શું લેવાય, માઈક્રોવેવ કે ઓવન? બન્નેમાં ફરક શુ? તેના ફાયદા અને નુકસાન, માઈક્રો લઈએ તો સોલો, કન્વેક્શન કે પછી સ્માર્ટ?

Technology

શું લેવાય, માઈક્રોવેવ કે ઓવન? બન્નેમાં ફરક શુ? માઈક્રો લઈએ તો સોલો, કન્વેક્શન કે પછી સ્માર્ટ? બજારમાં એટલી બધી પ્રોડક્ટ મળે છે કે આપણે નક્કી જ ન કરી શકીએ કે આપણાં માટે કયું વધારે ઉપયોગી? કયું વસાવવું? અને જે વસાવ્યું એમાં શું બનાવી શકાય?

બજારમાં ઉપલબ્ધ મુખ્ય બે ઓવનની કમ્પેરિઝન કરીએ તો

૧) ઓવન ટોસ્ટર ગ્રીલર, ટુંકમાં ઓ.ટી.જી., જેને હવે સગવડતા ખાતર આપણે માત્ર ઓવન તરીકે ઓળખશું. અને

૨) માઈક્રોવેવ ઓવન.

જેમાં પણ વળી પેટા પ્રકાર હોય છે, જેમ કે સોલો, કન્વેક્શન અને લેટેસ્ટ કહીએ તો સ્માર્ટ.

પહેલાં આપણે ઓવન વિશે જાણીએ.

ઓવનની મદદથી આપણે ખોરાકને બેક કરી શકીએ, રી-હીટ એટલે કે ગરમ કરી શકીએ, ભૂંજી શકીએ અને ગ્રીલિંગ પણ કરી શકીએ છીએ. ઓવનમાં વિદ્યુતશક્તિનું ગરમીમાં રૂપાંતર કરતી ઈલેક્ટ્રિક કોઈલ્સ વાપરવામાં આવેલી હોય છે. હિટીંગ કોઈલ્સ વડે ઉતપન્ન થતી આ ગરમી વડે ઓવનમાં ખોરાક રાંધવામાં આવે છે.

આ હિટિંગ કોઈલ્સ ઓવનમાં ઊપર તેમજ નીચે, એમ બન્ને બાજુએ આવેલી હોય છે. આપણે આપણી જરૂરિયાત મુજબ બેમાંથી એક કે પછી બન્ને એલિમેન્ટ્સનો ઉપયોગ કરી આપણી મનપસંદ વાનગી તેમાં રાંધી શકીએ છીએ. ઓવનમાં તાપમાન કન્ટ્રોલ કરવા માટે થર્મોસ્ટેટ અને ટાઈમ સેટ કરવા માટે ટાઈમર પણ લગાવવામાં આવે છે, જેની મદદથી આપણે ચોક્કસ વાનગીઓ બનાવવા માટે ટાઈમ અને ટેમ્પરેચર સેટ કરી શકીએ છીએ.

એક વાત ખાસ નોંધવી રહી, અને તે એ કે, ઓવનમાં ખોરાક રાંધવામાં, માઈક્રોની કમ્પેરિઝનમાં થોડો વધારે ટાઈમ લાગે છે. ગ્રીલ્ડ સેન્ડવીચ કે પીઝા જેવી વાનગી બનાવવા માટે ફક્ત ઊપરની કોઈલનો ઉપયોગ થાય. જ્યારે બ્રેડ, કૂકીઝ, મફીન્સ જેવી બેકરી આઈટમ્સ બનાવવા માટે બન્ને તરફની કોઈલ વાપરવામાં આવે છે. ઓન એન ઓલ, બેકિંગ કરવા માટે ઓવન ઈઝ ધ બેસ્ટ. પણ, ખોરાકને ગરમ કરવા માટે કે પછી ડીફ્રોસ્ટ કરવા માટે ઓવનનો વપરાશ નથી કરી શકાતો.

ઓવનમાં વાનગીઓ બનાવવા માટે કાચ કે પછી પોર્સેલિન (જેમ કે લઝાનીયા કે પછી બીજી કોઈ બેક ડીશ), મેટલ ટ્રે (જેમ કે કૂકીઝ) અને એલ્યુમિનિયમનાં કન્ટેનર કે મોલ્ડ (જેમ કે બ્રેડ, મફીન્સ વગેરે)નો વપરાશ કરી શકાય છે. માઈક્રોમાં ઈલેક્ટ્રો-મેગ્નેટિક તરંગો (જે માઈક્રોવેવ તરીકે ઓળખાય છે) વડે ખોરાકના અણુઓને ધ્રુજાવી તેમાં ગરમી ઉતપન્ન કરી ખોરાકને ગરમ કરવામાં આવે છે, યા રાંધવામાં આવે છે.

સોલો માઈક્રો :

આમાં આપણે ખોરાકને ગરમ કરી શકીએ, થીજેલી વાનગીઓને હૂંફાળી કરી શકીએ (બોલે તો ડીફ્રોસ્ટ) અને ઓછી ક્વોન્ટીટીમાં રાંધી પણ શકીએ. પ્રાઈમરી લેવલની આ માઈક્રો હવે લગભગ ચલણમાં નથી રહી.

કન્વેક્શન માઈક્રો :

સોલો માઈક્રો અને ઓવનની કોમ્બિનેશન સમાન આ માઈક્રો, ઓવનની જેમ (પણ ફક્ત ઊપરની બાજુએ) હિટીંગ કોઈલ અને ગરમ હવાને સર્ક્યુલેટ કરવા માટે પંખો ધરાવે છે. આજકાલ બજારમાં આ માઈક્રો વધારે ચાલી રહી છે. ખોરાકને ગરમ કરવા કે પછી રાંધવા માટે પણ આ પ્રકારની માઈક્રો વધારે ઊપયોગી માનવામાં આવે છે. ગ્રીલ્ડ, ટોસ્ટ કે રોસ્ટેડ ફૂડ આઈટમ્સ આમાં સરળતાથી બનાવી શકાય છે, વળી બેકિંગ માટે પણ માઈક્રો ઉપયોગી થાય છે.

ગ્રીલ્ડ ડિશીઝ જેમ કે પીઝા, સેન્ડવીચ વગેરે બનાવવા માટે માઈક્રોની સાથે ગ્રીલિંગ સ્ટેન્ડ આપવામાં આવે છે. જેને કારણે ખોરાક રાંધતી વખતે તેની ઊંચાઈને કારણે ખોરાક હિટીંગ કોઈલ્સની વધારે નજદીક આવવાને કારણે ઝડપી અને સરળતાપૂર્વક રાંધી શકાય છે.

સ્માર્ટ માઈક્રો :

મને લાગે છે કે અમુક કંપનીઓ ‘સ્માર્ટ’ની ટેગ લગાવી આપણી પાસેથી થોડાં વધારે કાવડીયા પડાવી જાય છે. બાકી, છે તો આ કન્વેક્શન માઈક્રો જ.

જો કે માઈક્રોને પણ Proz & Cons છે જ. એનાં વિષે થોડી વાત કરીએ તો,

૧) માઈક્રોવેવ એ રેડીઓવેવ અને ઈન્ફ્રારેડ કિરણોની જેમ એક પ્રકારનાં સૂક્ષ્મ તરંગો છે. જેનાં વડે ખોરાકને રાંધવાની બાબતમાં મતમતાંતરો ચાલી રહ્યાં છે.

૨) માઈક્રોમાં ખોરાક રાંધવાની પ્રક્રિયા જોઈએ તો, માઈક્રોવેવ્ઝ ખોરાકમાં રહેલાં પાણી, કાર્બોહાઇડ્રેટ્સ, ફેટ્સ વગેરે ઘટકોનાં અણુઓને ધ્રુજાવી ગરમી ઉતપન્ન કરે છે, જે ગરમી વડે ખોરાક રંધાય છે. આમ ખોરાક રાંધવાની પ્રક્રિયા ઓવનથી સદંતર ઊલટી એટલેકે અંદરથી બહારની તરફ થાય છે. (ઓવનમાં ગરમીનો પ્રવાસ બહારથી અંદરની તરફ જ્યારે માઈક્રોમાં અંદરથી બહારની તરફ.) ટૂંકમાં, એવું કહી શકાય ખરું કે, માઈક્રોમાં ખોરાક રાંધતી વખતે વાસણ ઠંડુ રહે છે, પણ ખોરાક ગરમ થાય છે.

૩) માઈક્રોના ફાયદાઓની વાત કરીએ તો, અહીં ખોરાક રાંધવામાં ઓવનની સરખામણીએ ઓછો સમય લાગે છે.

૪) માઈક્રોવેવની કન્ટ્રોલ પેનલ પર કુકિંગનાં અલગ અલગ મોડ સેટ કરવા માટે વિવિધ બટન્સ આવેલાં હોય છે, જેની વિસ્તૃત જાણકારી ખરીદી વખતે આપેલ મેનુ કે ઈન્સ્ટ્રક્શન બુકમાં આસાનીથી સમજી શકાય તે રીતે દર્શાવેલી હોય છે.

૫) માઈક્રોમાં વાસણો તરીકે માઈક્રોસેફ કાચ શ્રેષ્ઠ મનાય છે. જો કે પોર્સેલિન બાબતે હું ચોક્કસ નથી. અમુક ઉત્પાદકો માઈક્રોસેફ પ્લાસ્ટિક કન્ટેનર્સ બનાવે છે ખરાં. વળી, આજકાલ તો સિલિકોન પણ ચલણમાં છે. પરંતુ, મેટલ કન્ટેનરનો વપરાશ કરી શકાતો નથી. અને હા, પાયરેક્સ (‘લા ઓપાલા’ કે ‘કોરલ’ જેવી પ્રોડક્ટનું મૂળ મટીરીયલ)ની ડિશીઝ, બાઉલ કે કન્ટેનર વાપરી શકાય.

૬) માઈક્રોને કન્વેક્શન મોડમાં વાપરતાં હોઈએ ત્યારે એલ્યુમિનિયમ બેકવેરનો ઉપયોગ કરી શકાય છે ખરો. મતલબ બ્રેડ કે મફીન્સ કે પુડિંગ બનાવતી વખતે માઈક્રોમાં પણ એલ્યુમિનિયમ કન્ટેનરનો ઉપયોગ શક્ય છે ખરો. (યસ, આ વાત મેં પોતે ચેક કરેલી છે.)

છેલ્લે, માઈક્રો વિષે પ્રવર્તતી એક ગેરસમજણની વાત.

ઘણાં લોકો માઈક્રોને રસોઈ બનાવવા માટે સલામત માનતા નથી. એ લોકો એવું કહે છે કે, માઈક્રોનાં રેડીઓએક્ટિવ એલિમેન્ટ્સ વડે ખોરાક રંધાતો હોવાથી તે હેલ્થ માટે નુકશાનકારક છે.

આની સામે યુ.એસ.એ.નાં ફૂડ એન્ડ ડ્રગ એસોસિએશન (FDA) (જેને વિશ્વની શ્રેષ્ઠ સંસ્થા માનવામાં આવે છે) દ્વારા સ્વિકારવામાં આવ્યું છે કે, માઈક્રોમાં ખોરાક રાંધવાની (ખોરાકમાં રહેલાં પાણી, ચરબી, કાર્બોહાઇડ્રેટ્સ વગેરે અણુઓને ધ્રુજારી થકી ગરમી આપવાની) પ્રક્રિયાને કારણે હેલ્થ માટે કોઈ જ નુકશાન જોવામાં આવતું નથી. આ માહિતી યુ.એસ. એફ.ડી.એ.ની વેબસાઈટ પર આપેલી છે. તો, માઈક્રોમાં ખોરાક બનાવવામાં કોઈ જ નુકશાન નથી, હા, પ્રોપર વાસણોનો ઉપયોગ કરવો જરૂરી છે ખરો.

સમાપનમાં ફરી વખત કહીશ કે, બેક્ડ ડિશીઝ, પીઝા, કૂકીઝ, બ્રેડ વગેરે બનાવવા માટે ઓવન બેસ્ટ જ છે. જ્યારે રસોઈને ગરમ કરવા, ડીફ્રોસ્ટ કરવા કે પછી રસોઈ ઝડપી બનાવવા માટે માઈક્રો. હા, બેક્ડ ડીશ પણ બનાવી જ શકાય. મતલબ, સમજણપૂર્વક ઉપયોગ કરીએ તો માઈક્રોને એક પાયદાન ઊપર જરૂર સ્થાન મળે. બાકી પસંદ અપની અપની!

Pradip Nagadia

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *