જંક ફૂડની તીવ્ર ઝંખના પાછળનું વિજ્ઞાન શું છે ? એક ડોકટરે જંકફૂડ વિશે કહેલી આ વાત તમારે જરૂર વાંચવી જોઈએ….

Life Style

તાજેતરમાં થયેલા એક પ્રયોગમાં ઉંદરોને પોટેટો ચિપ્સ ખવડાવવામાં આવી. આ પ્રયોગનું સૌથી નોંધપાત્ર અને આશ્ચર્યજનક તારણ એ હતું કે પેટ સંપૂર્ણ ભરાઈ ગયા પછી પણ ઉંદરોએ ચિપ્સ ખાવાનું શરૂ રાખ્યુ. સામાન્ય રીતે તેમના રૂટીન ખોરાકની ચોક્કસ માત્રા આરોગ્યા પછી જે ઉંદરો ખોરાકથી દૂર ચાલ્યા જતા, પોટેટો ચિપ્સ ખાધા પછી એ ઉંદરોને ‘તૃપ્તિ’ કે ‘Satiety’ નો ખ્યાલ જ ન રહ્યો.

થોડું પરિચિત લાગે છે ને ? નાઈટ્રોજન ગેસ ભરીને ફૂલાવેલા અને દરેક લારી-ગલ્લા પર મળતા ‘પડીકા’ માટેની મનુષ્ય વર્તણુંક પણ આવી જ હોય છે. બજાર કે રેસ્ટોરન્ટમાં મળતા કોઈ પણ જંક ફૂડ પ્રત્યેનું આપણું વર્તન બિલકુલ પેલા ઉંદરો જેવું હોય છે. વાંક આપણો કે ઉંદરોનો નથી, વાંક છે એ ખોરાકમાં રહેલા કન્ટેન્ટનો, જે માનવ સહજ નબળાઈઓનો ફાયદો ઉઠાવે છે.

જંક ફૂડ કે ફાસ્ટ ફૂડ એટલે એવો ખોરાક જેમાં પોષકતત્વો નહીવત અને કેલરીઝ મહત્તમ હોય. ‘WHO’ માન્ય અને અધિકૃત વ્યાખ્યા પ્રમાણે જંકફૂડ એટલે એવો બિનઆરોગ્યપ્રદ ખોરાક જેમાં પુષ્કળમાત્રામાં કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટ હોય તથા પ્રોટીન્સ, વિટામીન્સ અને ફાઈબર્સનું પ્રમાણ નહીવત હોય. તો પ્રશ્ન એ થાય છે કે સ્વાસ્થ્ય માટે જોખમી હોવા છતાં પણ જંકફૂડમાં એવું તો શું હોય છે, જે આપણને તેના તરફ આકર્ષે છે ? તો એનો જવાબ છે એમાં રહેલા કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટનું પ્રમાણ.

ખોરાક પ્રત્યેની તીવ્ર ઝંખના જગાડવા માટેનું ખતરનાક કોમ્બીનેશન એટલે ૬૫% કાર્બોહાઈડ્રેટ્સ અને ૩૫ % ફેટ. બજારમાં મળતા જે પડીકા કે વાનગીમાં કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટનું આ પ્રમાણ જોવા મળે છે, તે સૌથી ‘સ્વાદિષ્ટ’ લાગે છે. રીફાઈન્ડ તેલમાં તળેલા આ રીફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટને આપણી ભૂખ સાથે કોઈ લેવા-દેવા નથી.

જંક ફૂડ આપણી ભૂખ ઉપર નહીં, આપણી માનસિકતા પર પ્રહાર કરે છે. જંક ફૂડ ખાધા પછી આપણા મગજની અંદર ‘ડોપામીન’ રીલીઝ થાય છે. ડોપામીન એટલે એક એવું રસાયણ જે આપણને મિથ્યા અને ક્ષણિક આનંદ આપે છે. ડોપામીનને ‘પ્લેઝર હોર્મોન’ કહેવાય છે. જંક ફૂડ ઇન્ડસ્ટ્રી એ વાતનો ફાયદો ઉઠાવે છે કે ઉદાસીથી પીડાઈ રહેલા કેટલાય લોકો માટે ખોરાક એક ‘મનોરંજન’ છે. ભૂખ સંતોષવા કરતા ખોરાકમાં લોકો પોતાનો ગુમ થયેલો આનંદ અને મજા શોધતા હોય છે. ફાસ્ટ ફૂડ જોઈને આપણા મનમાં જે તીવ્ર ઝંખના થાય છે, હકીકતમાં એડોપામીનથી મળતા આનંદની ઝંખના છે.

એ પ્રેમીનું હોય કે પિત્ઝાનું, સોફ્ટ ડ્રીંક્સનું હોય કે સિગરેટનું, સેક્સનું હોય કે સોશિયલ મીડિયાનું. કોઈ પણ વ્યસન કે વળગણ માટે જવાબદાર રસાયણ ડોપામીન હોય છે કારણકે એ બ્રેઈનની ‘રિવોર્ડ સિસ્ટમ’ને સક્રિય કરે છે. તે એક એવો ક્ષણિક ઉન્માદ ઉભો કરે છે, જે ચાલ્યા ગયા પછી આપણું મન કહ્યા કરે છે, ‘યે દિલ માંગે મોર.’ અને પછી કાયમ માટે અતૃપ્ત રહેનારી એ ઝંખનાના આવેશમાં આપણે એ વ્યક્તિ, ખોરાક કે પ્રવૃત્તિ પાછળ દોડ્યા કરીએ છીએ.

તો જંક ફૂડની તાલાવેલી અટકાવવા માટે શું કરવું જોઈએ ? ટેમ્પરરી ઉન્માદ અને ઉત્તેજના જગાવનાર ડોપામીનને પરાસ્ત કરી શકે, એવા હોર્મોન્સ પણ આપણી જ અંદર રહેલા છે. બસ, એનો યોગ્ય ઉપયોગ કરવાની જરૂર છે.

જંક ફૂડથી દૂર રહેવા માટે આપણો સૌથી પહેલો ટાર્ગેટ ‘ઘ્રેલીન’ છે, જેને ‘હંગર હોર્મોન’ કહેવાય છે. ઘ્રેલીન આપણા જઠરમાંથી સ્ત્રાવ પામે છે, જે બ્રેઈનને સિગ્નલ આપે છે કે આપણને ભૂખ લાગી છે. ઈમોશનલ સ્ટ્રેસ, ઉદાસી કે અન્ય કોઈ ચિંતાની પરીસ્થિતિમાં આ ‘ઘ્રેલીન’નું પ્રમાણ આપોઆપ વધવા લાગે છે, અને આપણે ‘Binge eating’ શરૂ કરી દઈએ છીએ.

આ ઘ્રેલીનનો વિરોધી અને આપણો મિત્ર હોર્મોન એટલે ‘લેપ્ટીન’, જે મગજને તૃપ્ત થયાનો સંદેશો મોકલે છે અને આપણને ઓવર-ઇટીંગ કરતા રોકે છે. લોહીમાં લેપ્ટીનની માત્રા જેમ વધારે, એમ તૃપ્તિ વધારે અને ભૂખ ઓછી. ઘ્રેલીનનું પ્રમાણ ઘટાડવા અને લેપ્ટીનની માત્રા વધારવા માટે આપણા દરેક ભોજનમાં પ્રોટીનનું પ્રમાણ મહત્તમ હોવું જોઈએ, ખાસ કરીને બ્રેકફાસ્ટમાં. કાર્બ્સ અને ફેટની સામે લડત આપવામાં સૌથી મોટું હથિયાર પ્રોટીન છે. પ્રોટીન જેટલું વધારે લઈશું, કાર્બ્સ અને ફેટ ખાવાની ઝંખના એટલી જ ઓછી થશે. માસ-મચ્છી કે ઈંડા ન ખનારા લોકો માટે ડેઈરી પ્રોડક્ટ્સ જેવી કે દહીં, પનીર, ટોફુ અથવા સોયાબીન કે કઠોળ આ કામ કરી આપશે. પ્રોટીનની સાથે બ્રેકફાસ્ટમાં લીધેલું કોઈપણ એક ફળ, જંકફૂડ સામેની જંગમાં ક્યારેય નિષ્ફળ નથી જતું.

એ ઉપરાંત જંક ફૂડનું ક્રેવીંગ અટકાવવા માટે ‘સિરોટોનીન’ પણ મહત્વનો ભાગ ભજવે છે. એ સુખ અને શાંતિ આપનારો હોર્મોન છે. નિયમિત કસરત, સૂર્યપ્રકાશ, સ્વજનો સાથેનો સમય અને આઉટડોર પ્રવૃત્તિઓ સિરોટોનીનનું પ્રમાણ વધારે છે અને ડોપામીનથી મળતા તત્કાલ આનંદની ઝંખના ઘટાડે છે.

આપણી મનોસ્થિતિ આપણો ખોરાક નક્કી કરે છે. જીવનથી તૃપ્ત અને મનથી મસ્ત રહેનારા લોકો ‘ડોપામીનની દોડ’માંથી ખસી શકે છે. પણ હાર્ટ-બ્રેક, સ્ટ્રેસ, ડિપ્રેશન કે અન્ય કોઈ રીતે ઈમોશનલી અતૃપ્ત રહેલા લોકો, જંક ફૂડ આરોગીને તૃપ્તિની શોધ માટેના વ્યર્થ પ્રયત્નો કરતા રહે છે.

સૌજન્ય:- ડૉ. નિમિત્ત ઓઝા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *