“મધપૂડો” એકદમ દેશી વાનગી, તમે માત્ર નામ સાંભળ્યું હશે પણ આજે જાણો બનાવાની સાચી રીત..

Recipe

અત્યાર સુધી તમે ફક્ત મધમાખીવાળો મધપૂડો જ સાંભળ્યો હશે પણ જમવાની પણ એક દેશી વાનગી છે જેનું નામ મધપૂડો છે, જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને તીખો તમતમતો હોય છે. ખાસ કરીને આ સીઝનમાં ખાવાની બહુ મોજ પડે છે.

સામગ્રી:-

બાફીને છૂંદેલા બટેટા મધ્યમ સાઈઝના ચાર નંગ

મધ્યમ સાઇઝના છ ટમેટા

બાફેલા વટાણા એક વાડકો

સૂકું લસણ દસથી બાર કળી

લીલું લસણ ઝીણું સમારેલું એક નાની વાડકી

ડુંગળી ઝીણી સમારેલી બે નંગ મધ્યમ સાઇઝની

લીલી ડુંગળી ઝીણી સમારેલી બે નંગ મધ્યમ સાઇઝની

આદુનો ટુકડો એક ઇંચ

સૂકા લાલ મરચાં ચારથી પાંચ નંગ

લીલાં મરચાં ત્રણથી ચાર નંગ

લીલી તીખી મરચી ત્રણથી ચાર નંગ

તમાલ પત્ર બે

લવિંગ ત્રણથી ચાર

તજ એક ટુકડો

બાદીયાં એક ટુકડો

મીઠા લીમડાના પાન સાતથી આઠ નંગ

હળદર એક ટીસ્પૂન

લાલ મરચું બે ટીસ્પૂન

ધાણાજીરું એક ટીસ્પૂન

પાઉંભાજી મસાલો બે ટીસ્પૂન(વૈકલ્પિક)

મીઠું સ્વાદ અનુસાર

તેલ ચાર પાવડા

ગરમ પાણી દોઢથી બે ગ્લાસ

કોથમીર એક નાની વાડકી

બનાવવાની રીત:-

પહેલાં થોડી પૂર્વ તૈયારી કરી લેવી. જેમાં આદુ, મરચાં, તીખી મરચી, સૂકું લસણ, બે ત્રણ સૂકા લાલમરચા(અડધો કલાક પલાળેલા) ને મિક્સરમાં ક્રશ કરી લેવા. ટમેટા પણ મિક્સરમાં ક્રશ કરીને પ્યોરી બનાવી લેવી.

ત્યારબાદ ચૂલા પર એક માટીના વાસણમાં તેલ મૂકો, ચૂલો ન હોય તપ ગેસ અને માટીનું વાસણ ન હોય તો જાડા તળિયાવાળું કોઈપણ વાસણ લઈ શકો. તેલ ગરમ થાય એટલે તેમાં તજ, લવિંગ, બાદીયાં, તમાલપત્ર અને મીઠા લીમડાના પાન મૂકી વઘાર મૂકો. વઘાર થઈ જાય પછી તેમાં આદુ, મરચાં, મરચી, સૂકું લસણ અને સૂકા લાલ મરચાંની બનાવેલી પેસ્ટ ઉમેરો.

મધ્યમ તાપે પેસ્ટ સોનેરી કલર થઈ જાય પછી એમાં ઝીણી સમારેલી સૂકી ડુંગળી, લીલી ડુંગળી અને લીલું લસણ ઉમેરો. બધું સરખું સંતળાય જાય પછી તેમાં ટામેટાની પ્યોરી ઉમેરો. તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, પાઉંભાજી મસાલો ઉમેરી સરખું મિક્સ કરી તેલ છૂટું થાય ત્યાં સુધી મધ્યમ તાપે રહેવા દો.

ત્યાર પછી તેમાં બાફેલા વટાણા, છૂંદેલા બટેકા અને મીઠું અને ગરમ પાણી ઉમેરી બરાબર હલાવીને પાંચથી સાત મિનિટ ધીમા તાપે રહેવા દો. પછી કોથમીર ઉમેરવી. મધપૂડાને લસ્સી જેટલો ઘટ્ટ રાખવો. રોટલા અગાઉ બનાવીને રાખવા જેથી કડક રોટલા સાથે મધપૂડો ચોળીને ખાવાની બહુ મજા આવે સાથે છાસ અને લીલી ડુંગળી અને ટમેટાંનું સલાડ હોય એટલે જલસો પડી જાય.

રેસીપી સૌજન્ય:- આલોક ચટ્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *