ગુજરાતની આ જગ્યાએ સિંદૂર હવા ઉડાડતા જ એ સિંદૂર હનુમાનજીના સ્થાનક આગળ ચોંટી જાય છે, અહીંના લોકોના મતે હનુમાનજીનો જન્મ અહીં થયો છે

Dharma

ગુજરાતની પૂર્વપટ્ટીનાં છેવાડે મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પાસે આવેલ ડાંગ જિલ્લો એટલે રામાયણકાળમાં જે પ્રદેશ દંડકારણ્ય તરીકે ઓળખાતો હતો એ જ પ્રદેશ. ડાંગ જિલ્લાના આદિવાસીઓની પરાપૂર્વથી એવી દ્રઢ આસ્થા છે કે ભગાવન રામ વનવાસ દરમિયાન પંચવટી તરફ ગયા ત્યારે તેઓ ડાંગના પ્રદેશમાંથી પસાર થયા હતા.

ડાંગ જિલ્લાના સુબિર પાસે ભગવાન રામ અને લક્ષ્મણને શબરી માતાએ બોર ખવડાવ્યા હતા. આજે એ સ્થળ શબરી ધામ તરીકે વિકાસ પામ્યું છે. શબરી ધામની સામે સાતેક કિ.મી.નાં અંતરે પૂણૉ નદી ઉપર પંપા સરોવર આવેલું છે જ્યાં માતંગ ઋષિનો આશ્રમ હતો. ડાંગ જિલ્લાની આદિવાસી પ્રજાની સૌથી વધુ આશ્ચર્ય પમાડનારી આસ્થાએ છે કે હનુમાનજીનો જન્મ પણ ડાંગના અંજની પર્વતમાં આવેલી અંજની ગુફામાં થયો હતો.

પ્રાચીનકાળથી ડાંગની પ્રજા આહવાથી ત્રીસ કિ.મી.નાં અંતરે આવેલ અંજની પર્વત, અંજની ગુફા અને અંજની કૂંડને હનુમાન જન્મભૂમિ તરીકે માનતી આવી છે. તેઓ દ્રઢપણે માને છે કે અંજની માતાએ અંજની પર્વત ઉપર તપ કર્યું હતું. અંજની માતાના તપની ફળશ્રૃતિ રૂપે તેમણે અંજની પર્વતની વચ્ચોવચ આવેલી અંજની ગુફામાં હનુમાનજીને જન્મ આપ્યો હતો. અંજની ગુફાની લગોલગ આવેલા અંજની કૂંડમાં બાળ હનુમાને સ્નાન કરી કૂદકો મારી અંજની પર્વત ઉપર ચઢીને સૂર્યને ગ્રહણ લગાડ્યું હતું. આ ભૂમિ ઉપર જ હનુમાનજીએ શનિદેવને વશમાં કર્યા હતા. ડાંગ જિલ્લાના ગામેગામ હનુમાનજીનું મંદિર અથવા દેરી જોવા મળશે. ડાંગ જિલ્લાનાં મહત્તમ આદિવાસીઓ હનુમાન ભક્તો છે.

અંજની પર્વતની તળેટીમાં અંજનકુંડ ગામ વસ્યું છે. અંજનકુંડ જતાં બારેક કિ.મી.નાં અંતરે લીંગા ગામ આવેલું છે. ડાંગના પાંચ રાજવીઓ પૈકી લીંગાના રાજા ભંવરસિંહ હસુસિંહ સૂર્યવંશી જણાવે છે કે અમારા વડવાઓથી અમે સાંભળીયે છીએ કે અંજની પર્વત એ હનુમાનજીની જન્મભૂમિ છે. અમે આ ભૂમિની પૂરેપૂરી શ્રદ્ધાથી પૂજા કરીએ છીએ.

અંજની પર્વત ઉપર એક સ્થળેથી હનુમાનજીની પૂજા કરવા અમે સિંદુર હવામાં છોડીએ છીએ. આ સિંદુર પર્વત ઉપર હનુમાનજીનાં સ્થાનક પાસે જ જઇને ચોંટી જાય છે. જે કોઇ જાતકને શનિની પનોતી હોય તો તેણે શનિદેવનાં મંદિરે જવાની જરૂર નથી. તેઓ માત્ર આ ભૂમિનાં દર્શન જ કરે તો તેમની પનોતી દૂર થઇ જાય એવો આ પવિત્ર ભૂમિનો પ્રભાવ છે. અંજની પર્વત ઉપર આજે પણ અનેક પ્રકારની દુર્લભ વનસ્પતિનો ભંડાર જોવા મળે છે.

સોનગઢથી સુબીર તરફના રસ્તે, ૧૦ કી.મી. જેટલું ગયા પછી, ધોણ ગામ આવે છે, ત્યાંથી ડાબી તરફ એક ફાંટો પડે છે. આ ફાંટામાં ૪ કી.મી. જેટલું જાવ એટલે ગૌમુખ પહોંચાય છે. છેક સુધી પાકો રસ્તો છે, વાહન જઇ શકે છે. અહીં એક ગાયનું મુખ બનાવેલું છે અને એ મુખમાંથી પાણી નીકળે છે. તેથી આ જગ્યા ‘ગૌમુખ’ તરીકે ઓળખાય છે. ગૌમુખની આજુબાજુ અને ખીણની સામે ગાઢ જંગલો છે. ગૌમુખથી શબરીધામ ૪૩ કિ.મી. થાય. રસ્તો ઉતાર ચઢાવ વાળો છે અને સાંકડો પણ એટલે થોડું સાચવવું પડે. રસ્તામાં મેધા, હિંદલા, ચીમાર, ગિરિમાલા જેવા આદિવાસી ગામ હતા.

અહીં એક ઊંચી ટેકરી પર મંદિર આવેલું છે. ગાડી છેક ઉપર મંદિર સુધી જઈ શકે એવો રસ્તો છે. કહેવાય છે કે આ જગ્યાએ ભગવાન શ્રીરામે શીલા પર બેસીને શબરીનાં એઠાં બોર આરોગ્યાં હતાં. અહીંથી પમ્પા સરોવર ૮ કી.મી. દુર આવેલું છે. રસ્તો ખરાબ છે પરંતુ જઈ શકાય તેમ છે. પંપા સરોવરની જગ્યા ખૂબ જ સરસ છે. એમ કહેવાય છે કે શ્રી રામચંદ્રજીએ લંકા તરફ આગળ જતાં વચ્ચે આ પંપા સરોવરમાં સ્નાન કર્યું હતું. અહીંથી અંજનકુંડ ૩૦ કી.મી. જેટલું થાય. પણ એ પેહલા ઝારખંડેશ્વર મહાદેવ મંદિરે જવાય. જે આહવાથી ૨ કી.મી.ના અંતરે આહવા ઘાટ ઉતરતા જ આવે છે. મંદિરમાં પહેલા શાંતિસાગર હનુમાનજી મંદિર છે અને તેની બાજુમાં થોડે ઉપર ઝારખંડેશ્વર મહાદેવ મંદિર છે. ત્યાંથી જમણીબાજુ સાપુતારા રસ્તે ૧૦ કી.મી. પાયારધોડીથી ડાબીબાજુ લિંગા તરફ જવું પડે. ત્યાંથી ૧૩ કી.મી. દુર અંજનકુંડ આવેલું છે.

ભગવાન હનુમાનજીનો જન્મ અંજની પર્વતની એક ગુફામાં થયો હતો તેને અંજન ગુફા તરીકે ઓળખાય છે. જે અહીંથી દોઢેક કિલોમીટર દુર છે. ત્યાં ચાલીને જઈ શકાય. એવું પણ કેહવાય છે કે લક્ષ્મણને મૃત્યુથી બચાવવા માટે ભગવાન હનુમાન સંજીવની જડીબુટ્ટી સાથેનો હિમાલય પર્વત લઈને લંકા તરફ જતા હતા ત્યારે તે પર્વતનો થોડો ભાગ અહી પડી ગયો હતો તે પર્વતને અંજની પર્વત તરીકે ઓળખાય છે. ભગવાન હનુમાન જયારે નાના હતા ત્યારે જે કુંડમાં ન્હાતા હતા તેને અંજનકુંડ તરીકે ઓળખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *