એસી વગર આ ગામના મકાનો રહે છે એકદમ ઠંડા, જાણો કચ્છમાં આવેલા આ ગામની વિશેષતા…

Story

ગરમીના દિવસો આવી ગયા છે, આવામાં ઘરને ઠંડક રાખવા લોકો અનેક પ્રયાસો કરે છે. આજે જે પ્રકારે શહેરોમા બાંધકામ થાય છે, તેનાથી ઘરમા ગરમી વધુ લાગે છે, જેથી લોકોને આખા દિવસ એસી લગાવીને રહેવુ પડે છે. ઘરોમાં ચોવીસ કલાક એસી ચાલુ હોય ત્યારે જઈને રાત્રે ઊંઘ આવે છે. પણ ગુજરાતનું એક ગામ એવુ છે, જેના એક-બે નહિ પણ 600 થી વધુ ઘરો એસી જેવા છે. ગરમીમાં પંખો પણ લગાવવાની જરૂર ન પડે એવા આ ઘરો છે. બ્રિટિશરોએ વસાવેલા આ ગામમાં એસી વગર પણ એસી જેવી ઠંડક અનુભવાય છે. આ માટે 148 વર્ષ જૂનો ઈતિહાસ જાણવો પડે.

આ ગામનું નામ છે ખારાઘોડા છે. ગામના 600 થી વધુ મકાનો એવા છે, જેમાં બહાર 48 ડિગ્રીનો ધોમધખતો તાપ પડતો હોય, તો પણ અંદર ઘરમાં એસી જેવી ઠંડક અનુભવાય છે. આ પાછળ કારણભૂત છે તેની બાંધકામ શૈલી. અંગ્રેજોએ આ ઘરોનુ બાંધકામ એવુ કર્યુ છે કે, અહી ગરમીમાં વધુ ગરમી ન લાગે, અને ઠંડીમાં વધુ ઠંડી ન લાગે.

આ વિશે ખોરાઘડાના ઈતિહાસના જાણકાર અંબુભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું કે, 1850 માં જ્હોન પ્લે વૂડના નામના બ્રિટિશ અને વિલયમ્સ બંનેએ મીઠાનો વેપાર કરવાની શક્યતા જોઈને કચ્છના નાના રણનો 20 વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. તેઓએ અહીં રહીને સ્થાનિક લોકોનું કલ્ચર જાણ્યું, લોકોની રોગપ્રતિકારક શક્તિ, પવનની ઝડપ, ચોમાસાના દિવસો વગેરેનો અભ્યાસ કર્યો. તેના બાદ તેમણે નક્કી કર્યું કે, ખારાઘોડા એ બ્રિટિશરો માટે મીઠાનો વેપાર કરવા બેસ્ટ સ્થળ છે. 1972 માં બ્રિટિશરોએ ખારાઘોડાની અંદર એક નવા ગામ કરીને એક નવુ ગામ વસાવ્યું. ત્યાર બાદ મીઠુ પકવવા અગરિયાની જરૂર છે તેવી જાહેરાત કરી હતી અને પ્રિચાર્ડ સોલ્ટ વર્કર્સ નામથી સોલ્ટ વર્કસ યુનિટ શરૂ કર્યું. તે સમયે 900 અગરિયા પરિવારોને લઈને મીઠાનુ ઉત્પાદન શરૂ કર્યું. આ માટે બહારથી અધિકારીઓને બોલાવવામા આવ્યા. જેમના માટે અંગ્રેજોએ 600 થી વધુ મકાનો બંધાવ્યા હતા.

આ મકાનોની ખાસિયત એ છે કે, તે ગૌથિક શૈલીથી બનાવવામા આવ્યા છે. આ શૈલીમા ભૂમિતિના ખાસ પ્રકારના ગણતરી પર મકાન બાંધવામાં આવે છે. વિલિયમ્સે જે સરવે કર્યો હતો, તેમાં જાણ્યું કે, ભૂકંપ માટે જોખમી ઝોન આ વિસ્તાર છે. તેથી ભૂકંપ પ્રતિરોધક બાંધકામ આ ગામમાં કરવામાં આવ્યું. મકાનોમાં દિવાલોની અંદર લોખંડના એન્ગલ નાંખી ફ્રેમિંગ કરાયું છે. જેથી ભૂકંપમાં પણ ગામને નુકસાન થયું નથી. કહેવાય છે કે, કચ્છના ભૂકંપમાં પણ આ ગામને કોઈ નુકસાન થયુ ન હતું. એવુ પણ કહેવાય છે કે, મકાનની દિવાલ પડે તો બહાર પડે પણ અંદર ન પડે તેવી વ્યવસ્થા છે.

ગોઠિક શૈલીના મકાનોની ખાસિયત પર એક નજર કરીએ તો, આ બાંધકામમાં મકાનની હાઈટ વધુ હોય છે, વેન્ટીલેશન પૂરતુ હોય તો ગરમ હવા ઉપર સ્થિર રહે. આ કારણે ઠંડીનુ હવાનું નીચે આવનજાવન થતુ રહે છે. વધુ ઊંચાઈ હોવાથી મકાનમાં ઠંડક અનુભવાય છે. મકાનમાં ઉપર દેશી નળિયા ડબલ લેયરમા નાંખવામાં આવ્યા હતા. સામાન્ય રીતે એક જ લેયરમા નાંખવામાં આવે છે. તેમજ મકાનની દિવાલની જાડાઈ 18 ઈંચની છે, જેથી ગરમી શોષાઈ જાય છે.

આજે 148 વર્ષે પણ આખેઆખુ ગામ એમ ને એમ સલામત છે. સમયની સાથે 95 ટકા મકાનો હજી પણ છે. માત્ર 5 ટકા જ નાબૂદ થયા છે. આજે આ મકાનો હિન્દુસ્તાન સોલ્ટના તાબામાં છે, જેમાં મીઠામાં કામ કરતા કર્મચારીઓ અને અગરિયા રહે છે. પહેલી નજર જોઇએ ત્યારે જાણે કે ૨૦૦ વર્ષ પહેલાના યુરોપના ગામડામાં આવી ગયા હોય એવું ફિલ થાય છે. ભારતમાં મુંબઇનું ચર્ચગેટ પણ આ શૈલીના દર્શન થાય છે. રોમ વાસ્તુકળામાંથી ઉતરી આવેલી આ ગૌથિક શૈલી રણમાં મીઠું પકવતા અગરીયાઓ માટે અંગ્રેજો દ્વારા વિકસાવવામાં આવેલા ખારાઘોડા ગામે સચવાયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *