આપણને તો આપણા માટે પણ જીવતા નથી આવડતું જ્યારે આ માણસ બીજા માટે જીવી રહ્યો છે અને બીજાને પણ શીખવાડી રહ્યો છે.

Story

હિમાચલપ્રદેશના સિમલામાં રહેતા સબરજીતસિંઘ બોબી ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે દર શનિવારે રક્તદાન કેમ્પનું આયોજન કરીને સીમલાની હોસ્પિટલોને લોહી પૂરું પાડતા. આ સેવા દરમ્યાન એકવખત સબરજીતસિંઘના ધ્યાન પર આવ્યું કે સારવાર કારગત ના નિવડવાને લીધે અવસાન પામતા માણસના મૃતદેહને એના વતન સુધી લઈ જવામાં ખૂબ તકલીફ પડી રહી છે કારણકે શબવાહિની મળતી નથી અને મળે તો ગરીબ માણસને પોસાતી નથી.

સબરજીતે નક્કી કર્યું કે આવા લોકોને મારે મદદ કરવી છે. સીમલાની ગુરુનાનક સેવા સોસાયટી દ્વારા ચાલતી એક શબવાહિનીના ડ્રાઇવર તરીકે એણે વિનામૂલ્યે સેવા આપવાનું ચાલુ કર્યું. 24 કલાકમાં જ્યારે જરૂર પડે ત્યારે સબરજીતસિંઘ સેવા માટે હાજર જ હોય અને એ પણ એક રાતી પાઈ લીધા વગર. અત્યાર સુધીમાં 5000થી વધુ શબને એણે સીમલાથી મરનારના ઘર સુધી પહોંચાડ્યા છે.

સબરજીતસિંઘને બીજો વિચાર આવ્યો કે દૂર દૂરના ગામડાઓમાંથી કેન્સરની સારવાર માટે આવતા દર્દીઓના સગાઓ પાસે દવા લેવાના પણ પૈસા ઘટતા હોય છે તો પછી એ બિચારાઓનું જમવાનું શુ ? સબરજીતસિંઘે નક્કી કર્યું કે મારે કેન્સર હોસ્પિટલમાં કેન્ટીન ચાલુ કરવી છે જયાંથી બધાને મફતમાં ચા અને બિસ્કીટ આપી શકું. પોતાની અંગત બચતમાંથી એમણે આ કેન્ટીન ચાલુ કરી. લોકો તરફથી પણ મદદ મળતી રહી અને ધીમે ધીમે આ કેન્ટીનમાં ચા બિસ્કીટની સાથે સાથે દાળભાત વગેરે પણ પીરસાવાનું શરૂ થયું. આજે રોજ 1000થી વધુ લોકો આ કેન્ટીનનો લાભ લઇ રહ્યા છે 

સબરજીતસિંઘે વિચાર્યું કે આ સેવામાં મારે વિદ્યાર્થીઓને પણ સામેલ કરવા છે જેથી તેનામાં સેવાની ભાવના જન્મે અને બીજા માટે જીવવાના પાઠ શાળાકાળથી જ શીખે. વિદ્યાર્થીનું ભણતર પણ ના બગાડે અને વિદ્યાર્થી આ સેવા યજ્ઞમાં જોડાય એવો એક રસ્તો એણે શોધી કાઢ્યો. એમણે વિદ્યાર્થીઓને અપીલ કરી કે તમે શાળાએ આવો ત્યારે તમારા લંચની સાથે એક વધારાની રોટલી પણ લાવો. અમારૂ વાહન શાળાએ આવીને આ વધારાની એક રોટલી લઇ જશે અને જેને જરૂર છે એના સુધી પહોંચાડી દેશે.

સીમલાના વિદ્યાર્થીઓ હોંશે હોંશે આ સેવાપ્રવૃત્તિમાં જોડાયા. સીમલાની કેટલીયે શાળામાંથી રોજની 6000થી પણ વધુ રોટલીઓ આવવા લાગી. આ ભેગી થયેલી રોટલી જરૂરિયાતમંદ વચ્ચે વહેંચવા માટે 5 ‘રોટી-બેન્ક’ શરૂ કરી. સબરજીતસિંઘની આ પ્રવૃત્તિથી કેટલાય ગરીબ લોકોને આધાર મળી રહ્યો છે અને વિદ્યાર્થીઓ શાળામાં ભણાવવાના રહી જતા પરમાર્થ અને માનવતાના પાઠ ભણી રહ્યા છે.

આપણને તો આપણા માટે પણ જીવતા નથી આવડતું જ્યારે આ માણસ બીજા માટે જીવી રહ્યો છે અને બીજાને પણ શીખવાડી રહ્યો છે.

શૈલેષ સગપરીયા 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *