મધ્યપ્રદેશને ભારતનું હૃદય કહેવામા આવે છે. અહી એકથી વધુ ઐતિહાસિક પર્યટન સ્થળો છે જેની ખ્યાતિ દૂર-દૂર સુધી ફેલાયેલી છે. તેમાં ખજુરાહોના મંદિરો અને ભોપાલમા તાજ-ઉલ-મસ્જિદ જેવા સ્થાનો અને ભીમ બેટકા રોક આશ્રયસ્થાનોનો સમાવેશ થાય છે. જો તમે આવા લોકપ્રિય સ્થળોની મુલાકાત લીધી હોય તો પછી આ સિવાય તમે ઘણી રસપ્રદ જગ્યાઓ જાણી શકશો. ચાલો જાણીએ મધ્યપ્રદેશના આવા કેટલાક ન જોયા હોય તેવા સ્થળો વિશે કે જેના વિશે લોકો વધારે જાણતા નથી.
૧) ઓરછા :– મધ્યપ્રદેશનો ઓરછા પોતાના મહેલો, મંદિરો અને કિલ્લાઓ માટે જાણીતો છે. એક સમયે તે બુંદેલા રાજપૂતોની રાજધાની હતી. બેતવા નદીના કિનારે વસેલા આ શહેરમાં કંચન ઘાટ સ્થિત ચતુર્ભુજ મંદિર, રાજા રામ મંદિર, જહાંગીર મહેલ, લક્ષ્મી નારાયણ મંદિર, હનુમાન મંદિર, પરવીન મહેલ, શીશ મહેલ છે. જેની સુંદરતા નજરે પડે છે.
ઓર્ચાના કિલ્લાની વાત કરીએ તો તે મહારાજા રુદ્ર પ્રતાપે બંધાવ્યો હતો. આ કિલ્લામા બીજી ઇમારતો પણ જોઈ શકાય છે. જે અહીંના શાસન કરનારા પછીના રાજાઓ દ્વારા બનાવવામા આવી હતી. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો ઐતિહાસિક કિલ્લો અહીંથી માત્ર ૧૬ કિ.મી દુર છે.
૨) મહેશ્વર :– મહેશ્વરને અહલ્યાબાઈ હોલકરની ભૂમિ તરીકે પણ ઓળખવામા આવે છે. મહારાણી અહલ્યા બાઇ હોલકરે માલવા રાજ્ય ઉપર શાસન કર્યું હતુ. તેમના શાસનના થોડા સમય પછી તે નર્મદા નદીના કાંઠે આવેલા ઈન્દોરની દક્ષિણે મહેશ્વરમા સ્થાયી થયા હતા.કુંભરના યુદ્ધમા અહલ્યાબાઈના પતિ ખંડેરાવ હોલકર માર્યા ગયા હતા.
આ પછી તે માલવા રાજ્યની રાણી બન્યા હતા. અહલ્યાબાઈએ પોતાના રાજ્યને આક્રમણકારોથી બચાવવા માટે તમામ સંભવિત પગલા લીધા હતા. અહિયાં અહિલ્યા કિલ્લો પણ આવેલો છે જે તેના ભૂતકાળની વાર્તા કહે છે. મહેશ્વર પોતાની મહેશ્વર સાડીઓ માટે પણ ઘણુ ચર્ચિત છે.
૩) બુરહાનપુર :– ભારતમા વિશ્વ વિખ્યાત તાજમહેલ વિશે બધાને ખબર જ હશે. મોગલ બાદશાહ શાહજહાએ પોતાની પત્ની મુમતાઝ મહેલની યાદમા તાજમહેલ બનાવ્યો હતો. પરંતુ બાળકને જન્મ આપતી વખતે મુમતાઝ નું મહેલની અંદર મૃત્યુ થયુ હતુ. મુમતાઝ નું મૃત્યુ થયુ તે સ્થળ બુરહાનપુર છે. એવુ માનવામા આવે છે કે તાજમહલ બનાવવાની શાહજહાને પ્રેરણા અહીંની એક પેઇન્ટિંગથી આવી હતી.
બુરહાનપુરનો ઇતિહાસ ખૂબ રસપ્રદ રહ્યો છે. એક સમયે તેના ઉપર ફારુકી રાજવંશ શાસન કરતુ હતુ. શહેરની સ્થાપના ફારુકી શાસકો દ્વારા કરવામા આવી હતી. ત્યારબાદ આ સ્થાન ઉપર મુઘલોએ શાસન કર્યું હતુ. આજે પણ બુરહાનપુરની જૂની ઇમારતો જોઇને સુવર્ણ ઇતિહાસની ઝલક અહી મળી શકે છે.
૪) પેંચ નેશનલ પાર્ક :- મધ્યપ્રદેશમા દેશના પ્રખ્યાત રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. કાન્હા ટાઇગર રિઝર્વ, બંધવગઢ નેશનલ પાર્ક, પન્ના નેશનલ પાર્ક અને સતપુરા ટાઇગર રિઝર્વ જેવા સ્થળોએ વન્યપ્રાણીઓને તેની કુદરતી જગ્યામા જોઇ શકાય છે. પરંતુ મધ્યપ્રદેશના પેંચ નેશનલ પાર્ક વિશે ઓછા લોકો જાણે છે. અહી રોયલ બંગાળના વાઘને ફરતો અને ગર્જના કરતો જોઇ શકાય છે. આ ઉદ્યાનમા ઘણી ઝૂંપડીઓ બનાવવામા આવી છે જ્યા રહીને વન્યપ્રાણીઓ જોઈ શકાય છે.