એપ્પલ જેવી કંપનીઓ જેની પાછળ લગાવે છે લાઈન તે ગુજરાતની દીકરી અમેરિકામાં પોતાના નામનો વગાડી રહી છે ડંકો.

Story

ગુજરાતને એવી ઘણી દીકરીઓ મળી છે જેમણે ગુજરાતનું, માનવતાનું ગૌરવ વધાર્યું હોય. દીકરી માત્ર પ્રેમ, સંવેદના અને કરુણાનો મહાસાગર નથી તે દીકરી સદા ખુશી આપનારી હોય છે. આજે હું આપ સર્વેને મૂળ ગુજરાતની, પણ અત્યારે અમેરિકામાં વસતી એક દીકરીની વાત કરું. આ દીકરીની વાત જેટલી પ્રેરક છે એટલી જ રસપ્રદ પણ છે.

બાળપણમાં ગંભીર બીમારી આવી તો માતા-પિતાએ પૂરી શ્રદ્ધાથી તેની સારવાર કરીને સાજી કરી. તેને ગુજરાતી માધ્યમમાં ભણાવી. ગુજરાતીની આંગળી પકડીને વિદ્યા લેનારી એ છોકરી પછી તો અમેરિકામાં વિશ્વમાં શ્રેષ્ઠ કોર્પોરેટ કંપનીમાં ઉચ્ચ હોદાઓ સુધી પહોંચી અને એક ખાસ વાત.. એ દીકરીએ પોતાના વતન, ગુજરાતમાં ગામે ગામે પુસ્તકાલયો કરવા માટે પોતાના પરસેવાની કમાણીના કરોડો રૂપિયા અનુદાનમાં આપ્યા.

બોલો, છે ને ગૌરવ થાય તેવી ગુજરાતની આ ગૌરવવંતી દીકરી! આ દીકરી એટલે મનીષાબહેન પંડ્યા. ગુજરાત અને વિશ્વભરના ગુજરાતીઓમાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે જે પ્રતાપભાઈ-રમાબહેન પંડ્યાના પરિવારથી અજાણ હશે. આ પરિવાર ઓળખાણનો મોહતાજ નથી. આ એક એવો પ્રેમભર્યો પરિવાર છે કે જ્યાં સંસ્કાર, સાહિત્ય, સન્મતિ અને સંપત્તિના સદુપયોગનો સંગમ થયો છે. રમાબહેન અને પ્રતાપભાઈ પંડ્યાની દીકરી એટલે મનીષાબહેન.

મનીષાબહેન અમેરિકામાં એન્જિનિયરિંગ ક્ષેત્રમાં સફળ કારકિર્દી ધરાવે છે. તેમણે મેક કમ્પ્યુટર, આઇપેડ અને આઈ ફોનની ટેક્નોલોજીમાં અનેક સંશોધન કર્યાં છે. પોતાની આગવી નેતૃત્વ-કાબેલિયતથી તેઓ બ્રોડ કોમ, એપલ જેવી કંપનીમાં ઉચ્ચ હોદા પર રહ્યાં છે. અત્યારે તેઓ ઇન્ટેલ કંપનીમાં વાઇસ પ્રેસિડન્ટ તરીકે ઉચ્ચપદે ફરજ બજાવી રહ્યાં છે.

આટલી સફળતા પછી પણ મનીષાબહેન એક અત્યંત સરળ, લાગણીશીલ અને પરગજુ વ્યક્તિત્વ ધરાવે છે. પોતાની કારકિર્દી માટેનો પૂર્ણ શ્રેય મનીષાબહેન પોતાનાં માતા-પિતાને આપે છે અને પિતાના બધાં જ કાર્યોમાં મનીષાબહેન હંમેશાં પિતાની સાથે રહ્યાં છે, સમગ્ર ગુજરાત અને અમેરિકા તેનું સાક્ષી છે.

મનીષાબહેનને પોતાનાં માતા-પિતા બધી જ દીકરીઓની જેમ અતિશય વ્હાલાં છે. આ દીકરીને નવ માસની ઉંમરે જમણી બાજુ મસલ્સ વીકનેસ થઈ ત્યારે બધાંએ ધારી લીધેલું કે આ છોકરી હવે કાયમ બીજા પર આધારિત રહી અસહાય જીવન જીવશે. તે કદી સામાન્ય માણસ જેમ બોલી-ચાલી નહીં શકે. આ ધારણા જોકે બે વ્યક્તિઓએ સ્વીકારી નહીં, એ બે વ્યક્તિ એટલે મનીષાબહેનનાં માતા-પિતા.

એ બન્નેએ રાત-દિવસ એક કરી મનીષાબહેનને કેટલાંયે દવાખાનાઓમાં, ડૉકટરો પાસે, આયુર્વેદથી માંડી એલોપથીની સર્જરીના બધા જ વિકલ્પોની મદદથી સારવાર કરાવી. “કોશિશ કરીને વાલો કી કભી હાર નહીં હોતી” એમ પાંચ વર્ષની ઉંમરે મનીષાને તેમણે સંપૂર્ણ સાજી કરી. શરૂઆતમાં સળિયા બાંધેલા સપોર્ટ સાથે ચાલતાં શીખેલી નાની મનીષાને પિતાએ કેટલાયે મહિનાઓની ધીરજ અને મહેનતથી ધીમે ધીમે સળિયા વગર ચાલવાનું શીખવાડ્યું.

નાનકડી મનીષા ડરતી અને કહેતી કે, પપ્પા હું પડી જઈશ. પ્રતાપભાઈ જવાબ આપતા કે “જો તું પડી જઈશ તો હું ઊભી કરીશ, પણ તારે કોઈના સપોર્ટ વિના ચાલવાનું છે.” એ ચાલતી થઈ. એ પછી તો તેમણે દીકરીને ખૂબ ભણાવી. પોતાના પિતાનું આ વાક્ય “કદમ અસ્થિર હોય તેને રસ્તો નથી જડતો ને અડગ મનના માનવી ને હિમાલય નથી નડતો” મનીષાબહેન માટે જીવનમંત્ર બન્યું. બાળપણમાં ચાલવા ના શીખ્યાં ત્યાં સુધી મનીષાબહેન નિશાળે જઈ શકતાં નહીં. જોકે પપ્પા તેમને ઘરના ઓટલા પર બેસી ધોરણ 1 થી 4 સુધીનું બધું જ જ્ઞાન અને કંઈ કેટલુંય બીજું જીવનજ્ઞાન આપતા. ઘરના ઓટલા પરથી જ રેડિયોનાં સિગ્નલ પ્રસારણનું વિજ્ઞાન અને રામાયણ, મહાભારત, બોધકથાઓ, શેક્સપિયર અને કનૈયાલાલ મુનશી આ બધું જ પ્રતાપભાઈએ નાનકડી મનીષાના ચિત્તમાં આરોપ્યું.

મનીષા પોતાના પપ્પાની જેમ જ ગણિતની ચાહક અને માતાની જેમ જ વિજ્ઞાનની ઉત્સુક, એટલે ખૂબ જ તેજસ્વી અને જિજ્ઞાસુ હતી. માતા-પિતાની મહેનત અને મનીષાના મનોબળે પછી તો આ દીકરી ને જબરદસ્ત સફળતા આપવી. આ દીકરી સંપૂર્ણપણે સાજી થઈ, એટલું જ નહીં, પણ ટેક્નોલોજીના ક્ષેત્રે ખૂબ જ આગળ વધી, અમેરિકામાં સિલિકોન વેલીમાં અત્યારે ખૂબ જ આગળ પડતું નામ અને હોદ્દો ધરાવે છે.

અમેરિકામાં ટેક્નોલોજી ખાતે મનીષાબહેનનું નામ ખૂબ જ સન્માનીય અને women leadershipના ઉદાહરણ સ્વરૂપ છે. નામ-મન-સન્માન અને અબજોની સંપત્તિ. આ બધું જ આ દીકરીએ મેળવ્યું અને પચાવી જાણ્યું છે. જોકે મનીષાબહેનનું દિલ તેમના પપ્પા જેવું જ. નાની બાબતમાં પીગળી જાય, કોઈનું દુઃખ ના જોઈ શકે અને લોકોને મદદ કરવા કાયમ તત્પર ફક્ત પૈસાથી જ નહીં પણ સમય આને લાગણીથી પણ.

મનીષાબહેનના ભૌતિક વિજ્ઞાનના પ્રોફેસર જી.એમ.શાહ કહે છે કે “આ છોકરી કંઈક અતિવિશેષ કરશે, અસાધારણ ઇન્ટેલિજન્ટ બ્રેઈન, એવું મેં મનીષા બારમા ધોરણમાં મારી પાસે ભણતી હતી ત્યારે જ કહેલું. મનીષાની પોતાની મહેનત અને એના જીવનઘડતર પાછળ એમના પપ્પા-મમ્મીના ત્યાગનો હું સાક્ષી રહ્યો છું. આજે એને અમેરિકામાં એપલના આઈફોનમાં કામ કરતા જોઈને મને એના પિતા જેટલું જ ગૌરવ થાય છે.”

મનીષાબહેન ગુજરાતની દીકરીઓને ખૂબ જ નમ્રપણે સંદેશ આપે છે કે, “સત્ય, પ્રેમ, અથાગ મહેનત અને નીડરતાથી કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકાય છે. ગમે એટલી વિકટ પરિસ્થિતિથી કેમ ના હોય, હાર ના માનશો. આપણે પોતે જ આપણી લિમિટેશન નક્કી કરતાં હોઈએ છીએ. હું ગુજરાતી માધ્યમમાં ભણેલી છું, મારું બધું જ ભણતર ભારતમાં થયું છે, મારાં માતા-પિતાએ સામાન્ય સ્થિતિમાં જ મને ભણાવી છે. મારી બાળપણની શારીરિક લિમિટેશન સાથે કદાચ શહેર બહાર પણ કદી હું જઈ શકીશ એ અશક્ય હતું પણ આજે હું અમેરિકામાં પ્રાઇવેટ જેટમાં મુસાફરી કરું છું. મેં કેટલાયે દેશોમાં ટેક્નિકલ કોન્ફરન્સ કરી હશે, કેટલાયે વિદ્વાનો સાથે કામ કરવાનો અને ચર્ચા કરવાનો મને મોકો મળ્યો છે. અહીં સુધી પહોંચવામાં મારાં માતા-પિતાએ આપેલાં સંસ્કારો, કાર્યનિષ્ઠા, અને હિંમત મદદરૂપ બન્યાં છે.

મનીષાબહેને “થેંક્યુ પપ્પા” નામના પુસ્તકમાં પોતાના પપ્પા વિશે લખ્યું છે કે મારી સફળતામાં મારા મમ્મી-પપ્પાએ આપેલા સાત સિદ્ધાંતોનો ફાળો છેઃ અડગ આત્મવિશ્વાસ, સત્યપ્રિયતા, પ્રેમ, કરુણા, નીડરતા, વિશ્વ-બંધુત્વ અને કઠોર પરિશ્રમ. મનીષાબહેને પોતાના પિતા પ્રતાપભાઈ પંડ્યાનાં સમાજકાર્યોમાં સતત સાથ આપ્યો છેઃ તન, મન અને ધનથી. પ્રતાપભાઈ આ લખનારને સતત કહેતા કે મારી દીકરી મારાં બધાં જ કાર્યોમાં મારી સાથે છે, એનો સતત ફાળો છે અને માતા-પિતાની ખુશી એ જ એનું જીવનલક્ષ્ય છે.

પ્રતાપભાઈની વિદાય પછી મનીષાબહેને પોતાના પિતાનાં બધાં જ કાર્યો જીવંત રાખવાનો અને એને ખૂબ જ સરસ રીતે આગળ વધારવાનો જાહેર સંકલ્પ કર્યો છે. પિતાની વિદાયના એક વર્ષમાં તેમણે ઘણાં કાર્યો કરી દેખાડ્યાં છે. સમાજસેવાનાં ઘણાં કાર્યો કરી પ્રતાપભાઈએ પ્રગટાવેલો માનવતાનો દીપક મનીષાબહેન ઝળહળતો રાખશે તે નિઃસંક છે. તો આ છે ગુજરાત જેમના પર ગર્વ લઈ શકે તેવી દીકરી મનીષાબહેનની ગાથા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *