જીજ્ઞેશ પરમાર નામ છે એમનું. શુડ આઈ રીપીટ ? જીજ્ઞેશ પરમાર. હું આ માણસને પહેલીવાર સ્મશાનમાં મળેલો. વુડ યુ બીલીવ ઈટ ? કેટલાક હીરાઓ સ્મશાનની રાખમાં મળતા હોય છે. એ સમયે, મને એમનામાં કશું જ ખાસ નહોતું લાગ્યું કારણકે હું પોતે શોકમાં ડૂબેલો હતો. મેં એમનું નામ સુદ્ધા નહોતું પૂછ્યું. અને આજે જુઓ, હું એમના પર એક આખી પોસ્ટ લખી રહ્યો છું.
એકાદ મહિના પહેલાની વાત છે. કોવીડમાં પ્રાણ ગુમાવ્યા હોય એવા મારા એક સાવ અંગત અને યુવાન કુટુંબીજન સાથે હું સ્મશાન ગયેલો. અફકોર્સ, શબવાહિનીમાં એ સૂતેલો હતો અને હું બેઠેલો. અમારા બંનેની મંઝીલ તો એક જ હતી. મારે કદાચ થોડી વાર હતી એટલે આ બ્રમ્હાંડને પોતાનું શરીર સબમિટ કરવા માટે, હું એની સાથે ગયેલો. જાતને વહેલી-મોડી ધુમાડાથી ફેમીલીયર તો કરવી જ પડશે, એ વિચારે હું અવારનવાર સ્મશાને જઈ આવું છું. પણ એ દિવસ ખાસ હતો, કારણકે એ દિવસે હું જીજ્ઞેશને મળેલો.
ઇલેક્ટ્રિક સ્મશાન બંધ હતું, અને લાકડાવાળી ભઠ્ઠીઓનો ઓવરટાઈમ ચાલુ. આ એ સમયની વાત છે જ્યારે કોરોના પીક પર હતો. કોવીડ ડેડબોડી સાથે ફક્ત ચાર જણા અલાઉડ હતા. એ સમયે શોકમાં ડૂબેલા સ્વજનો માટે સૌથી મોટી ટાસ્ક લાકડા લઈ આવવાની અને ગોઠવવાની હતી. આમ પણ, ગમતી વ્યક્તિ અબોલા લઈ સફેદ ચાદર ઓઢીને જમીન પર સૂઈ ગઈ હોય ત્યારે એની અંતિમવિધિ માટેના લાકડા કેટલા વજનદાર લાગે ?
સ્વજનની વિદાયના દુઃખથી નમી ગયેલા ખભા સાથે અમે ત્રણ-ચાર જણા લાકડા લેવા ગયા. એ જ સમયે મોઢા પર રૂમાલ બાંધેલો એક દેવદૂત આવ્યો. પાંપણ નમાવી તેણે પ્રેમથી કહ્યું, ‘તમે ડેડબોડી પાસે બેસો. બાકી બધું અમે કરી નાખશું.’ એ સાંભળીને મને રાહત તો થઈ, પણ ત્યારે એ માણસ મને બહુ સાધારણ લાગેલો. મને થયું ‘હશે કોઈ ! સ્મશાનમાં છૂટક મજૂરી કરતો હશે. થોડા-ઘણા આપી દઈશું.’
આ બાજુ ડેડબોડી પાસે બેસીને અમે અમારા સ્વજનની ખોટને રોતા રહ્યા અને પેલી બાજુ આ માણસ બીજા ત્રણ-ચાર લોકો સાથે મળીને લાકડા ગોઠવતો રહ્યો. એટલું જ નહીં, અંતિમવિધિ પણ એણે જ કરી આપી. બધું જ તૈયાર થઈ ગયા પછી, એણે અમને ફક્ત અગ્નિદાહ આપવા માટે જ બોલાવ્યા. પછી કહ્યું, ‘હવે તમે આરામથી બેસો. અડધી કલાક જેવું લાગશે. પછી તમને અસ્થિ આપી જાઉં.’
સાવ અચાનક અમારી મદદે આવેલા આ યુવાનની હકીકત મને ત્યારે જાણવા મળી, જ્યારે થોડીવાર પછી સ્મશાનના ટ્રસ્ટી અરવિંદભાઈ પરમાર સાથે મારી મૂલાકાત થઈ. બેકગ્રાઉન્ડમાં નોન-સ્ટોપ ચાલી રહેલી ભઠ્ઠીઓના ધુમાડાઓ વચ્ચે તેમણે મને કહ્યું, ‘એક મહિના પહેલા એના પત્ની પણ કોવીડમાં અવસાન પામ્યા છે. ત્યારથી એ સ્મશાનમાં દુખિયારાની સેવા કરે છે.’
કસમથી, મારા પગ નીચેથી જમીન સરકી ગયેલી. એ ક્ષણ યાદ કરું છું તો અત્યારે આ લખતી વખતે પણ આંખો ભીની થઈ જાય છે. સ્વાર્થીઓના જગતમાં આવા નિસ્વાર્થ લોકો મળી જાય, તો સ્મશાન જેવી જગ્યા પણ ગમવા લાગે !
વધુ તપાસ કરતા ખબર પડી કે તેમનું નામ જીજ્ઞેશભાઈ છે. ગર્ભાવસ્થા દરમિયાન તેમના પત્નીને કોવીડ થયો. આ દુનિયામાં એક નાનકડા બાળકની એન્ટ્રી કરાવીને, એ જ દિવસે તેમના પત્નીએ આ જગતમાંથી એક્ઝીટ લીધી. લોકડાઉનમાં બેરોજગાર બની ગયેલા જીજ્ઞેશભાઈએ બજારમાંથી વ્યાજે રૂપિયા લઈને પણ પત્નીની સારવાર કરાવી. પચાસ હજાર રૂપિયા જેટલું દેવુ કર્યું અને તેમ છતાં પોતાનું સ્વજન ગુમાવ્યું.
પોતાના નવજાત બાળકને એની દાદી પાસે રાખીને, પત્ની વિદાયના દસ જ દિવસ પછી તેઓ સ્મશાનના કામમાં જોડાઈ ગયા. એ સમય એવો હતો જ્યારે રાત-દિવસ નોન-સ્ટોપ ડેડબોડીઝ આવ્યા કરતા. તેઓ આખી રાત જાગતા. દરેક બોડી માટે લાકડા લાવવાનું, ગોઠવવાનું અને અંતિમવિધિ કરવાનું કામ કરતા. એના બદલામાં સ્વર્ગસ્થના સ્વજનો પાસે કોઈ માંગણી નહીં કરવાની. તેઓ પ્રેમથી જે આપે, એ સ્વીકારી લેવાનું.
એમણે કહેલી એક વાત મને આજે પણ યાદ છે, ‘દુઃખી લોકોને રાહત આપીને, હું મારી જાતને રાહત આપું છું.’ બહુ ખુદ્દાર માણસ છે. એમની પોસ્ટ મૂકતા પહેલા એમની મંજૂરી લેવા માટે જ્યારે મેં એમને ફોન કર્યો, ત્યારે મને કહે, ‘જો જો હોં, આ માંગણી જેવું ન લાગવું જોઈએ. મારે કોઈની ભીખ નથી જોઈતી. હું જાત મહેનત કરીને દેવુ ચૂકવીશ.’
પણ ન રોકી શક્યો હું જાતને ! ક્યાં મળે છે આવા લોકો ? સોશિયલ મીડિયાની યુઝલેસ ફીડ, ટ્રોલર્સની ભીડ, પોલીટીકલ વ્યુઝ, નેગેટીવ ન્યુઝ અને નકામા નોટિફિકેશન્સના ઢગલામાં ક્યાંક ખોવાઈ જાય છે આવા લોકો. જેઓ પોતાની અંદર રહેલી કરુણાની મશાલને સળગતી રાખી, અન્ય લોકોના હ્રદયમાં લાગેલી આગને ઓલવે છે. જેઓ વળતર, પ્રશંસા કે તાળીઓની અપેક્ષા કર્યા વગર પરોપકાર કર્યે જાય છે.
પત્નીના વિરહમાં શોકગ્રસ્ત રહેવાને બદલે જીજ્ઞેશભાઈ, દરેક મૃતકના સ્વજનોને સાંત્વના આપતા રહે છે. એમનું જ્ઞાન ભલે મારી કરતા ઓછું હોય, તેમની પ્રજ્ઞા મારી કરતા અનેકગણી વધારે છે. બે હાથ જોડી ડેડબોડીને વંદન કરતી વખતે તેમણે મને કહેલું, ‘ગમે તેટલું કરો, નસીબમાં ન હોય એ છીનવાઈ જ જાય છે સાહેબ.’
ક્યાંથી આવે છે આવા લોકો ? કોઈ અકળ લોકમાંથી પરમાત્માએ મોકલેલા શુદ્ધ અને પવિત્ર ચૈતન્યના બ્રાંડ-એમ્બેસેડર હોય છે આવા લોકો. એમને મદદ તો કરવી જ રહી. પ્લીઝ, એમની બેંક-ડિટેઈલ્સ ન માંગતા. પરોપકારની પેશન લઈને ફરનારા લોકો નેટ-બેન્કિંગ કે પે-ટીએમ નથી વાપરતા. તેઓ પોતાની આવક પૈસાથી નહીં, પુણ્યથી ગણતા હોય છે. કરુણા જ એમની કરન્સી છે. પણ આપણે બધા સાથે મળીને એમનું દેવુ ચૂકવી દઈએ તો કે’વુ ? એકવાર એમની સાથે વાત કરી લેજો. કોને ખબર છે ? તમારી અંદર રહેલો કોઈ ઈજાગ્રસ્ત અને દુઃખતો ટુકડો, કદાચ આપમેળે રૂઝાય જાય !
સૌજન્ય:- ડૉ. નિમિત્ત ઓઝા