“અમ્લપિત્ત'”, એટલે કે જેને આપણે એસિડીટી તરીકે પણ ઓળખીએ છીએ, એ એક એવો રોગ જેના દ્વારા દરેક મનુષ્ય ક્યારેક ને ક્યારેક પીડાય જ છે. સામાન્ય રીતે જેને એસીડીટી તરીકે ઓળખવામાં આવે છે. અમ્લપિત્તમાં બે શબ્દ જોવા મળે છે, તેને સાદી ભાષામાં સમજીએ તો 1. અમ્લ એટલે ખાટું અને પિત્ત એટલે એસિડ કે પાચક સ્ત્રાવ. આ રોગની અંતર્ગત પાચક પિત્તનો સ્ત્રાવ વધી જાય છે અને તે કટુ રસનાં બદલે અમ્લ એટલે કે ખાટું થાય છે.
આચાર્ય ચરકે પિત્તનો રસ કટુ (તીખો) અને અમ્લ (ખાટો) બતાવ્યો છે પણ અમ્લપિત્તમાં અમ્લની પ્રધાનતા જોવા મળે છે. આચાર્ય સુશ્રુત જણાવે છે કે કટુ તે મુખ્ય રસ છે અને તે વિદગ્ધ થતાં અમ્લ બને છે. આચાર્ય કાશ્યપે અમ્લપિત્તમાં ત્રણે દોષો (વાત, પિત્ત અને કફ)ને સંલગ્ન કર્યા છે જયારે આચાર્ય માધવ તેમાં પિત્ત દોષની પ્રધાનતા માને છે.
મુખ્ય લક્ષણો:- 1. દાહ – પેટમાં, ગળામાં કે હ્ર્દયની આજુબાજુનાં ભાગમાં બળતરા અનુભવવી, 2. અમ્લ -ઉદગાર – ખાટા ઓડકાર આવવા, 3. ઉબકા અને ઉલ્ટી જેવી અનુભૂતિ, 4. અરુચિ, 5. અજીર્ણ – ખોરાક યોગ્ય રીતે ન પચવો, 6. માથું દુખવું, 7. ઘણી વાર મુખમાંથી દુર્ગંધ આવવી
કારણો:- 1. વધુ પડતું ભોજન, 2. પહેલાનો ખોરાક પચ્યા પહેલા ભોજન, 3. વિરુદ્ધ ભોજન, 4. વધુ પડતું સૂકું ભોજન, 5. જમવાનો સમય નક્કી ન હોવો, 6. ભૂખ લાગે ત્યારે ન જમવું, 7. વાસી, તીખું અને તળેલું ભોજન, 8. વધુ પડતું ફાસ્ટ ફૂડ, 9. વધુ પડતાં ઉપવાસ… આ કારણોસર અગ્નિ મંદ પડે છે અને તે જ આગળ જતાં અમ્લપિત્ત ઉત્પન્ન કરે છે, 10. આ ઉપરાંત, ખૂબ શ્રમ કરવો અથવા જરા પણ શ્રમ ન કરવો તે પણ તેનું એક કારણ છે, 11. માનસિક કારણો, જેવા કે અતિ ગુસ્સો કે ચિંતા પણ અમ્લપિત્ત ઉત્પન્ન કરી શકે છે.
પ્રકાર – તેનાં વિવિધ આચાર્યોએ અલગ અલગ પ્રકાર વર્ણવ્યાં છે. મુખ્યત્વે તેમાં પિત્ત દોષ વધુ પ્રકુપિત થાય છે અને વાત અને કફ તેની સાથે સંલગ્ન હોય છે. સ્થાન પ્રમાણે તેનાં બે પ્રકાર પડે છે.
1. ઉર્ધ્વગઃ અમ્લપિત્ત – એટલે ઉપર તરફ. જેમાં ખાટા ઓડકાર અને ઉલ્ટી થતી જોવા મળે છે અને તેનાં પછી લક્ષણો ઓછા થાય છે. ઘણી વાર તેની સાથે ચામડી પર વિવિધ ચકામાં પણ જોવા મળે છે. તેમાં માથામાં દુખાવો પણ જોવા મળી શકે છે.
2. અધોગ અમ્લપિત્ત – જેમાં બળતરા વગેરે લક્ષણો સાથે સ્વેદ એટલે કે પરસેવો પણ જોવા મળે છે. તેમાં ઉલ્ટીના લક્ષણ જોવા મળતા નથી.
આધુનિક વિજ્ઞાનમાં તેને હાઈડ્રોકલોરિક એસિડના અતિ સ્ત્રાવ સાથે સરખાવવામાં આવે છે. જે પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે. જો અમ્લપિત્તને અવગણવામાં આવે તો તે આગળ જતાં અન્ય અનેક વ્યાધિઓને પેદા કરી શકે છે.
અમ્લપિત્તનાં રોગીઓએ શું કરવું:- 1. સમયસર અને ભૂખ લાગે ત્યારે ખાવું, 2. હલકું, સાદું , સુપાચ્ય અને સમતોલ ભોજન લેવું, 3. કાકડી, દૂધી , કોળું અને મેથી સિવાયની ભાજી લઇ શકાય, 4. દાડમપાક, આમળાનો મુરબ્બો અને ગુલકંદ લેવું, 5. એક ચમચી ઘી સાથે દૂધ લેવું, 6. યોગ્ય માત્રામાં ઊંઘ લેવી અને કલાકોમાં નિયમિતતા લાવવી, 7. જૂના ચોખા, મગ, યવ, કારેલા પણ લઇ શકાય
અમ્લપિત્તનાં રોગીઓએ શું ન કરવું:- 1. પિત્ત વર્ધક આહારો જેમ કે તીખા, ખારા અને ખાટાં રસનું યોગ્ય માત્રામાં સેવન, 2. વધુ પડતો ઉપવાસ ન કરવો, 3. વધુ પડતો આહાર ન લેવો, 4. જમીને તરત ન સુઈ જવું, 5. કુદરતી વેગોનું ધારણ, 6. વધુ પડતી ચિંતા અને ક્રોધ, 7. વધુ પડતું દહીંનું સેવન
ચિકિત્સા – ઘરે કરી શકાય તેવાં ઈલાજ:- 1. લીલું નારિયેળનું પાણી લેવું, 2. ધાણાનો શરબત બનાવી સાકર સાથે લેવો, 3. લીલી વરિયાળી ચાવી ચાવીને ખાવી, 4. મોળી છાસ લેવી, 5. સૂકી દ્રાક્ષ, ખાંડ અને હરડે સાથે લઇ શકાય. આ ઉપરાત દર્દીની પ્રકૃતિ અને પરિસ્થિતિ પ્રમાણે વૈદ્યમિત્ર નીચે પ્રમાણે ચિકિત્સા કરી શકે.
1. નિદાન પરિવર્જન – પિત્તને પ્રકોપિત અને દૂષિત કરતાં આહાર અને વિહારોથી દૂર રહેવું એટલે કે પથ્ય અને અપથ્યનું પાલન કરવું.
2. શમન ચિકિત્સા – તેમાં વિવિધ ઔષધો જેમ કે આમલકી, યષ્ટીમધુ, શતાવરી અને સૂંઠ વગેરેનો પ્રયોગ કરી શકાય. આ ઉપરાંત રોગીની અવસ્થા પ્રમાણે વૈદ્ય મિત્ર અન્ય ઔષધોનો ઉપયોગ કરી શકે.
3. શોધન ચિકિત્સા – જરૂર જણાતાં પંચકર્મનો પ્રયોગ પણ કરી શકાય. લક્ષણો અનુસાર વમન અને વિરેચન કરાવી શકાય. તો મિત્રો, કેવો લાગ્યો આપને આ લેખ? જરૂરથી જણાવશો.
સૌજન્ય:- વૈદ્ય મિલિન્દ તપોધન