હરડે એક દિવ્ય ઔષધી, હરડેના ચમત્કારી ફાયદાઓ જાણીને ચોંકી જશો.

Health

કેમ છો મિત્રો ? હું હરડે, મોટા ભાગનાં લોકો મને ઓળખતાં જ હશે અને જીવનમાં ક્યારેક ને ક્યારેક મારું સેવન જરૂર કર્યું હશે. આજે હું તમને મારી પોતાની અને તમારા ફાયદાની વાત કહીશ. મને આયુર્વેદનાં મારાં પ્રિય વૈદ્યો હરીતકીનાં નામથી પણ ઓળખે છે. તેનાં સિવાય પણ મારાં અભયા, પથ્યા, શ્રેયસી, શિવા અને વયસ્થા જેવાં ઘણાં નામો છે. જે મારાં અલગ અલગ ગુણો બતાવે છે.

હું આ પૃથ્વી પર કઈ રીતે આવી તેની પણ એક વાર્તા છે. અમૃતનું પાન કરતી વખતે ભગવાન ઇન્દ્રનાં મુખમાંથી એક બિંદુ પૃથ્વી પર પડ્યું અને આ અમૃતબિંદુમાંથી મારો ઉદ્ભવ થયો. બસ ત્યારથી જ હું તમારી સાથે આનંદથી જીવું છું.

પ્રાપ્તિ સ્થાન – મારું વૃક્ષ મોટાં ભાગે દરેક જગ્યાએ જોવાં મળે છે. સામાન્ય રીતે તે મધ્યમ આકારનું હોય છે પરંતુ ક્યારેક મોટાં આકાર પણ પ્રાપ્ત કરે છે. મોટા ભાગે મારાં ફળ વૃક્ષ સાથે ઓછો સમય રહે છે અને કાચા હોય ત્યારે જ પડી જાય છે. ઘણાં ઓછા ફળ પાકવા સુધી મારી સાથે જોડાયેલ રહે છે.

ઉત્તમ હરડે – હું જો નવી, સ્નિગ્ધ, ઠોસ અને ગોળ હોઉં તો હું સારા ગુણની છું. આ ઉપરાંત વજનદાર અને પાણીમાં નાખવાથી ડૂબી જાય તો તે ઉત્તમ છે.

હવે સાંભળો મારાં ગુણ વિષે:- મારામાં લવણ એટલે કે ખારો સ્વાદ છોડીને પાંચ પ્રકારનાં રસો છે. જેમાં મધુર, ખાટો, તીખો, તૂરો અને કડવો રસ સમાવિષ્ટ છે પરંતુ તૂરો રસ મારામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. હું તે જ કારણે ત્રિદોષ એટલે કે વાત, પિત્ત અને કફનું શમન કરવામાં સક્ષમ છું.

હું મૃદુ વિરેચનની શ્રેષ્ઠ ઔષધિ છું તથા હાનિ પહોંચાડવી તે મારો સ્વભાવ નથી. શરીરની બધી જ ક્રિયાઓ મારાં સેવનથી સુધરે છે. આ ઉપરાંત હું ખૂબ સારી રીતે વ્રણ એટલે કે ઘાને પણ ઠીક કરું છું. મોઢામાં ચાંદા, જૂનાં ઘા અને મસામાં મારો લેપ મદદ કરે છે.

મારું રાસાયણિક સંગઠન – મારાંમાં ચેબ્યુલિનિક એસિડ છે જે મને તૂરો સ્વાદ આપે છે. આ ઉપરાંત ટેનિક એસિડ, ગેલિક એસિડ તથા વિટામિન સી પણ છે. ગ્લાયકોસાઈડ નામનું વિરેચક દ્રવ્ય પણ મારામાં મળી આવે છે.

પ્રયોગભેદથી ગુણ – હું અલગ અલગ રીતે પ્રયોગ કરવાથી અલગ અલગ ગુણ દર્શાવું છું. ચાવીને ખાવાથી હું જઠરાગ્નિની વૃદ્ધિ કરું છું. શીલા પર પીસીને ખાવાથી મળની શોધન કરું છું. ઉકાળીને ખાવાથી મળને રોકી દઉં છું. ભૂંજીને ખાવાથી ત્રિદોષને દૂર કરું છું.

ભોજનની સાથે સેવન કરવાથી બળ , બુદ્ધિ અને ઇન્દ્રિયોને વિકસિત કરું છું. મળ, મૂત્ર અને અન્ય મળ પદાર્થોને બહાર કાઢું છું તથા ત્રિદોષને સમ કરું છું. ભોજન પછી જો મને ખાવામાં આવે તો ત્રિદોષથી ઉત્પન્ન વિકારોનું શીઘર હરણ કરું છું.

સૈન્ધવ મીઠા સાથે ખાવાથી કફનું, સાકર સાથે ખાવાથી પિત્તનું, ઘી સાથે ખાવાથી વાતનું અને ગોળ સાથે ખાવાથી બધી જ વ્યાધિઓને દૂર કરું છું.

અરે આ તો મેં માત્ર મારી અવસ્થા પ્રમાણે ગુણધર્મો કહ્યાં. હું રસાયન કર્મ માટે પણ ખૂબ ઉપયોગી છું. જે શરીરને હંમેશા સ્વસ્થ અને નિરોગી રાખે છે. જે લોકો પોતાનાં શરીરને હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા ઈચ્છતાં હોય તેમણે

વર્ષા ઋતુમાં સૈન્ધવ સાથે, શરદ ઋતુમાં સાકર સાથે, હેમંત ઋતુમાં સૂંઠ સાથે, શિશિર ઋતુમાં પીપર સાથે, વસંત ઋતુમાં મધ સાથે અને ગ્રીષ્મ ઋતુમાં ગોળ સાથે સેવન કરવું જોઈએ.

મારું સેવન કોણે ન કરવું જોઈએ:- ખૂબ ચાલવાથી થાકી ગયેલા લોકોએ, બળ વિહીન, ઉપવાસ કરેલાં વ્યક્તિઓ, અતિ પાતળાં, ખૂબ પિત્ત ધરાવતાં વ્યક્તિઓ, ગર્ભવતી સ્ત્રી અને જેણે રક્તમોક્ષણ કરાવ્યું હોય તેમણે વૈદ્યની સલાહ અને માર્ગદર્શન વગર મારુ સેવન ન કરવું જોઈએ.

મિત્રો, હવે તો તમે મને પૂરેપૂરી ઓળખી ગયાં ને ? તો પછી રાહ શેની જુવો છો? આજે જ તમારાં વૈદ્યને મળો અને મારું વિધિપૂર્વક સેવન કરો. હું તમને ખૂબ જ સારું શારીરિક સ્વાસ્થ્ય ભેટમાં આપીશ. આવજો !

લેખક સૌજન્ય:- વૈદ્ય મિલિન્દ તપોધન

Leave a Reply

Your email address will not be published.