મહાભારતમાં કૃષ્ણની ‘એન્ટ્રી’ 🇮🇳

Spiritual

મહાભારતની શરૂઆત કૃષ્ણના નારાયણસ્વરૂપના સ્મરણ સાથે થાય છે, પણ મહાભારતની આખી કથાનો આધાર જેના પર છે એ પ્રતાપી અને પ્રભાવી કૃષ્ણ પાત્ર તરીકે મહાભારતમાં સક્રિય બને એની ઘણી રાહ જોવી પડે છે.

દ્રૌપદીસ્વયંવરના પ્રસંગે કૃષ્ણ સૌપ્રથમ પાત્ર તરીકે પ્રવેશે છે અને કૃષ્ણનો એ કેવો પ્રવેશ….!! ના…ના…બોલીવુડ કે સાઉથ ઇન્ડિયન મુવીમાં હીરો એન્ટ્રી મારે એવી કોઈ નાટયાત્મકતા નહિ…કે કોઈ અપાકટ લેખક પોતાના મુખ્ય પાત્રને બામુલાહિજા બાઅદબ હોંશિયાર જેવી કોઈ બાહુબલી એન્ટ્રી કરાવે એવો કોઈ પ્રવેશ નહિ…કૃષ્ણ પ્રવેશમાં આવી કોઈ જ ધામધૂમ ના આલેખીને ઋષિ વેદવ્યાસે પોતાની સમર્થ પ્રતિભાનો પરિચય આપ્યો છે.

આવા અભૂતપૂર્વ પાત્રના પ્રવેશને કોઈ નવો સવો કવિ નાટયાત્મક બનાવ્યા વિના ના રહી શકે ત્યારે શ્રી વેદવ્યાસ જાણે છે કે સૂર્યના આકાશમાંના પ્રવેશને નાટકીય ના બનાવાય…

દ્રૌપદી સ્વયંવર આવેલા મહાનુભાવોની યાદી જ્યારે દ્રૌપદીનો ભાઈ ધૃષ્ટદ્યુમ્ન આપે છે ત્યારે એ યાદીની શરૂઆત કૃષ્ણના નામથી નહિ પણ દુર્યોધનના નામથી થાય છે અને પછી સોળ શ્લોક સુધી ત્યાં આવેલા જુદા જુદા રાજા-મહારાજાઓના નામ બોલાયે રાખે છે ને આખરે સત્તરમાં શ્લોકમાં અનેકમાંનું એક નામ ગણાવતા હોય એમ ધૃષ્ટદ્યુમ્નના મુખે શબ્દો મુકાયા છે: ‘સંકર્ષણો વાસુદેવો’-સંકર્ષણ એટલે બલરામ અને વાસુદેવ એટલે કૃષ્ણ…યાદી હજુ ય આગળ ચાલે છે…

આખું મહાભારત જેના પર નિર્ભર છે એ પાત્રના પ્રવેશ કરે છે ત્યારે એનું નામ આમ સારા નરસા અતિથોઓ વચ્ચે જ આવી જાય છે. પણ છતાં એ બધા વચ્ચે કવિ કૃષ્ણ તરફ ધ્યાન દોરે છે, નામથી નહિ પણ કૃષ્ણમાં જ હોય શકે એવી વિચક્ષણતાથી…

જયારે દ્રૌપદી સભામાં પ્રવેશે ત્યારે ત્યાં બધા રાજવીઓ તો ઠીક પણ બ્રાહ્મણ વેશે રહેલા વીર પાંડુપુત્રો પણ અત્યંત સ્વરૂપવાન એવી દ્રૌપદીને જોઇને કામદેવના બાણથી ઘાયલ થયા છે. કૃષ્ણની વિશેષતા અહી વર્તાય છે. જ્યારે સૌ કોઈ કંદર્પબાણથી ઘાયલ વિવશ નજરે દ્રૌપદીને જોઈ રહ્યા છે ત્યારે કૃષ્ણ શું કરી રહ્યા છે?!

સૌની દૃષ્ટિ દ્રૌપદી પર હતી પણ કૃષ્ણની દૃષ્ટિ દ્રૌપદીને નીરખી રહેલાઓ પર ફરતી હતી. કૃષ્ણનું નામ ભલે સત્તરમાં શ્લોકમાં આવ્યું હોય પણ અહી કૃષ્ણ નરોત્તમ રૂપે આવે છે, સૌ જ્યારે દ્રૌપદીના રૂપને જોવામાં તન્મય છે ત્યારે કૃષ્ણ પોતાના ફોઈના દીકરાઓ-પાંડવો આ સ્વયંવરમાં આવ્યા છે કે નહિ એ જાણવા સૌને જોઈ રહ્યા છે ને આખરે ‘પદ્મની તરફ દોડતા ગજરાજોની માફક દ્રૌપદીને તાકી રહેલા , ભસ્મથી ઢંકાયેલા અગ્નિ જેવા આ પાંચ પાંડવોને જોઇને યદુવીરોમાં મુખ્ય એવા કૃષ્ણ પામી ગયા કે આ જ પાંડવો છે.’

આમ મહાભારતના મહાનાયક કૃષ્ણ કથામાં પ્રવેશે છે ત્યારે કવિ કોઈ જ વિશેષણ કે ઉપમાઓ વાપર્યા વિના-કોઈ નાટકીયતા કર્યા વિના-કોઈ કથનાત્મકતામાં સર્યા વિના મુંઠી ઊંચેરા ‘માનવી’ તરીકેનો તેમનો મહિમા સ્થાપે છે.

(સંદર્ભ: ‘કૃષ્ણ અને માનવસંબંધો’) પોસ્ટ સૌજન્ય:- કાનજી મકવાણા, અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *