જામનગરી ઘૂઘરા બનાવવા માટેની પરફેક્ટ રીત

Recipe

ગુજરાતમાં રાજકોટ અને જામનગરના ઘૂઘરા વખણાય છે પણ સહુથી વધારે જામનગરના ઘૂઘરા વખણાય છે, ચાલો આપણે જાણીએ જામનગરી ઘૂઘરા ઘરે સરળતાથી કેવી રીતે બનાવી શકાય, ઘૂઘરા બનાવવા માટે આપણે બે ભાગમાં તેની તૈયારી કરીશું, પહેલા ભાગમાં આપણે ઘુઘરાનું બહારનું પડ બનાવીશું અને બીજા ભાગમાં એ પડની અંદર ભરવા માટેનું પુરણ તૈયાર કરીશું

પડ બનાવવા માટેની સામગ્રી:

1 કપ મેંદો

2 ચમચા તેલ

સ્વાદ મુજબ મીઠું

રીત:

મેંદામાં તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખીને તેનો લોટ બાંધી લઈશું અને તેને અડધી કલાક એમજ રહેવા દઈશું

પુરણ બનાવવા માટેની સામગ્રી:

1/2 કપ સૂકા વટાણા

200 ગ્રામ બટેટા

1 નાની ચમચી જીરું

1 ચમચી આદુની પેસ્ટ

1 ચમચી લીલા મરચાની પેસ્ટ

1 નાની ચમચી લાલ મરચું

1 ચમચી ધાણાજીરું

1 ચપટી ગરમ મસાલો

જરૂરિયાત પ્રમાણે તેલ

1 લીંબુનો રસ

સ્વાદ મુજબ મીઠું

રીત:

જયારે પણ આપણે જામનગરી ઘૂઘરા બનાવવાના હોય તેની આગળની રાત્રે આપણે સૂકા વટાણા પાણીમાં પલાળી દઈશું અને ઘૂઘરા બનાવતી વખતે તેને બાફીને તેને અધકચરા મસળી લઈશુ ત્યાર બાદ બટેટાને પણ બાફીને તેને મસળી ને તેનો માવો કરી લઈશુ.

એક પેનમાં બે ચમચા તેલ ગરમ કરી તેમાં એક ચમચી જીરૂ ઉમેરો, જીરું તતડે ત્યારે તેમાં આદુ મરચાની પેસ્ટ અને એક ચમચી લાલ મરચું પાવડર, એક ચમચી ધાણાજીરૂ પાવડર અને એક ચપટી ગરમ મસાલો ઊમેરી મસાલો શેકાઈ જાય તેટલી વાર સાંતળો.

હવે બટેટા અને વટાણાનો માવો ઊમેરી ફરીથી થોડી વાર સાંતળો. ત્યારબાદ તેમાં એક લીંબુનો રસ અને સ્વાદાનુસાર નમક ઊમેરી બરાબર ભેળવી લ્યો, ત્યાર બાદ આપણે આ પુરણને ઠરવા દઈશું

તૈયાર કરેલા લોટનો લુઓ વણી આશરે ૪ ઈંચની પૂરી વણવી. આ પુરીમાં સ્ટફિંગ મૂકી તેને ઘૂઘરાનાં શેપમાં હાથેથી બંધ કરવી. (ચાહો તો ઘુઘરાનું તૈયાર મોલ્ડ પણ વાપરી શકો.) આ રીતે દરેક ઘુઘરા વાળી ને તૈયાર કરી રાખવા.

એક કડાઈમાં પૂરતું તેલ ગરમ કરી તેમાં આ ઘુઘરા સોનેરી રંગનાં થાય ત્યાં સુધી હળવી આંચ પર તળી લેવા. વધારાનું તેલ શોષાઈ જાય તે માટે ઘુઘરાને ટીસ્યુ પેપર પર રાખવા.

સર્વિંગ પ્લેટમાં ઘુઘરા લઈ ખજૂર-આમલીની મીઠી ચટણી, લીલી ચટણી અને લસણની ચટણી છાંટી, નાયલોન સેવ, મસાલા શીંગ અને કોથમરીનાં પાન વડે ગાર્નિશ કરી પીરસવા, આ ઘૂઘરા નાનાથી લઈને મોટા સુધી બધાજ ખુબજ હોંશે હોંશે ખાશે.

Leave a Reply

Your email address will not be published.