એક પણ રૂપિયાનું દાન લીધા વગર, કંઈ રીતે ચાલે છે વિરપુર જલારામ મંદિરમાં અન્નક્ષેત્ર ?

Dharma

સૌરાષ્ટ્રને સંતોની ભૂમિ પણ કહેવામા આવે છે કારણ કે સૌરાષ્ટ્રમાં ઘણા ધાર્મિક સ્થળો આવેલા છે. જેમાં જેતપુર થી રાજકોટ જતાં વચ્ચે વિરપુર ગામ આવેલું છે જે ખાસ કરીને લોહાણા સમાજ અને દરેક જ્ઞાતિ માટે આસ્થાનું સ્થાન છે. સંત શ્રી જલારામ બાપાનું આ મંદિર સમગ્ર વિશ્વમાં જાણીતું છે અને પૂજનીય છે. અહી રોજ હજારો લોકો દર્શનાર્થે આવે છે અને જલારામ બાપાના દર્શન કરી પોતાને ધન્ય અનુભવે છે.

૧૪ નવેમ્બર, ૧૭૯૯ ના રોજ સંતશ્રી જલારામ બાપાનો જન્મ માતા રાજબાઈજીના કૂખે થયો હતો. જલારામ બાપાના પિતા પણ ખૂબ જ ધાર્મિક પ્રકૃતિના હતા એટલે સેવા અને ધર્મનો વારસો તો તેમણે પોતાના બાળપણથી જ મળેલો છે એમ પણ કહી શકાય છે. પરમ પૂજ્ય સંતશ્રી ભોજલરામ બાપને પોતાના ગુરુ બનાવ્યા અને ગુરુશિક્ષા તેમની પાસેથી લીધી અને વિરપુરમાં સદાવ્રત ચાલુ કર્યું જે ભૂખ્યાઓને ભોજન આપતું. તેમનું ચાલુ કરેલું આ સદાવ્રત આજે પણ અવિરત ચાલુ જ છે.

અહીની ખાસ વાત તો એ છે કે કોઈપણ પ્રકારના દાન ધર્માદા વગર અહી અન્નક્ષેત્રની સેવા અવિરત ચાલુ જ રહે છે. કોઈપણ દર્શનાર્થી પાસેથી કોઈ પણ પ્રકારનું દાન ન લેવામાં આવતું હોય એવું કદાચ આ વિશ્વનું એકમાત્ર મંદિર હશે. વળી અહી કોઈપણ જાતના દાન સ્વીકાર્યા વગર પણ અન્નક્ષેત્રની સેવામાં કોઈ ઉણપ આવતી નથી. આ રીતે જોવામાં આવે તો ભારતમાં દર વર્ષે કરોડોનું દાન મેળવનારા ધર્મસ્થાનોની સરખામણીએ વિરપુરનું જલારામ મંદિર એક અલગ જ સ્થાન ધરાવે છે.

સમગ્ર દેશમાં આજે બધા જ મંદિરોમાં મોટા પાયે દાન આવે છે, ઘણા મંદિરોમાં આ દાનની રકમ તો કરોડો માં આંબી જાય છે. મંદિરોમાં આવતા આવા કરોડો માં દાનને લીધે મંદિરના વહીવટોમાં ગેરવહીવટો તથા વિવાદો એ સ્થાન લઈ લીધું છે. ત્યારે અહી બધા જ મંદિરોથી અલગ જ અહી કોઈ દાનપેટી રાખવામા આવેલી નથી. અહી જો મંદિરમાં દર્શન માટે જતાં કોઈ ભાવિક આ વાતથી અજાણ હોય અને પોતાની શ્રધ્ધાથી જલારામ બાપાની ચરણપાદુકા પાસે કે મંદિરમાં અન્ય જગ્યાએ કોઈ દાનની રકમ મૂકે તો મંદિરના સ્વયંસેવકો અત્યંત વિનમ્ર ભાવથી તે સ્વીકારવાનો ઇનકાર કરી દાનની રકમ પરત કરે છે.

આ માટે મંદિરમાં સેવકોની સતત હાજરી હોય છે. કોઈપણ મંદિરમાં દાન સ્વીકારમાં નહીં આવે તેવું કહેવા માટે સેવકો ફરજ બજાવતા હોય તેવું દ્રશ્ય કદાચ કોઈપણ ધર્મસ્થાનમા અનોખું અને આશ્ચર્યજનક ગણાય પણ આ વાત વિરપુરના જલારામ બાપનાં મંદિરમાં સહજ છે.

વિરપુરનું જલારામ બાપનું આ મંદિર ફક્ત ગુજરાત જ નહીં પરંતુ દેશ અને દુનિયાના અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. અને ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જે આ મંદિરમાં દાન નથી લેવામાં આવતું એ વાત થી અજાણ હશે. લોકોના મનમાં એવો પ્રશ્ન પણ જરૂર થાય છે કે કોઈપણ પ્રકારના દાન વગર પણ મંદિર માં રોજ હજારો લોકોને ભોજન પ્રસાદ કઈ રીતે પીરસવામાં આવે છે?

૯ ફેબ્રુઆરી, ૨૦૦૦ ના દિવસે જલારામ બાપનાં આ મંદિરમાં દાન સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું. એ પહેલા મંદિરમાં રોકડ, અનાજ અને એ સિવાય ઘણું દાન આવતું હતું પરંતુ જલારામ બાપાની પાંચમી પેઢીના કાર્યવાહકોએ માત્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વને એક નવી દિશા ચિંધનારો નિર્ણય લીધો અને કોઈપણ પ્રકારનું દાન કે ભેટ નહીં સ્વીકારવાની જાહેરાત કરી. અને કોઇ ભાવિકની શ્રધ્ધાને ઠેસ ના પહોચે એ રીતે સક્ષમ થઈ ગયા હોવાનો ભાવ નહીં પરંતુ સવિનય ઇન્કારનો વિનમ્ર ભાવ પ્રકટ થયો.

દાન નહીં સ્વીકારવાના મુખ્ય કારણમાં એવું કહેવાય છે કે મંદિર પાસે પૂરતું દાન આવી ગયું છે અને તે દાનથી આવનારા ૧૦૦ વર્ષ સુધી સદાવ્રત ચાલતું રહેશે એવું કહેવામા આવે છે. જલારામ બાપનાં આ મંદિરમાં દર વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થતો રહે છે. અત્યારના આ આધુનિક યુગમાં કોઈ ધાર્મિક સ્થળ અને આસ્થાનાં કેન્દ્ર એવા જલારામ મંદિર દ્વારા કોઈપણ પ્રચાર માધ્યમોમાં છવાયેલા રહેવા, પ્રસિધ્ધિ મેળવવા, કોઈપણ જાતની ચર્ચા માં રહેવા કે કોઈપણ જાતની નામનાં મેળવવા માટેના કોઈ પ્રયાસો કરવામાં આવતા નથી એ પણ ખૂબ જ સારી બાબત કહી શકાય છે.

દર વર્ષે જ્યાં દેશના અન્ય મંદિરોમાં કરોડોના દાનના આંકડા જાહેર કરવામાં આવે છે કે આંકડાઓ કોઈ રાજ્યના બજેટ જેટલા હોય છે તેમ છતાં પણ ત્યાં દાન સ્વીકારવામાં આવે છે. ત્યારે જલારામ બાપનાં મંદિરમાં શ્રધ્ધાળુઓ દર્શન કરે પછી મંદિરના સેવકો દ્વારા આગ્રહપૂર્વક પ્રસાદની વિનંતી કરવામાં આવતી હોય તેવી જગ્યા સમગ્ર વિશ્વમાં ક્યાય પણ જોવા ન મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *