ભાવનગરના પછાત વિસ્તારમાં જેની ગણતરી થાય છે એવા કરચલિયાપરા વિસ્તારની એક શાળામાં “સેવા સેતુ” કાર્યક્રમ ચાલી રહ્યો હતો. “સેવા સેતુ” એ ગુજરાત સરકારનો એક એવો કાર્યક્રમ છે જેમાં લોકોના પ્રશ્નોના નિકાલ માટે સરકારી કચેરીઓ સામે ચાલીને એમના વિસ્તારમાં જાય અને સ્થળ પર જ લોકોના પ્રશ્નોના નિકાલ કરે.
આ કાર્યક્રમમાં 19 વર્ષની ઉંમરનો એક છોકરો એની નાની બેન સાથે જાતિનો દાખલો કઢાવવા માટે આવ્યો હતો. છોકરાની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી અને એ દાણાપીઠમાં મજૂરી કરતો હતો. જાતિના દાખલા માટે જરૂરી આધાર પુરાવા માંગ્યા ત્યારે એ છોકરો અને એની બેન એવું બોલ્યા કે અમારે માં – બાપ નથી. આ શબ્દો દૂરના ટેબલ પર બેઠેલા રેવન્યુ તલાટી તરીકે નોકરી કરતા જિજ્ઞાબેન જાનીના કાને પડ્યા.
લોકોની ભીડ હતી એટલે જિજ્ઞાબેને ઊંચા અવાજે કહ્યું કે “માં-બાપ નથી એવુ જે બોલ્યા એ એના દાખલાનું કામ પૂરું થાય એટલે મને મળીને જજો.” પેલો છોકરો તો જાતિના દાખલા માટે આવેલો પણ જિજ્ઞાબેને બોલાવ્યો એટલે દાખલાનું કામ પુરૂ કરીને એ જિજ્ઞાબેન પાસે ગયો. 19 વર્ષનો ગરીબ પરિવારનો એક નિરાધાર છોકરો, અક્ષય અને એની બેન સામે ઊભા હતા.
જિજ્ઞાબેને એમને પૂછ્યું કે તારા મમ્મી – પપ્પા ક્યારે ગુજરી ગયા ? છોકરાએ કહ્યું કે મમ્મી તો ઘણા સમયથી અવસાન પામ્યા છે અને પપ્પા હમણાં થોડા સમય પહેલા અવસાન પામ્યા. જિજ્ઞાબેને એને પૂછ્યુ કે તારા પપ્પા ક્યારે અવસાન પામ્યા એની તારીખ તને ખબર છે ? અને એના મૃત્યુનો દાખલો તારી પાસે છે ?
અક્ષયને કદાચ સમજ નહિ પડતી હોય કે આ બેન મને આવું બધું કેમ પૂછી રહ્યા છે પણ જિજ્ઞાબેનને “અમારે માં-બાપ નથી” શબ્દો સાંભળ્યા કે તુરંત જ માતા-પિતા વગરના આ બાળકોને સરકારી સહાય અપાવવાનો વિચાર આવ્યો હતો. ભારત સરકારની “રાષ્ટ્રિય કુટુંબ સહાય” નામની યોજના અંતર્ગત પરિવારની કમાનારી મુખ્ય વ્યક્તિનું અવસાન થાય તો એવા ગરીબ પરિવારને 20000 રૂપિયાની સહાય મળે છે.
જિજ્ઞાબેને અક્ષયને કહ્યું કે બેટા જો તું આટલા ડોક્યુમેન્ટ લાવી શકે તો તને પણ આ 20000ની સહાય મળે. દાણાપીઠમાં મજૂરી કરનાર અક્ષય માટે આ બહુ મોટી રકમ હતી. અક્ષય ઘરે ગયો અને પિતાના મૃત્યુના દાખલા સહિતના ડોક્યુમેન્ટ લાવ્યો. તે જ દિવસે અક્ષયને મળવાપાત્ર 20000ની સહાય જિજ્ઞાબેનના પ્રયાસને કારણે સ્થળ પર જ મંજૂર કરવામાં આવી.
જિજ્ઞાબેને જોયું કે અક્ષયને માવો ખાવાની ટેવ છે એટલે મોટીબેનની જેમ ટકોર કરતા કહ્યું કે તને સહાયની રકમ થોડા સમયમાં મળી જશે પણ તું આ રકમ વ્યસનમાં તો નહિ ઉડાડી દે ને ? આ તારી નાની બેનની જવાબદારી પણ તારા માથા પર છે તો આ સહાયની રકમનો યોગ્ય ઉપયોગ કરજે અને વ્યસન મૂકીને બચત કરજે. અક્ષયને આ વાત ચોંટી ગઈ.
જ્યારે અક્ષયને 20000ની સહાય મળી ત્યારે તેણે તે સહાય અને પોતાની 30000ની બચત ભેગી કરીને ભાગીદારીમાં મંડપનો બહુ નાના પાયા પર ધંધો શરૂ કર્યો. પોતાના સપનાઓ પુરા કરવા માટે આ છોકરો દિવસ રાત મહેનત કરતો રહ્યો. પોતે જ મંડપ ડિઝાઇન કરે, પોતે જ સિલાઈકામ કરે, પોતે જ મંડપ નાંખવા માટે જાય અને મંડપ ધોવાનું કામ પણ જાતે જ કરે. ધીમે ધીમે આવક પણ થવા લાગી અને બચત પણ થવા લાગી. વધારાની બચત એ મંડપના ધંધામાં જ ઉપયોગ કરતો જાય.
આજે અક્ષયે ભાગીદારી છૂટી કરીને મંડપનો પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરી દીધો છે. એની પાસે 40 જેટલા મંડપ છે. મંડપને લાવવા લઇ જાવા માટે જૂનું મેટાડોર ખરીદીને જાતે જ એમાં ક્લરકામ વગેરે કરીને એ મેટાડોરનો ઉપયોગ કરે છે અને સારી કમાણી કરે છે. એકસમયે દાણાપીઠમાં મજૂરી કરનારો આ છોકરો આજે ‘મહાદેવ મંડપ સર્વિસ’નો માલિક બની ગયો છે.
વંદન જિજ્ઞાબેન જેવા સંવેદનશીલ કર્મચારીને જેમણે સામે ચાલીને જરૂરિયાતમંદ વ્યક્તિને સરકારી સહાયનો લાભ અપાવ્યો અને અભિનંદન અક્ષયને જેણે નાની એવી સરકારી સહાયનો સદુપયોગ કરીને મજૂરમાંથી માલિક બન્યો.