અલ્હાબાદના પ્રયાગરાજ ક્ષેત્રના સંગમ તટ પર સૂઇ રહેલા હનુમાનજી વિશે કેટલીય કથાઓ છે. સૌથી વધુ તાર્કિક, પ્રામાણિક અને પ્રારસંગિત કથા હોય તો તે એ છે કે રામાવતારમાં એટલે કે ત્રેતાયુગમાં હનુમાનજીએ પોતાના ગુરુ સૂર્ય દેવ પાસેથી પોતાની શિક્ષા-દીક્ષા પૂરી કરી વિદાય વખતે ગુરુદક્ષિણાની વાત કરી હતી.
ત્યારે ભગવાન સૂર્યએ હનુમાનજીને કહ્યું કે જ્યારે સમય આવશે ત્યારે તેઓ દક્ષિણા માંગી લેશે. હનુમાનજી માની ગયા. પરંતુ એ સમયે હનુમાનજીએ વધુ આગ્રહ કરતાં ભગવાન સૂર્યએ કહ્યું કે મારા વંશમાં અવતરેલા અયોધ્યાના રાજા દશરથના પુત્ર રામ પોતાના ભાઇ લક્ષ્મણ અને પત્ની સીતા સાથે વનવાસ જઇ રહ્યા હશે ત્યારે વનમાં એમને કોઇ મુશ્કેલી ન પડે અથવા કોઇ રાક્ષસ એમને કષ્ટ ન પહોંચાડે તેનું ધ્યાન રાખજો.
સૂર્યદેવની વાત સાંભળીને હનુમાનજીએ અયોધ્યા તરફ પ્રસ્થાન કર્યું. ભગવાને વિચાર્યું કે જો હનુમાન બધા રાક્ષસોનો સંહાર કરી લેશે તો મારા અવતારનો ઉદ્દેશ્ય સમાપ્ત થઇ જશે. માટે તેમણએ હનુમાનને ઘોર નિંદ્રામાં ઊંઘાડવા માટે માયાને પ્રેરિત કરી હતી.
ભગવાનનો આદેશ મેળવીને માયા એ તરફ આવવા લાગી જે તરફ હનુમાનજી આવી રહ્યા હતા. આ બાજુ હનુમાનજી પગપાળા જ્યારે ગંગાના તટ પર પહોંચ્યા ત્યારે ભગવાન સૂર્ય અસ્ત થઇ ગયા.
હનુમાનજીએ માતા ગંગાને પ્રણામ કર્યું. રાત્રે નદી પાર ન કરાય આવું વિચારીને તેમણે ગંગાના તટ પર જ રાત વિતાવવાનો નિર્ણય કર્યો. અને આ જ જગ્યાએ હનુમાનજી સુતાં હતા. અને રાણી અહલ્યાબાઈ હોલ્કર ના સમયમાં મંદિર બનાવવામાં આવ્યું હતું.
એવું કહેવામા આવે છે કે કુંભ મેળામાં કે પછી માઘ મેળામાં ઊંઘી રહેલા હનુમાનજીનાં દર્શન કર્યા વિના મોક્ષની ઇચ્છા પૂરી નથી થતી. માનવામા આવે છે કે સંગમમાં કેટલીક વિશિષ્ટ તિથિઓ પર સ્નાનથી મોક્ષ પ્રાપ્તિ થાય છે, પરંતુ આની સાથે-સાથે જો તમે ઊંઘી રહેલા હનુમાનજીના દર્શન કરો તો અધૂરી ઈચ્છા પુરી થાય છે.