વરસાદની મોસમ ચાલી રહી છે, એટલે રોજ કંઇક નવું – નવું ગરમા ગરમ ચટપટું બનાવીને ખાવાનું મન થાય. પણ રોજ – રોજ કંઈ તળેલું ખાવાનું થોડી ભાવે? કંઇક અલગ તો કરવું જ પડે ને? એટલે આજની રેસીપી ” ક્રિસ્પી મસાલા ભાખરી “.
ઝરમર વરસતા વરસાદમાં આદુવાળી ચા ની ચુસ્કી, સાથે ગરમાગરમ ક્રિસ્પી મસાલા ભાખરી… જલસો પડી જાય. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો.

” ક્રિસ્પી મસાલા ભાખરી ” બનાવાની પરફેક્ટ રીત..

જરૂરી સામગ્રી: રોટલીનો લોટ ૧ વાટકી, ભાખરીનો કરકરો લોટ ૧ વાટકી, તલ ૨ ચમચી, અજમો ૧/૨ ચમચી, જીરું ૧/૨ ચમચી, ઝીણી સમારેલી કોથમીર, તેલ મોણ માટે, મીઠું, લાલ મરચું, હળદર, ધાણાજીરું અને હિંગ સ્વાદ અનુસાર, ઘી
બનાવવાની રીત: સૌપ્રથમ એક કથરોટમાં રોટલીનો લોટ અને ભાખરીનો કરકરો લોટ લઈ મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં તલ, અજમો, જીરું, મીઠું, લાલ મરચું, હળદર, ધાણાજીરું, હિંગ, ઝીણી સમારેલી કોથમીર અને તેલ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો.( તેલનું મોણ લોટની મુઠ્ઠી વળે એવું નાખવાનું છે.)

ભાખરીનો કઠણ લોટ બાંધી લઈ તેને ૧૦ મિનિટ ઢાંકીને રહેવા દો. ૧૦ મિનિટ પછી લોટના લુવા કરી તેની થોડી જાડી ભાખરી વણી લો. ગેસ પર તવી ગરમ મૂકી તવી ગરમ થાય એટલે ધીમી આંચે ભાખરીને બંને બાજુ આછી ગુલાબી થવા દો.
ત્યારબાદ ભાખરીને બંને બાજુ હળવા હાથે દબાવીને શેકી લો. બંને બાજુ સરસ શેકાઈ જાય એટલે બંને બાજુ ઘી મૂકી તવેથાથી શેકી લેવી. તો તૈયાર છે ગરમાગરમ ” ક્રિસ્પી મસાલા ભાખરી “. આદુવાળી ગરમ ચા સાથે સર્વ કરો. કોથમીર ની જગ્યાએ મેથીની ભાજી પણ ઉમેરી શકાય.

ફોટો અને રેસિપી સૌજન્ય:- ગાયત્રી મયુર દરજી