ગુસ્સો લિન્કનને પણ આવતો, પરંતુ તેમની પાસે તેને મેનેજ કરવાની અદ્ભુત ટેકનિક હતી, સેનેકા કહે છે, ઊંચાઈ પરથી પડતો પથ્થર જેમ પોતાને ભાંગી નાખે છે, એમ ગુસ્સો કરનારો માણસ સ્વયંને ભાંગી નાખે છે, સમ્રાટ ઓગસ્ટસ તેમને ગુસ્સો આવે ત્યારે કંઈ બોલતા કે કરતા પહેલા આલ્ફાબેટના 24 મૂળાક્ષર બોલી જતા.
લાવા અને ક્રોધનું ઉષ્ણતામાન માપવામાં આવે તો શક્ય છે કે પહેલો બીજાની તુલનાએ ઘણો ઠંડો સાબિત થાય. ગુસ્સો એટલે એક એવું હથિયાર જે માણસ પોતાના પર જ ચલાવે છે. બધા ગુસ્સો કંટ્રોલ કરવા માગે છે, પણ બહુ ઓછા કરી શકે છે. અક્સર તેઓ ગુસ્સામાં સંબંધ પણ બગાડી બેસે છે. અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન પાસે ગુસ્સો ઠાલવવાની એક અલાયદી ટેકનિક હતી. સાપ ભી મર જાયે ઓર લાઠી ભી ન તૂટે એવી. ગુસ્સો કઈ રીતે શાંત કરવો તેની ટેકનિક તેમની પાસેથી શીખવા જેવી છે.
અબ્રાહમ લિન્કનનું એક જાણીતું ક્વોટ છે, દરેક વ્યક્તિને પોતે જે સારું કરે છે એનો જ ગર્વ હોય છે, પોતે જે સારું નથી કરતો એનો બિલકુલ ગર્વ હોતો નથી. લિંકન અમેરિકાના ઈતિહાસના સૌથી શક્તિશાળી પ્રમુખ રહ્યા છે. આજે જે અમેરિકા આપણે જોઈએ છીએ એવું લિન્કનના સમયમાં બિલકુલ નહોતું.
આજ જેટલી સમૃદ્ધિ તો બિલકુલ નહોતી. તેઓ અમેરિકાના આત્માનું મેકિંગ કરનારા નેતાઓમાંના એક હતા. ઈતિહાસકાર ડોરિસ કેઅર્ન્સ ગોડવિને અબ્રાહમ લિન્કનનું જીવનચરિત્ર લખ્યું છે, જેનું શીર્ષક છે અ ટીમ ઑફ રાઇવલ્સ. તેમાં તેમણે તેમના સાઇકી પર ખાસ્સું રીસર્ચ કર્યું છે. તેના સમયમાં અમેરિકા પર અનેક ઘાત આવી. ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું, દેશના બે ટુકડા થઈ ગયા. તેમણે આ બધામાંથી દેશને બહુ જ સહજતાથી બહાર કાઢ્યો. તેઓ જીત્યા. કારણ કે તેમનું ચરિત્ર મજબૂત હતું.
અમેરિકાના ૧૬મા પ્રમુખ પાસે શત્રુઓને મિત્ર બનાવી લેવાની કળા હતી. પોતાના ગુણાત્મક બળથી તેમણે સંભવિત આંતરિક વિખવાદોને શાંત કરી દીધા. તેઓ ભૂલમાંથી શીખ્યા, તેમનું મગજ સ્થિર અને રેશનલ હતું. તેમનામાં ગજબની લડાયક શક્તિ હતી. તેમના જીવનમાં પણ ચિંતા હતી, સ્ટ્રેસ હતો, ડીપ્રેશન હતું, પરંતુ તેમનામાં આ બધું મેનેજ કરવાની આવડત હતી. તેઓ તેમનું માનસિક સ્વાસ્થ્ય કઈ રીતે સાચવતા હતા? સામે આવતા પડકારોને કઈ રીતે પહોંચી વળતા હતા.
