આજે અમે એક એવા પિતા વિશે વાત કરીશું જે એક નહીં, બે નહીં, પરંતુ 4874 દીકરીઓના પિતા છે! હા, તમે સાચું વાંચ્યું છે. તે પિતાનું નામ છે મહેશ સવાણી. અત્યાર સુધીમાં તેમણે ગુજરાતની 4874 અનાથ દીકરીઓને સાસરે વળાવી છે. એક પિતા પોતાની વહાલી દીકરીની જે રીતે કાળજી લે છે તે બધી જ જવાબદારી મહેશભાઈ લે છે. ફાધર્સ ડે નિમિત્તે મહેશભાઈ સાથે વાત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘મારે વધુને વધુ દીકરીઓના લગ્ન કરાવવા છે. મારી પાસે અંબાણી-અદાણી જેટલા પૈસા હોત તો મેં ગુજરાતની તમામ દીકરીઓના લગ્ન કરાવી દીધા હોત. દીકરીઓ પ્રેમથી મહેશભાઈ સવાણીને ‘વિશ્વના શ્રેષ્ઠ પિતા’ તરીકે ઓળખે છે.
પુત્રવધૂઓને કેમ લાગે છે પગે?
મહેશભાઈ સવાણી માટે કોઈપણ સ્ત્રી ભગવાનનું રૂપ છે. તમને જાણીને નવાઈ લાગશે પણ મહેશભાઈ સવાણી આજે પણ ઘરની બહાર નીકળે છે તો તેઓ તેમની બંને વહુના ચરણ સ્પર્શ કરીને નીકળે છે. તેમણે પુત્ર મોહિતના લગ્નમાં તમામ મહેમાનોની હાજરીમાં નવદંપતીના ચરણ સ્પર્શ પણ કર્યા હતા. તેણે કહ્યું કે, મેં ક્યારેય મારી વહુને વહુ નથી બોલાવી. દરરોજ જ્યારે હું ઘરની બહાર નીકળું છું, ત્યારે હું મારી બે પુત્રીઓ, મારા બે પુત્રો મિતુલ અને મોહિતની પત્ની જાનકી અને આયુષીના પગલે લાગુ છું, કારણ કે હું તેમને ભગવાન માનું છું. તે જગત જનની છે. તેજ મારો વંશ આગળ વધારશે. તેઓ બંને મારી પુત્રીઓ છે. બંને દીકરીઓ મારી શાળા ચલાવે છે. પુત્રો વ્યવસાયમાં છે અને સામાજિક પ્રસંગો હોય ત્યારે પણ તેમની જવાબદારીઓ નિભાવે છે. સમૂહલગ્નમાં જે દીકરીઓના લગ્ન થવાના છે તેઓની પણ ખરીદીની જવાબદારી નિભાવે છે.
પૈસા કમાતા પહેલા પૈસા વાપરતા શીખો
મહેશભાઈ કહે છે, ‘મારા પપ્પા એક વાત કહેતા કે પૈસા કમાતા પહેલા પૈસાનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખો. તમે તેને ક્યાં કમાવો છો તેના કરતાં તમે તેનો ક્યાં ઉપયોગ કરો છો તે વધુ મહત્વનું છે. તેથી જ અમારા પરિવારમાં આ મૂલ્યો માતાપિતા પાસેથી વારસામાં મળ્યા છે. અમે ભણતા હતા ત્યારથી મારા પિતાનું સામાજિક કાર્ય છે. મારો પરિવાર મારા સમર્થનમાં છે. મારા પિતાએ આજથી ત્રીસ વર્ષ પહેલાં મારા લગ્ન સમૂહમાં કર્યા હતા. અમે ચાર ભાઈ-બહેન છીએ તેમના લગ્ન પણ સમૂહ લગ્નમાં થયા હતા. મેં મારા બે પુત્રો મિતુલ અને મોહિતના લગ્ન પણ સમૂહમાં જ કર્યા હતા. આવતા વર્ષે મારા ભાઈના બે પુત્રોના પણ સમૂહમાં જ લગ્ન થશે. અમે ખોટા દેખાડામાં માનતા નથી. તેના કરતા એ વધુ મહત્વનું છે કે પૈસાનો સારો ઉપયોગ થાય અને અન્ય લોકોને પણ ફાયદો થાય.
દીકરાએ સામેથી કહ્યું કે દીકરીઓને ખોટું નહિ લાગે?
મહેશભાઈએ જણાવ્યું હતું કે, “મેં જ્યારે મારા પુત્રના લગ્ન સમૂહલગ્ન માં કરવાનું નક્કી કર્યું હતું, ત્યારે મેં VVIP મહેમાનો માટે એક કાર્યક્રમ કરવાનું આયોજન કર્યું હતું. તો એક સંગીત સંધ્યા કરવાનું વિચાર્યું. આ વખતે મારા પુત્રએ મને કહ્યું કે જો આપણે અલગથી કાર્યક્રમ કરીશું તો દીકરીઓને ખરાબ નહીં લાગે એટલે આ કાર્યક્રમ ન કરવો જોઈએ. આ નિર્ણય મારા દીકરાનો હતો.અમારા ત્રણ ભાઈઓના પરિવારમાં છ દીકરા-દીકરીઓ છે, તેમાંથી કોઈ એવું ક્યારેય કહેતું નથી કે અમે ડેસ્ટિનેશન વેડિંગ કરવા માગીએ છીએ.
અત્યાર સુધીમાં રૂ.150 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે
તેમણે વધુમાં કહ્યું કે, અમે અત્યાર સુધીમાં 4874 દીકરીઓના લગ્ન કર્યા છે. 2007 થી દર વર્ષે, કોરોનાના એક વર્ષ સિવાય, અમે દર વર્ષે સમૂહલગ્નનું આયોજન કરીયે છીએ. નોટબંધી પહેલા ખર્ચ વધુ થતો હતો તેથી અમે થોડી મર્યાદા રાખી. પહેલા તેઓ ઘરેણાં અને સોનું આપતા હતા, જે હવે ઘટી ગયું છે. દીકરીઓના લગ્ન અને લગ્ન પછી તેમની ડિલિવરીનો ખર્ચ અમે ઉઠાવીએ છીએ. જેની વાર્ષિક સરેરાશ 14 કરોડ રૂપિયા છે. એટલે કે અમે 150 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે.
લગ્ન કરવા કરતાં વધુ મહત્ત્વનું છે કે લગ્ન પછી સાવચેતી રાખવી
મહેશભાઈએ ઉમેર્યું હતું કે, હું 2007 થી હું સમુહલગ્ન કરાવી રહ્યો છું. નોટબંધી પછી આર્થિક સ્થિતિને લીધે હવે પેહલાની જેમ કરિયાવર હવે તે કરી શકતો નથી, મને અફસોસ છે કે હું દીકરીઓને કેટલીક બાબતોમાં સાથ આપી નથી શકતો. લગ્ન કરાવવા એ કોઈ મોટી વાત નથી.લગ્ન પછી પણ તેની કાળજી લેવી એ એક મોટી વાત છે.જ્યારે હું સમયની અછતને કારણે તે કરી શકતો નથી ત્યારે મન બોવ દુઃખી રહે છે. 3-5 ટકા દીકરીઓને કંઈજ જરૂર નથી પણ હું એ વાતનું ખાસ ધ્યાન રાખું છું કે બાકીની 96 ટકા દીકરીઓને તેમના કારણે તકલીફ ના રહે.
દીકરીઓના લગ્ન કરવાનો વિચાર ક્યારથી આવ્યો?
મહેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે ‘મને ભગવાને દીકરી નથી આપી. હું ખરેખર ઈચ્છતો હતો કે મારી દીકરી મારા ઘરે જન્મે. મારો એક કૌટુંબિક ભાઈ ઈશ્વર સવાણી હતો. તેમને બે દીકરીઓ હતી, અમૃતા અને મિતુલા. હું નાનપણમાં આ દીકરીઓ સાથે ખૂબ રમ્યો હતો. મેં નાનપણથી જ બંને દીકરીઓને મોટી થતી જોઈ છે. તેના પ્રત્યે તીવ્ર લાગણી હતી. દરમિયાન વર્ષ 2007માં આ દીકરીઓના લગ્નના 10 દિવસ પહેલા જ તેમના પિતા ઈશ્વર સવાણીનું અવસાન થયું હતું. તેમનો પરિવાર તૂટી ગયો હતો. મેં પરિવારની બંને દીકરીઓના લગ્નની જવાબદારી લીધી. રંગેચંગે લગ્ન કરાવીને કન્યાદાન કર્યું, ત્યારે મારા મનમાં આ વિચાર આવ્યો કે આ દુનિયામાં અમૃતા અને મિતુલા જેવી અનેક અનાથ દીકરીઓનું શું થતું હશે? જે દીકરીએ પોતાના પિતાનું મોઢું જોયું નથી અથવા જેના પિતાનું બાળપણમાં જ અવસાન થયું છે તેનું જીવન કેવું હશે? દીકરીઓના લગ્ન માટે વિધવા માતાને કેટલી પીડા સહન કરવી પડતી હશે? પછી મેં નક્કી કર્યું કે હું અનાથ દીકરીઓના લગ્ન કરીને પિતા તરીકે મારી સંપૂર્ણ જવાબદારી નિભાવીશ.
દીકરીઓ કહે છે 22 વર્ષ પછી અમે ‘પપ્પા’ નામનો શબ્દ બોલ્યાં
દીકરીઓ અંગે વાત કરતાં કહ્યું હતું, ‘વર્ષ 2022માં જે દીકરીઓના લગ્ન કરાવવા છે. તે તમામ દીકરીઓનું અલગ ગ્રુપ બનેલું છે. આ દીકરીઓના મેસેજ તમે વાંચો તો તમારી આંખમાંથી આસું આવી જાય. એમાંથી ઘણી બધી દીકરીઓ એવું બોલે કે અમે 18, 20 કે 22 વર્ષ પછી ‘પપ્પા’ નામનો શબ્દ બોલ્યા છીએ. અમને બધી બહેનોને પપ્પા મળી ગયા. હું હજી એમને એક પણ વાર મળ્યો નથી તો પણ એ ‘પપ્પા પપ્પા’ કહેતી હોય છે. તેઓ કહેતાં હોય છે કે કેટલાં વર્ષો પછી અમે ‘પપ્પા’ નામનો શબ્દ બોલ્યા છીએ.’
વિધવા બહેનોને પરિવાર મદદ નથી કરતો
મહેશભાઈએ આગળ જણાવ્યું હતું, ‘મને 95 ટકા વિધવા બહેનો પત્ર લખે છે અને કહે છે કે અમને મારા કાકા કે મોટા બાપા સપોર્ટ કરતા નથી. જ્યારે ઘરમાં કમાનાર પુરુષનું અવસાન થાય ત્યારે વિધવા બહેન પર આફત આવી પડતી હોય છે. વિધવા બહેનો કચરા-પોતા કે નોકરી કરીને સંતાનોને મોટા કરતી હોય છે. લગ્ન માટે દીકરીઓના મમ્મીને ખૂબ ટેન્શન હોય છે કે તેમના લગ્ન કેવી રીતે થશે? કેવી રીતે સંભાળીશુ? હું જ્યારે દીકરી અને તેની મમ્મીને પહેલીવાર મળું ત્યારે મારું પહેલું વાક્ય જ એ હોય છે કે તમે દીકરીને મોટી કરીને તમારી જવાબદારી પૂરી કરી, હવે એક બાપ તરીકે મારી જવાબદારી શરૂ થાય છે.’
દીકરી વિધવા થાય તો દર મહિને 7500 રૂપિયા મળે
મહેશભાઈએ કહ્યું હતું, ‘અમારો એક પીપી સવાણી પરિવાર છે. એક મંડળ બનાવ્યું છે. દીકરીઓમાં તમામ જાતિની દીકરીઓ હોય છે અને દરેક સમાજના જમાઈ હોય છે. મેરેજ પછી 50-50 દીકરી અને જમાઈના ગ્રુપ બનાવીએ અને એ લોકોને કુલુ મનાલી હનીમૂનમાં મોકલીએ. ત્યા બાર દિવસ એ તમામ સાથે રહે એટલે એ લોકોમાં ભાઈચારો આવે. ઘર- જ્ઞાતિ વગેરે ભૂલીને બધામાં ભાઈચારો વધે. દર 50 જમાઈ ઉપર એક જમાઈ કેપ્ટન હોય. એવા 93 કેપ્ટન છે. એ 93 કેપ્ટનને મેસેજ જાય એ બધા જમાઈ સુધી પહોચે અને કોઈને કઈ પણ પ્રોબ્લેમ હોય તો એ એના કેપ્ટનને વાત કરે .જમાઈઓ બધા જુદા ક્ષેત્રોમાથી આવે છે, તો ડોક્ટર વકીલ વગેરે જેવી કમિટી બનાવી છે. ઉપરાંત કોઈ પણ દીકરી વિધવા થાય તો એમને દર મહિને 7500 રૂપિયા મળવાના ચાલુ થાય. એટલે મારી દીકરી પિયરમાં હોય કે સાસરીએ, કોઈ એવું ન કહી શકે કે એ મફતનું ખાય છે. એક બાપ તરીકેની અમારી જવાબદારીમાં આવી રીતે નિભાવીએ છીએ.’
એચઆઇવી પીડિત નિરાધાર દીકરીઓ માટે ફાર્મ હાઉસ ખોલી નાખ્યું
મહેશભાઈ એચઆઇવી પીડિત નિરાધાર દીકરીઓ માટે પોતાનું લક્ઝુરિયસ ફાર્મ હાઉસ ખોલી નાખ્યું હતું. તેમના ફાર્મ હાઉસમાં 71 એચઆઈવી પીડિત દીકરીઓ રહે છે. આ ઉપરાંત મહેશભાઈ સિનિયર સિટીઝન અને વિધવા બહેનોને જાત્રા પણ કરાવે છે.