકારની સુવિધા આપવામાં આવે છે. આ ઉપરાંત હવે પરિવાર નાના થતાં જાય છે. આ ફ્લેટની સંખ્યા ઓછી હોય છે, આથી જ આ ફ્લેટના લોકો ભેગા થઈને નવી કમ્યુનિટી ઊભી કરે છે અને આ જ કારણે આ પ્રકારના ફ્લેટ અપર ક્લાસની પહેલી પસંદ બન્યા છે.

ફૂડ કોન્શિયાર્ડ કરીને નવો કોન્સેપ્ટ ઊભો કર્યો
પારસ પંડિતે કહ્યું હતું, અલ્ટ્રા પ્રીમિયમ તથા અલ્ટ્રા લક્ઝુરિયસ માત્ર સાઇઝ તથા કિંમતમાં જ અલગ નથી, પરંતુ સર્વિસીસ પણ અલગ અલગ આપે છે. અમે જે અલ્ટ્રા લક્ઝુરિયસ ઘર બનાવીએ છીએ તે સંપૂર્ણ રીતે સેન્ટ્રલી એસી હોય છે. માર્બલ, કિચનથી લઈ બાથરૂમ ફિટિંગ્સથી લઈને બધું જ એક્સ્ટ્રા પ્રીમિયમ હોય છે. આ પ્રકારના અપાર્ટમેન્ટમાં એન્જિનિયર, સુપરવાઇઝરની ટીમ દરેક ફ્લેટ વાઇઝ અલગ-અલગ હોય છે. લિમિટેડ એડિશન પર્સનલી ટચ સાથે તૈયાર કરવામાં આવે છે. આ પ્રકારના ફ્લેટમાં કસ્ટમર પોતાનું મોડિફિકેશન માગતા હોય છે અને તેમને તે પ્રકારની સર્વિસ આપવામાં આવે છે. અમે અમારા ફ્લેટમાં સ્પેશિયલ ફોયર બનાવ્યા છે. જો તમારે કોઈને ઘર સુધી બોલાવવા નથી તો તે લોકો અહીંયા બેસીના મિટિંગ કે ડોક્યુમેન્ટ્સ સાઇન કરી શકે છે. અહીંયા ચા-કૉફીથી લઈને તમામ પ્રકારની વસ્તુઓ મળી રહે તેવી રેસ્ટોરાં બનાવી છે. એક ફ્લોર પર મેમ્બર્સ માટે ફૂડ કોન્શિયાર્ડ ઊભું કર્યું છે. અહીંયા તમામ પ્રકારનું ભોજન મળી રહે છે.’

હાલમાં આ માર્કેટમાં મંદી આવશે નહીં
CREDAI પ્રમુખ તેજસ જોષીએ માર્કેટ અંગે વાત કરતા કહ્યું હતું, ‘આ માર્કેટની ડિમાન્ડ રહેશે. હાલના સમયમાં એક બેડરૂમવાળા બેમાં, બે બેડરૂમવાળા 3માં, 3વાળા 4માં, 4વાળા 5માં ને પછી અલ્ટ્રા લક્ઝુરિયસમાં અપગ્રેડ થતાં રહે છે. આ ડિમાન્ડ વધતી જાય છે. જે રીતે અમદાવાદ શહેરનો વિકાસ થઈ રહ્યો છે અને અમદાવાદમાં માઇગ્રેશન બહુ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. આ બધી બાબતોને ધ્યાનમાં લઈને સારા પ્રીમિયમ અપાર્ટમેન્ટની ડિમાન્ડ રહેવાની જ છે.’

4-5 હજાર કરોડના પ્રોજેક્ટ લૉન્ચ થયા
તેજસ જોષીએ કહ્યું હતું કે કોરોના પછી થલતેજ-ઈસ્કોન-આંબલી રોડ પર અંદાજે 800-1000 જેટલા પ્રીમિયમ ફ્લેટ્સ (4-5 BHK) નવા આવ્યા છે. આ પ્રોજેક્ટ્સની વૅલ્યૂ 4-5 હજાર કરોડ હોવાની શક્યતા છે.

અમદાવાદમાં હવે ફોરેન ટ્રેન્ડ જોવા મળ્યો
એક જાણીતા કન્સલ્ટન્ટે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે હવે અમદાવાદમાં ‘ઇન્વાઇટ ઓન્લી’નો ટ્રેન્ડ ધીમે ધીમે શરૂ થયો છે. બેઝિકલી આ ટ્રેન્ડ ફોરેનમાં છે. અલ્ટ્રા લક્ઝુરિયસ ફ્લેટ માટે આ ટ્રેન્ડ જોવા મળે છે. આ ટ્રેન્ડમાં જો વ્યક્તિને ફ્લેટ ખરીદવો હોય તો તે પોતાનું નામ તથા અન્ય વિગતો આપે છે. ત્યારબાદ તેની પ્રોફાઇલ ચેક થાય છે અને પછી તેને ફ્લેટ જોવા માટે ઇન્વાઇટ કરવામાં આવે છે. આટલું જ નહીં વ્યક્તિને તે ફ્લેટના ફોટો કે વીડિયો તથા બ્રોશર પણ આપવામાં આવતું નથી. તે જ્યારે ફ્લેટ બુક કરાવે ત્યારે તેને બ્રોશર આપવામાં આવે છે.
ગોપાલ ઈટાલીયા ક્યાંથી લડશે ચૂંટણી? અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને રહસ્ય પરથી પડદો ઉંચક્યો

Leave a Reply

Your email address will not be published.