ડોરિસ લખે છે, આજની સાઇકિએટ્રિસ્ટ પ્રમાણે મેન્ટલ હેલ્થ એટલે ચિન્તા અને હતાશાથી મુક્તિ નથી, પરંતુ ચિન્તા અને હતાશાને મેનેજ કરવાની કળા છે. સોક્રેટીસ કહેતા, તમારી જાતને ઓળખો. લિન્કને બિલકુલ એ જ કર્યું. ઈતિહાસમાં તેઓ સુુપર હ્યુમન પુરવાર થયા છે, શા માટે? તેઓ પણ આપણી જેમ જ લાગણીશીલ હતા, બસ તેઓ લાગણીઓને આપણા કરતા વધારે સારી રીતે મેનેજ કરી શકતા હતા. એટલું જ.
બે સહસ્ત્રાબ્દીઓ પહેલા સેનેકાએ લખ્યું છે, ગુસ્સો ટુંકાગાળાનું પાગલપન છે. તેમાં માણસ સ્વનિયંત્રણ ગુમાવી દે છે, શોભા ગુમાવી દે છે, અંધ બની જાય છે, બહેરો બની જાય છે, આક્રમક બની જાય છે, પોતાને જે વિચાર આવે એને જ ન્યાયી અને સાચો માની લે છે. ગુસ્સો કરતો માણસ એવો પથ્થર બની જાય છે, જે પડીને પોતાને જ ભાંગી નાખે છે.
આપણી જેમ તેમને પણ ગુસ્સો આવતા. પણ તેઓ એક ટેકનિક વાપરતા. તેમને જેના પર ગુસ્સો આવતો તેમને એક પત્ર લખતા. કચકચાવીને પત્ર લખતા, પોતાનો બધો ગુસ્સો ઠાલવી દેતા. ત્યાર બાદ એ પત્ર વાંચતા. તેને પોસ્ટ કરવા માટે સીલ કરતા અને ક્યારેય પોસ્ટ ન કરતા. તે પોતાના ટેબલના ડ્રોઅરમાં મૂકી દેતા. થોડા કલાકો પછી લિન્કન ડ્રોઅર ખોલી પત્ર બહાર કાઢતા અને ફરીથી વાંચતા. તેઓ અનુભવતા કે તેમનો ગુસ્સો ઓગળી ગયો છે. પત્રમાં તેમણે જે આકરા શબ્દો લખ્યા છે તેની હવે જરૂર લાગતી નથી. આમ તેઓ જે મુદ્દે એક સમયે ભડકી ઊઠયા હતા તે પણ હવે બહુ શાંતિથી અને બહુ સારી રીતે સોર્ટ આઉટ કરી શકતા હતા.
જીવનમાં સફળ થવું હોય તો મગજ પર બરફ રાખવો બહુ જરૂરી છે. જેને સારા મેનેજર બનવું હોય, સારા લીડર બનવું હોય તેમનું મગજ ખાસ ઠંડું હોવો જોઈએ. સમ્રાટ ઓગસ્ટસ મગજ શાંત રાખવા કંઈક આવી જ ટેકનિક અપનાવતા. તેમના સલાહકાર અને ફિલોસોફર એથેનોડોરસે તેમને કહેલું, જ્યારે તમને ગુસ્સો આવે ત્યારે કંઈ પણ બોલતા કે એક્શન લેતા પહેલા કક્કાના ૨૪ મૂળાક્ષર બોલી જાજો.
પોતાની જાતને ગુસ્સાથી ડિસ્ટેન્સ કરવાની વાત છે. લિન્કન પોતાને ટાઇમ ડિસ્ટન્સિંગ કરતા, ઓગસ્ટસ મેન્ટલ ડિસ્ટન્સિંગ કરતા. કેટલાક લોકો ફિઝિકલ ડિસ્ટન્સિંગ પણ કરે છે. ગુસ્સો આવે તો કોઈ પણને કંઈ કહેવાને બદલે પોતાની જાતને રૂમમાં પૂરી દે છે. આ પણ સારી ટેકનિક છે. જ્યારે પણ ગુસ્સો આવે, જે વાત પર આવે, જે વિષય પર આવે કે જે વ્યક્તિ પર આવે તેના પર ગુસ્સો ઠાલવતા પહેલા ૨૪ કલાક ખમી જવું જોઈએ. ૨૪ કલાક પછી પણ એટલો જ ગુસ્સો આવે તો તમારો ગુસ્સો યોગ્ય છે અને તમે એ મેટરમાં એક્શન લેવા આગળ વધી શકો છો.
મોટા ભાગના લોકો ગુસ્સો કરીને પાછળથી પસ્તાય છે. ગુસ્સામાં સંબંધ બગાડી બેસે છે, ન બોલવાનું બોલી નાખે છે, ન કરવાનું કરી નાખે છે. દુર્વાસા ઋષિ પણ ક્રોધથી ન બચી શકતા હોય તો સામાન્ય માણસને તે આવવો આવશ્યક છે, પણ જાતને ખાલી એટલું જ પૂછવાની છે કે શું આ કામને વધારે સારી રીતે હેન્ડલ કરવા ક્રોધની જરૂર છે? જો ના, તો ક્રોધને નિયંત્રિત કરવો પડે. તેને શાંત પાડવો પડે.
જેના પર ગુસ્સો આવે તેને કચકચાવતો પત્ર લખો. ત્યાર બાદ પત્રને ૨૪ કલાક રાખી મૂકો. બીજે દિવસે ફરી એ પત્ર વાંચો. જોવો હજુ પણ તમે તે શબ્દો સાથે સહમત છો? જો હા, તો તે પત્ર સામેવાળી વ્યક્તિને જરૂરથી પોસ્ટ કરી દો. મોટા ભાગના કિસ્સામાં ૨૪ કલાક પછી તમે જ સહમત નહીં હો એ આકરા શબ્દો સાથે. તમને થશે કે ભલે ખોટું થયું, પણ આ મુદ્દાને આટલો ગુસ્સો કર્યા વિના પણ ઉકેલી શકાય છે. ગુસ્સાનું કોઈને કોઈ પ્રકારે વમન અને શમન કરી લેવું જરૂરી છે. અક્ષય કુમાર દરિયા કિનારે બુમો પાડીને ગુસ્સો ઠાલવી લેતો હોવાનું તેણે પીએમ સાથેના એક ઇન્ટરવ્યૂમાં જણાવેલું.
આજે લોકો ફેસબુક, ટ્વીટ્ટર, વોટ્સએપ પર સમજ્યા, વિચાર્યા વિના પોસ્ટ લખી નાખે છે. બહુ ગુસ્સામાં, બહુ આક્રમકતાથી લખી નાખે છે. તેના કારણે ઘણાને લીગલ ઈશ્યૂનો પણ સામનો કરવો પડે છે. લીગલ ઈશ્યૂ ન થાય તેવાને પણ સંબંધ બગડવાના કિસ્સા તો બને જ છે. સોશિયલ મીડિયામાં ગુસ્સા સાથે કશું જ ન લખવું જોઈએ.
ગુસ્સો આવે તો તમારી પોસ્ટ એમએસ વર્ડમાં ટાઇપ કરી નાખો. તેને સેવ કરીને ૨૪ કલાક મૂકી રાખો. બીજા દિવસે પણ તમને એ પોસ્ટ તમને એટલી જ યોગ્ય લાગે તો જરૂરથી મૂકો. આનાથી સંબંધો શહિદ થતા બચી જશે. તમે જે કામ કરવા માગો છો તે વધારે સારી રીતે થઈ શકશે અને તમારે પસ્તાવું પણ નહીં પડે.
ડોમિનિક મિશકોવ્સ્કી નામના વિજ્ઞાાનીએ ગુસ્સા પર એક અભ્યાસ કરેલો. કેટલાક લોકોને એક ઘટનામાંથી પસાર કરવામાં આવ્યું. અને કહેવામાં આવ્યું કે આમાં તમારે પોતાની જાતને ડિસ્ટન્સ રાખીને જોવાની છે. અભ્યાસનું તારણ એવું નીકળ્યું કે જીવનમાં આપણને ન ગમતી ઘટનાઓથી ડીટેચ થઈ જવાથી ગુસ્સાને મેનેજ કરી શકાય છે.
ચલો આ ડિટેચ થઈ જવા જેવી વાત પર કમસેકમ ગુસ્સે ન થઈ જતા ને થઈ જાવ તો જાતને ડિટેચ કરવાની કોશિશ કરજો જેથી ગુસ્સો જતો રહે. …
સૌજન્ય:- કર્દમ મોદી