ભારતમાં અહીં સ્થિત છે રામાયણના જટાયુની 70 ફૂટ ઊંચી મૂર્તિ, જાણો આ પ્રાચીન જગ્યા વિશે…

Story

ધાર્મિક મહાકાવ્ય રામાયણને આપણા દેશમાં ઘણી માન્યતા છે. એટલું જ નહીં, આ મહાકાવ્યમાં ઉલ્લેખિત સ્થળોને ધાર્મિક સ્થળોનો દરજ્જો છે. શ્રી રામની આ ગાથામાં એક એવું પાત્ર હતું જેની વીરતા જોઈને શ્રી રામ પણ નમી ગયા. એ હતા જટાયુ અને આજે અમે તમને જટાયુથી સંબંધિત એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની ખ્યાતિ આખી દુનિયામાં ફેલાઈ ગઈ છે.

કેરળમાં આવેલું છે જટાયુ પાર્ક:
કેરળના કોલ્લમમાં સ્થિત જટાયુ પાર્ક ભારતના ગૌરવપૂર્ણ ઐતિહાસિક, પૌરાણિક અને સાંસ્કૃતિક સ્થળોમાંનું એક છે. સુંદર મેદાનોમાં વસેલા આ પાર્ક વિશે ખૂબ જ રસપ્રદ માહિતી જાણવા જેવી છે. જો તમે પણ કોલ્લમની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તમારે આ પાર્ક વિશે જાણવું જ જોઈએ.

વિશ્વની સૌથી મોટી પક્ષીની પ્રતિમા:
65 એકરમાં ફેલાયેલું આ જટાયુ નેચર પાર્ક કેરળના કોલ્લમ જિલ્લાના ચદયમંગલમ ગામમાં આવેલું છે. આ પાર્કમાંથી તમે પહાડોનો સુંદર નજારો મેળવી શકો છો. આ પાર્કની સૌથી ખાસ વાત અહીં સ્થાપિત પૌરાણિક પક્ષીની મૂર્તિ છે. 200 ફૂટ લાંબી આ મૂર્તિ 150 ફૂટ પહોળી અને 70 ફૂટ ઊંચી છે. આ મૂર્તિ ભારતની સૌથી મોટી શિલ્પ તેમજ વિશ્વની સૌથી મોટી પક્ષી શિલ્પમાંની એક છે.

જટાયુને સમર્પિત છે આ ઉદ્યાન:
સ્થાનિક લોકોની માન્યતા મુજબ જ્યારે રાવણ સીતાને પોતાની સાથે લઈ જઈ રહ્યો હતો ત્યારે જટાયુએ તેને બચાવવા માટે રાવણ સાથે યુદ્ધ કર્યું હતું. રાવણના હાથે ઘાયલ થઈને જટાયુ ચદયમંગલમમાં પર્વતની ટોચ પર પડયા હતા.

જટાયુએ ખૂબ જ પરાક્રમથી રાવણ સાથે યુદ્ધ કર્યું, પરંતુ વૃદ્ધાવસ્થાના કારણે તે રાવણથી જીતી શક્યાં નહીં અને હારીને નીચે પડી ગયા. જે બાદ તેઓ ઘાયલ અવસ્થામાં ભગવાન રામને મળ્યા અને તેમને માતા સીતાના અપહરણની જાણકારી આપી.

કહેવાય છે કે પહાડીની ટોચ પર જ્યાં જટાયુ રામને મળ્યા હતા અને પ્રાણ ત્યાગ કર્યો હતો, ત્યાં તેમની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. જટાયુ એ પક્ષીની પ્રતિમામાં બનેલ ઑડિયો-વિઝ્યુઅલ આધારિત ડિજિટલ મ્યુઝિયમ છે, જે અહીં આવતા પ્રવાસીઓને રામાયણ વિશે માહિતી આપે છે. આ સાથે પ્રવાસીઓ દરિયાની સપાટીથી 1000 ફૂટની ઊંચાઈએથી પ્રતિમાની અંદરથી સુંદર નજારો જોઈ શકે છે.

તેને બનાવવામાં 7 વર્ષ લાગ્યા હતા:
આ નેચર પાર્કનો ભવ્ય પ્રોજેક્ટ અને આકર્ષક પક્ષી શિલ્પ બનાવવાનો વિચાર પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને શિલ્પકાર રાજીવ આંચલનો હતો. તેઓ ગુરુચંદ્રિકા બિલ્ડર્સ એન્ડ પ્રોપર્ટી પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે.

7 વર્ષની મહેનત બાદ તૈયાર કરવામાં આવેલી આ મૂર્તિમાં કોંક્રીટ સ્ટ્રક્ચરને સ્ટોન ફિનીશ આપવામાં આવી છે. આ જગ્યાની ઉંચાઈને કારણે આ મૂર્તિ બનાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો કારણ કે આટલી ઉંચાઈ સુધી તમામ સામગ્રી લઈ જવી ખૂબ જ મુશ્કેલ હતી.

Leave a Reply

Your email address will not be published.