ભાવનગરની જૂની રાજધાની સિહોરથી 7 થી 8 કિ.મી.ના અંતરે જગપ્રસિધ્ધ રાજપરાવાળા ખોડિયાર માતાજીનું સ્થાનક આવેલું છે. અહીં ખોડિયાર માઁ ડુંગરોની હારમાળા અને કુદરતી સૌંદર્ય વચ્ચે બિરાજમાન છે. જ્યાં સાક્ષાત ખોડિયાર માતાના બેસણા છે તેવા લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર રાજપરા ખોડિયાર મંદિરનો ઈતિહાસ ઘણો જૂનો છે. ભાવનગર જિલ્લામાં આવેલું ખોડિયાર માતાનું મંદિર સુપ્રસિદ્ધ છે. ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રાજપરા ગામમાં આ ખોડિયાર મંદિર આવેલું છે. આ સ્થળ હરવા, ફરવા અને ઉજવણીના સ્થળ તરીકે જાણીતું છે.
રાજપરા ખોડીયાર મંદિર ભાવનગરથી જતા દરેક ભક્તો આ મંદિર પર અચૂક દર્શન કરે છે. આ મંદિર નારી ચોકડીથી નવ કિલોમીટરના અંતરે આવેલું છે. પરંતુ મોટાભાગના લોકો ત્યાંથી ચાલીને જવાનું પસંદ કરે છે. રાજપરા મંદિરનું બાંધકામ 1930 થી 1932 ની અંદર ભાવનગર રાજ પરિવારે કરાવ્યું હતું. માતાના ભક્તો દર રવિવારે અને મંગળવારે આ શકિતપીઠ જેવા તીર્થધામે આવી માતાની કૃપા મેળવવા પૂજા-અર્ચના તથા પાઠવીધી કરે છે.
તાંતણિયા ધરાવાળા માઁ ખોડલનું જન્મસ્થાન રોહિશાળા ગામ છે. પરંતુ તેમના બેસણાં સિહોર નજીકના રાજપરા ગામે તાંતણિયો ધરા ખાતે છે, એટલે રાજપરા ખોડિયાર માઁને તાતણિયા ધરાવાળા ખોડલ તરીકે પણ ઓળખાય છે. સંત, શૂરા અને ભક્તોની ભૂમિ ગોહિલવાડમાં ખોડિયાર માતાજી હાજરા હજૂર દેવી છે. રાજપરા ખોડિયાર મંદિર સાથે જોડાયેલી કથા મુજબ તે ભાવનગરના રાજવી મહારાજા આતાભાઈ ગોહિલ ખોડિયાર માતાના ભક્ત હતા.
આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે. જે તાંતણીયા ધરા તરીકે પ્રખ્યાત છે. જેથી આ મંદિર તાંતણિયા ધરાવાળા ખોડિયાર તથા રાજપરાવાળા ખોડિયાર તરીકે ભારતભરમાં તથા દેશ વિદેશમાં પ્રખ્યાત છે. આ મંદિર ચારો તરફ કુદરતી સૌંદર્ય વચ્ચે ઘેરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે.
ભાવનગરના ગોહિલ વંશના પ્રજાવત્સલ રાજા પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાનું સ્થાપન રાજધાનીમાં કરવા ઈચ્છતા હતા. જેથી આ રાજવીએ ખોડિયાર માતાને રાજપરા નજીક ભાવનગર આવા પ્રસન્ન કર્યા હતા. માતાએ પ્રસન્ન થયા અને તે તેની સાથે જવા તૈયાર પણ થયા પરંતુ માતાએ એક શરત મૂકી કે, “હું તારી પાછળ આવીશ પણ તારે પાછું વળીને જોવાનું નહી.” રાજાએ આ શરતનો સ્વીકાર કર્યો અને બંને ત્યાંથી ચાલતાં થયા.
મહારાજા આગળ અને પાછળ મા ખોડિયાર ચાલતા હતા. પણ વરતેજ આવ્યા ત્યારે મહારાજાના મનમાં શંકા ઊભી થઈ કે ખોડીયાર માતા પાછળ આવે છે કે નહી. આ શંકા વધવા લાગી. રાજાથી રહેવાયું નહીં તેથી તેણે પાછળ વળીને જોયું. માતાજીના ના કહેવા છતાં રાજાએ પાછું વળીને જોયું તેથી માતા ત્યાં જ સમાઈ ગયા. આ જ સ્થળે માતાજીનું સ્થાનક થયું જે આજે વરતેજ નજીકનું સુપ્રસિદ્ધ રાજપરાનું મંદિર ખોડિયાર મંદિર છે.
ખોડિયાર માતાજીનું જન્મસ્થાન રોહિશાળા ગામ છે. ચારણ જ્ઞાાતિમાં જન્મેલા માઁ ખોડલ સાત બહેનમાં સૌથી નાના હતા. ખોડિયાર માતાજીને એક ભાઈ પણ હતા. શિવઉપાસક તેમના પિતાની ભક્તિથી પ્રસંન્ન થઈ શિવજીએ આપેલા વરદાનથી નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્રએ અવતાર ધારણ કરી મહા સુદ આઠમના દિવસે ચારણ પરિવારમાં જન્મ લીધો હતો. દર વર્ષે મહા સુદ-8ના રોજ ખોડિયાર જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવે છે. ભક્તો ખોડિયાર માતાના જન્મસ્થાને પણ શિશ નમાવવા મોટી સંખ્યામાં રોહિશાળા ગામે પહોંચે છે.