કરણી માતાનો ઇતિહાસ : દેશમાં કરણી માતાનું એકમાત્ર એવુ મંદિર જ્યાં 20 હજાર ઉંદરો રહે છે, જાણો ઉંદરવાળા આ દેવી વિશે

Dharma

13મી સદીમાં જોધપુર પહેલાં મંડોર મારવાડની રાજધાની હતી. 1394માં ઈંદા રાજપૂત રાણા ગંગદેવે પોતાની દીકરી લીલાદેના લગ્ન રાવ ચૂંડા સાથે કર્યાં અને મંડોર દહેજમાં આપ્યું. અહીંથી જ મારવાડમાં રાઠોડોના શાસનની શરૂઆત થઈ હતી. જે 1949 સુધી રહ્યું હતું. રાવ ચૂંડાના દીકરો રાવ રિડમલ. તે સમયે મંડોર શક્તિશાળી રાજ્ય નહોતું. મેવાડની ખ્યાતિ ચારેબાજુ ફેલાયેલી હતી. રાવ રિડમલ રાજ્યના રાણા મોકલના ત્યાં સેનાપતિ તરીકે કામ કરતા હતાં. મોકલના ગયા બાદ તેમના દીકરા રાણા કુમ્ભાના રાજમાં પણ સેનાપતિ તરીકે કામ કરવાનું ચાલું રાખ્યું હતું. દરબારી ષડયંત્રને કારણે કુમ્ભાએ રાવ રિડમલની હત્યા કરાવી નાખી હતી. જેને કારણે રિડમલનો પુત્ર જોધા ત્યાંથી ભાગવા મજબૂર બન્યો હતો.

જોધા પોતાની સાથે 700 ઘોડે સવાર લઈને મેવાડની રાજધાની ચિત્તોડના કિલ્લામાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. અનેક જગ્યાએ તેણે ચિત્તોડની સેના સાથે લડાઈ કરી હતી. જ્યારે તે મારવાડની રાજધાની મંડોર આવ્યો ત્યારે તેની પાસે માત્ર 7 જ ઘોડે સવાર હતાં. સંકટની આ ઘડીમાં તેને પિતાની એક વાત યાદ આવી. તેના પિતાએ પણ સંકટની ઘડીમાં જાંગલૂમાં શરણ લીધી હતી. પુત્ર જોધાએ પણ ત્યાં જ શરણ લીધી. જાંગલૂ રાજસ્થાના પશ્ચિમ વિસ્તારમાં આવેલો પ્રદેશ છે. આજે તે વિસ્તારમાં બિકાનારે, ચુરૂ હનુમાનગઢ તથા શ્રીગંગાનગર જેવા શહેરો છે. અહીંયા જોધા તે સ્ત્રીને મળે છે, જેણે તેના પિતાને રાજા બનાવ્યો હતો.

1387માં મારવાડના સુવાપ ગામમાં મેહાજી ચારણના ઘરે છઠ્ઠી દીકરી રિદ્ધાબાઈનો જન્મ થયો. મેહાજી દીકરાની રાહમાં હતાં. લોકકથા છે કે કિશોર કાળમાં રિદ્ધાબાઈએ ફોઈની વાંકી આંગળીને સ્પર્શમાત્રથી ઠીક કરી દીધી હતી. ત્યારબાદ ફોઈએ રિદ્ધાબાઈનું નામ કરણી રાખ્યું હતું. કરણી એટલે ચમત્કાર. લગ્નલાયક થતા પિતા મેહાજીએ કરણીના લગ્ન સાઠિકા ગામના દીપોજી ચારણ સાથે કર્યાં હતાં. લગ્ન બાદ કરણીએ સ્પષ્ટ કહી દીધું હતું કે તેને લગ્નમાં કોઈ રસ નથી. કરણીએ પોતાની નાની બહેન ગુલાબના લગ્ન દીપોજી સાથે કરાવ્યાં અને તે ગૃહસ્થ જીવનથી અળગી રહી હતી.

આ સમયે મારવાડમાં દુકાળ પડ્યો હતો. દોપીજી પોતાના તથા પાલતુ જાનવરોનો જીવ બચાવવા માટે મારવાડના જાંગલૂ તરફ ગયા હતાં. અહીંયા એક ગામમાં આશ્રય લીધો. તે સમય સુધીમાં રાવ ચૂડાનુ નિધન થઈ ચૂક્યું હતું. તેમના પુત્ર કાન્હારાવ/કાનજીનું શાસન આ વિસ્તારમાં હતું. દીપોજી તથા કરણી જાંગલૂના એક ગામમાં હતાં. અહીંયા કાનજીના કેટલાંક સૈનિકોએ કરણી તથા પાલતુ જાનવરોને પાણી પીતા રોક્યા હતાં.

જ્યારે રાવ રિડમલને આ વાતની ખબર પડી તો તેઓ કરણી તથા દીપોજી પાસે આવ્યા અને નજીકના બીડ ગામના ગોચરમાં જવાનું કહ્યું હતું. કરણી બીડ જતી રહેતા કાનજી ગુસ્સે થયો. ત્યાં જઈને કાનજીએ કરણીને આદેશ આપ્યો કે તે તેનું રાજ્ય છોડીને જતી રહે. કરણીએ સામે શરત રાખી કે જો તે તેની પૂજાની પેટી બળદગાડા પર મૂકી દેશે તો તે રાજ્ય છોડીને જતી રહેશે. કાનજીએ ઘણો જ પ્રયાસ કર્યો પરંતુ તે પેટી ઉંચકીને મૂકી શક્યો નહીં. કાનજીએ ક્રોધિત થયો અને તેણે કરણીને પૂછ્યું કે જો તે જાદૂ કરતી હોય તો કહે કે તે ક્યારે મરશે. કરણીએ તેને ચેતવણી આપી હતી કે તે માત્ર 1 વર્ષ જ જીવશે. ત્યારબાદ કરણીએ જમીન પર એક રેખા બનાવી અને કહ્યું હતું કે આ રેખા જ તેની જીવનરેખા છે. જો તે આ રેખા પાર કરશે તો મૃત્યુ પામશે. કહેવાય છે કે કાનજીને ચેતવણી આપી હોવા છતાંય તેણે રેખા પાર કરવાનો પ્રયાસ કર્યો અને તેનું નિધન થયું. ત્યારબાદ કરણીએ કાનજીના નાના ભાઈ રિડમલને જાંગલૂનો રાજા બનાવી દીધો હતો. આ જ રિડમલ જોધાનો પિતા હતો. આ ઘટના બાદ કરણી સામાન્ય સ્ત્રીમાંથી એક આધ્યાત્મિક ગુરૂ તરીકે પૂજાવા લાગી. લોકો તેને કરણીમાતા કહેવા લાગ્યા.

ચિત્તોડથી ભાગ્યા બાદ જોધા હવે જાંગલૂમાં કરણીમાતા પાસે આવ્યો અને તેની પાસે હવે કંઈ જ રહ્યું નહોતું. કરણીમાતાએ તેને ખરાબ સમયમાં મદદ કરી. તેને રહેવાની વ્યવસ્થા કરી આપી. ત્યારબાદ સૈન્ય તથા સંપત્તિ એકત્ર કરવામાં પ્રોત્સાહિત કર્યો હતો. જોધા ધીરે ધીરે પોતાની સંપત્તિ અને સૈન્ય દળ ભેગું કરવા લાગ્યો હતો. ત્યારબાદ તેણે મારવાડના એક પછી એક વિસ્તારોને જીતવાનું શરૂ કર્યું. પોતાના નિર્વાસનના 15 વર્ષ બાદ 1453માં જોધાએ ફરીવાર મંડોર પર વિજય મેળવ્યો હતો.

મંડોર જીત્યા બાદ જોધાને એ વાત સમજાઈ ગઈ હતી કે રાજધાની તરીકે મંડોર સુરક્ષિત નથી. રાવ જોધાએ રાજધાની મંડોરથી દક્ષિણ તરફ 9 કિમી દૂર લઈ ગયો. અહીંયા એક ઉંચી ટેકરી હતી. જેના પર ચિડિયાનાથ નામના જોગી સંત રહેતા હતાં. આ જ કારણથી આ ટેકરીને ચિડિયાટૂક ટેકરી પણ કહેવાતી હતી. જોધાને આ જગ્યા પસંદ આવી અને અહીંયા નવી રાજધાની બનાવવાનો નિર્ણય કર્યો. 12 મે, 1459ના દિવસ ચિડિયાટૂક ટેકરી પર નવા કિલ્લાનો પાયો નાખવામાં આવ્યો હતો. જોધાને કરણીમાતામાં અપાર શ્રદ્ધા હતી. તે પોતાનો ખરાબ સમય ભૂલ્યો નહોતો. જોધાની વિનંતીને માન આપીને કરણી નવા કિલ્લાનો પાયા નાખવા માટે દેશનોક ચિડિયાટૂક આવી હતી.

કહેવાય છે કે રાવ જોધાની કડવી વાતોથી નારાજ થઈ તેના નાના પુત્ર બીકાએ મેહરાનગઢ છોડી દીધું હતું. તેણે જતા જતા કહ્યુ હતુ કે તે પોતાનું રાજ્ય અલગ બનાવશે. 1465માં જ્યારે બીકા નિકળ્યો ત્યારે તેની પાસે 100 ઘોડે સવાર તથા 500 પાયદળ જેટલી સેના હતી. તેની સાથે કાકા રાવત કાંધલ હતાં. બીકા પણ જાંગલૂ ગયો. તેણે પણ કરણીમાતાની શરણ લીધી. કરણીમાતાની સલાહ પર તેણે જાંગલૂના નાના ગ્રામ રાજ્યો પર પોતાની જીત મેળવી.

રાજસ્થાનનો પશ્ચિમ વિસ્તાર જાંગલૂ તરીકે ઓળખવામાં આવે છે. હાલ આ વિસ્તારમાં બીકાનેર, ચુરૂ, હનુમાનગઢ, ગંગાનગર જેવા શહેરો આવેલા છે. જાંગલૂનો ઉલ્લેખ મહાભારતમાં જાંગલ દેશ તરીકે કરવામાં આવ્યો હતો.

પછી તેને જાંગલૂ તરીકે ઓળખવામાં આવ્યું. બીકાના આવ્યા પહેલાં અહીંયા જાટોની સાત જાતિઓ નાના-નાના ગણરાજ્યોમાં રહેતી હતી. ગોત્રના હિસાબે તેમના અલગ-અલગ વિસ્તાર વહેંચાયેલા હતાં. આ વિસ્તારોને ‘સાત પટ્ટી, સત્તાવન માંઝ’ તરીકે ઓળખવામાં આવતા હતાં. આમાં સૌથી મોટું ગોત્ર ગોદારા. ગોદારા જાટોના ચૌધરી, પાંડુ, સારણ ગોત્રના ચૌધરી પૂલા સારણની પત્ની મલકીને ભગાડીને પોતાના ઘરે લાવ્યો હતો. ત્યારબાદ સારણ ચૌધરી પૂલાએ પૂનિયા, બેનીવાલ, જોહિયા, સિહાગ તથા કસ્વાં ચૌધરીઓનો સાથે લઈને ગોદારા ગોત્ર વિરૂદ્ધ યુદ્ધ કર્યું હતું.

તો આ બાજુ બીકા પોતાના માટે નવા રાજ્યની શોધમાં હતો. જાંગલૂમાં સારણ ચૌધરી તથા ગોદારા વચ્ચે યુદ્ધ હતી. બીકાએ જાંગલૂમાં ચાલતા યુદ્ધમાં સારણ ચૌધરીની મદદ કરી અને સારણે જોધાની આધિનતા સ્વીકારી. તેમની વચ્ચે થયેલી સંધી મુજબ બીકાને ચૌધરીને આધીન 300 ગામમાં પ્રતિ પરિવાર દીઠ એક રૂપિયો તથા પ્રતિ 100 વીઘા ખેતર પર 2 રૂપિયા કર વસૂલવાનો હક મળ્યો હતો.

ગોદારાના પતન બાદ બીજા જાટ ગોત્રોએ એક-એક કરીને બીકાની આધીનતા સ્વીકારી લીધી હતી. જોધપુરમાંથી નીકળ્યા બાદ કેટલાંક વર્ષોમાં જ બીકા 2500 ગામોનો માલિક બની ગયો હતો. આ રીતે રાજસ્થાનમાં રાઠોડો બાદ બીજા મોટા રાજ્યની સ્થાપનાનો રસ્તો ખુલ્યો હતો. ત્યારબાદ આ વિસ્તાર બીકાનેરથી જાણીતો બન્યો. હવે, બીકાને નવી રાજધાનીની જરૂર ઉભી થઈ. 1485માં બીકાનેર કિલ્લાનો પાયો બનાવ્યા બાદ દેશનોકમાંથી કરણીમાતાને બોલાવવામાં આવ્યા. આમ જોવા જઈએ તો બે મોટા રાજપૂત સમાજની સ્થાપનામાં કરણીમાતાની મહત્વની ભૂમિકા છે.

બીકાએ જ્યારે બીકાનેરની સ્થાપના કરી ત્યારે તેની બાજુમાં આવેલો ભાટી રાજપૂત અસહજ સ્થિતિમાં હતો. જાંગલૂની આગળ થાર પર ભાટી રાજપૂતોનો હિસ્સો બીકા પહેલાં જાંગલૂ, ભાટી, રાઠોડ રાજપૂતોની વચ્ચે બફર ઝોન જેવો હતો. જાંગલૂમાં બીકાએ આધિપત્ય જમાવતા ભાટી રાજપૂતો અસહજ થાય તે સમજી શકાય તેવી વાત છે. કરણીમાતાએ તણાવભરી સ્થિતિમાં હસ્તક્ષેપ કર્યો હતો અને બીકાના લગ્ન પૂગલના ભાટી શાસક શેખાની દીકરી રંગ કુંવર સાથે કરાવ્યા હતાં. જેને કારણે યુદ્ધનો ખતરો ટળી ગયો હતો.

જે સમયમાં કરણી માતા આ દુનિયામાં હતી, તે સમયે સામંતોના દરબારી કવિઓ સુંદર સ્ત્રીઓ કેવી હોય તેના પર કવિતા રચતા હતાં. તેના દાંત દાડમ જેવા, તેની ચાલ હાથણી જેવી.. આ જ સમયે કરણી માતા હતી, જે પુરૂષોની જેમ દાઢી તથા મૂંછો રાખતી હતી. ચહેરા પર ઉગેલી દાઢી ક્યારેય દૈવીય સ્વરૂપમાં વચ્ચે આવી નહીં. તે પોતાની શરતો પર જીવ્યા અને આજે પણ ભક્તો તેને એ જ સ્વરૂપમાં પૂજા કરે છે. દેશનોકમાં કરણીમાતાનું ભવ્ય મંદિર છે.

કરણીમાતાની બહે તથા દીપોજી ચારણના ઘરે ચાર પુત્રો જન્મ્યા. કરણીમાતા આ ચારેય બાળકોને પોતાના સંતાનોની જેમ પ્રેમક રતી હતી. ત્યારબાદ આ ચાર બાળકોના વંશજ દેપાવત ચારણ તરીકે ઓળખાવા લાગ્યા. દેપાવત એટલે કે દેપાના પુત્રો. ચારેય કરણી માતા સાથે જ રહેતા હતાં. કરણી માતાના નિધન બાદ આ પરિવાર તેમના મંદિરનો પૂજારી બનીને રહેવા લાગ્યો હતો. દેશનોકમાં જ્યાં કરણીમાતાનું મંદિર છે, ત્યાં આજે પણ દેપાવત ચારણો ચાર મહોલ્લામાં વસેલા છે.

માન્યતા છે કે દેપાવત કરણી માતાના પરિવારના સભ્યો છે. આથી જ તેમને સ્વર્ગ તથા નરકના ચક્કરમાંથી મુક્તિ મળેલી છે. જો કોઈ દેપાવત ચારણ મૃત્યા પામે છે, તો કરણી માતાના મંદિરમાં ઉંદર બનીને જન્મે છે. જેને સ્થાનિક ભાષામાં કાબા કહેવામાં આવે છે. અને કરણીમાતાના મંદિરમાં સેંકડો ઉંદરો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *