મગ ખૂબ જ શક્તિવર્ધક છે એટલે કે એક લીટર દૂધમાં જેટલી શક્તિ છે તેટલી જ ૧૦૦ ગ્રામ મગ માં રહેલી છે. જેટલી શક્તિ ઘી ખાવાથી પ્રાપ્ત થાય છે. તેટલી જ શક્તિ મગ ખાવાથી પ્રાપ્ત થાય છે. માંદા નું ભોજન મગ છે. એમ સાજા વ્યક્તિઓનું ભોજન પણ મગ છે. મગ ખાવાથી આપણા હાડકાં પણ મજબૂત રહે છે તેથી લાંબી ઉંમરે હાથ પગ કે ગોઠણ નાં દુખાવા પણ બિલકુલ થતા નથી.
મગ ખાવાથી બાળક બહુ ઓછું બીમાર પડે છે અથવા તો બીમાર જ પડતું નથી. મગના ભોજનથી બાળક તેજસ્વી અને બુદ્ધિશાળી થાય છે તેથી જ કહ્યું છે કે “મગ લાવે પગ” મગ સોજાને ઉતારે છે. મગ મેદ ઉતારે છે. મગ પેટના રોગોને મટાડવામાં ઉપયોગી છે. ઢોકળા એ નાના બાળકોથી લઈને મોટા દરેકને પંસદ હોય છે. અડદની/ચણાની દાળ અને ચોખા વડે ઢોકળા બનાવતા હોઈએ છીએ પરંતુ આ મગ વડે સહેલાઈથી બનતા ઢોકળા સ્વાદિષ્ટ તો લાગે છે અને પોષ્ટિક પણ છે.

સામગ્રી:- 1/2 વાટકી આખા લીલાં મગ, 4 ચમચી ચોખા, 2 ચમચી અડદની દાળ, 2 ચમચી દહીં, 1/4 કપ ફણગાવેલા બાફેલા મગ (નાખવા માંગો તો), 1 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી લીલાં મરચાંની પેસ્ટ, સ્વાદાનુસાર મીઠું, 1/4 ચમચી ઈનો, 1/4 ચમચી લીંબુનો રસ, 3 ચમચી તેલ
વઘાર માટે:- 3 ચમચી તેલ, 1/2 ચમચી રાઈ, ચપટી હિંગ, મીઠાં લીમડાના પાન, ચાટ મસાલો
બનાવાની રીત:- સૌપ્રથમ મગ, ચોખા અને અડદની દાળ 4 કલાક સુધી પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ બરાબર ધોઈ મિક્સર દહીં ઉમેરીને વાટી ખીરું તૈયાર કરો. ખીરું 30 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો. 30 મિનિટ બાદ ઢોકળા માટે પાણી ગરમ કરવા મૂકવું અને ખીરું માં આદું મરચાં ની પેસ્ટ મીઠું અને મગ ઉમેરી બરાબર મિકસ કરી લો.

હવે ઢોકળાની થાળીમાં તેલ લગાવી દો. એક વાટકીમાં તેલ, ઈનો , લીંબુનો રસ અને 1 ચમચી ગરમ પાણી મિક્સ કરી બરાબર હલાવી ખીરું માં ઉમેરો બરાબર મિક્સ કરી ખીરું થાળી માં રેડી દો. હવે થાળી કૂકરમાં મૂકી 10 થી 12 મિનિટ સુધી બાફી લો.
હવે થાળી ઠંડી થાય એટલે તેમાં કાપા પાડી વઘાર કરી રેડી દો.તૈયાર થયેલા ઢોકળા સર્વીંગ ડીશ માં કાઢી ઉપર ચાટ મસાલો છાંટી લો.
ફોટો & રેસિપી:- ઉર્મી દેસાઈ