જો તમે પણ સસ્તી ઈલેક્ટ્રિક કારની રાહ જોઈ રહ્યા છો, તો તમારું સપનું ટૂંક સમયમાં પૂરું થવા જઈ રહ્યું છે. ભારતમાં સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર લોન્ચ થવાની છે. મુંબઈની ઈલેક્ટ્રિક વાહન ઉત્પાદક પીએમવી ઈલેક્ટ્રિક ભારતમાં તેની પ્રથમ ઈલેક્ટ્રિક કાર લાવવાની છે. કંપની 16 નવેમ્બરે EaS-E નામની માઇક્રો ઇલેક્ટ્રિક કાર રજૂ કરશે. કંપનીએ સત્તાવાર રીતે આ નાની કારનું પ્રી-બુકિંગ પણ શરૂ કરી દીધું છે. ગ્રાહકો માત્ર રૂ.2,000માં સત્તાવાર વેબસાઇટ દ્વારા આ વાહન બુક કરાવી શકે છે.
તેના ફીચર્સ આ પ્રમાણે હશે
આ સાઇઝમાં કોમ્પેક્ટ કાર હશે, જેમાં 4 દરવાજા આપવામાં આવ્યા છે. જો કે, આગળના ભાગમાં માત્ર એક જ સીટ અને પાછળના ભાગમાં માત્ર એક જ સીટ હશે. તેમાં રિમોટ પાર્કિંગ આસિસ્ટ, રિમોટ કી કનેક્ટિવિટી, ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, યુએસબી ચાર્જિંગ પોર્ટ અને ક્રૂઝ કંટ્રોલ જેવા ફીચર્સ આપવામાં આવશે. મુસાફરોની સુવિધા માટે, વાહનમાં સ્ટીયરીંગ માઉન્ટેડ કંટ્રોલ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, રીમોટ કીલેસ એન્ટ્રી, પાવર વિન્ડો અને રીઅર વ્યુ કેમેરા જેવી સુવિધાઓ પણ મળી શકે છે.
ચાર્જિંગ અને કિંમત
કંપનીનો દાવો છે કે આ વાહન 3 kW AC ચાર્જર દ્વારા 4 કલાકથી ઓછા સમયમાં ફુલ ચાર્જ થઈ શકે છે. તેની બેટરી 5-8 વર્ષ સુધી ચાલશે. આ કારનું વ્હીલબેઝ 2,087 mm અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 170 mm હશે.
આ કારને ત્રણ વેરિઅન્ટમાં લાવવામાં આવી શકે છે, જેમાં 120 કિમી, 160 કિમી અને 200 કિમીની રેન્જ આપવામાં આવશે. આ કારની કિંમત 4 લાખથી 6 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે હાલમાં, Tata Tigor EV સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે, જેની કિંમત 8.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે.