સાથે ફેમિલીમાં કોઈ છે?
બેડ પર સૂપ પી રહેલા કોવિડ પેશન્ટ સુધામેડમને સિસ્ટરે પૂછ્યું.
– હા…ના… ના એટલે છે પણ અહીં સાથે નથી.
એવું કરોને તમારા આ ડૉક્ટર જે સાંજે આવે છે, શું નામ એમનું?
-નાઇટમાં તો…ડો.અર્પિત આવે છે.
-હા,ડોક્ટર અર્પિત.
એમનું નામ જ લખી દો ને. અત્યારે તો એ એક જ છે ફેમિલી જેવા, એમને ફેમિલી હિસ્ટ્રીથી લઈને મેડિકલ હિસ્ટ્રી સુધી બધુ જ ખબર છે. બહુ ભલા માણસ છે અર્પિતભાઈ. મારી સાથે એટલી સરસ રીતે વાત કરે કે મને મારા દીકરાની યાદ આવી જાય. મને રોજ પૂછે, મેડમ તમે જમ્યા કે નહીં? તમે દવા લો છો કે નહીં? તમને કોન્સ્ટીપેશન તો નથી રહેતું ને હવે? તમને જમ્યાનો ટેસ્ટ આવે છે? હોસ્પિટલમાં થોડી અવ્યવસ્થા છે હું જાણું છું પણ તમને કંઇ પણ તકલીફ હોય મને ફોન કરી દેજો. સિસ્ટર તમને ખબર છે હું પોતે પણ ડૉક્ટર થઈને વારંવાર આ નીડલ લેવાથી એટલી ડરું છું પણ એ સામે ઊભા હોય ને તો ચૂપચાપ ખાઈ લઉં. શરૂઆતમાં એક બે દિવસ મને એટલો ગુસ્સો આવતો હતો સિસ્ટર, કે એવું લાગતુ’તુ કે હું કોઈ જેલમાં આવી ગઇ છું. મન તો થતું હતું કે એક રાત્રે અહીંથી ભાગી જાઉં. પણ હવે લાગે છે કે મને કંઇ નહીં થાય. ડોક્ટરે પણ કહ્યું છે કે હવે મને એક બે દિવસમાં ડિસ્ચાર્જ આપી દેશે.
શહેરની સૌથી સારી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં કોવિડના કારણે એડમિટ થયેલા સુધા મેમ પોતે રેડિયોલોજીસ્ટ હતા. સેટેલાઇટમાં એક આલીશાન બંગલામાં પોસ્ટ રિટાયરમેન્ટ લાઈફ જીવતા હતા. કોવિડના સેકન્ડ વેવ દરમિયાન કોમોર્બીડ કન્ડિશન્સના કારણે એમણે એક મહિનો હોસ્પિટલમાં રાખવા પડેલા. ડો.અર્પિત એમના દીકરાની ઉંમરના હતા એ ત્યાં હોસ્પિટલમાં જ મેડિકલ ઓફિસર તરીકે નાઈટ ડયુટી કરતા. રોજ સાંજે રાઉન્ડ પતાવીને સુધા મેડમ સાથે થોડી વાતો કરે. પણ એ થોડી વાતોમાં જ એવું લાગતું કે વર્ષો પછી મેડમે કોઈ સાથે આટલા ખૂલીને વાત કરી હશે. શરૂઆતમાં કોવિડનો એટલો ડર લાગતો કે એમને તો લાગતું હતું કે પોતે નહીં બચે. પણ પછી એકાદ વીકમાં જ એમને આશા બંધાઈ કે હવે તેઓ સાજા થઈને જ અહીંથી જશે.
આમ જોતા તો મેડમ પૈસે ટકે સુખી હતા. એમના પતિ ડો.હસમુખ પાંચેક વર્ષ પહેલા દુનિયા છોડીને જતાં રહેલા. એમના બંને દીકરા અબ્રોડમાં વેલ સેટલ્ડ. એક દીકરો ડેન્ટિસ્ટ અને બીજો સોફ્ટવેર એન્જિનિયર. બંને ત્યાં કરોડો રૂપિયા કમાય છે. ત્યાં જ લગ્ન કરીને સરસ મોટા બંગલોઝ લીધા, મોંઘી મોંઘી ગાડીઓ લીધી. ફેસબુક પ્રોફાઇલ જોઈને કોઈ પણ ભારતીયને ઈર્ષ્યા થાય એવું જીવન જીવે છે.
સુધા મેડમને પોતાને બહારની આબોહવા અનુકૂળ ન આવતી હોવાથી ઈન્ડિયામાં જ રહેવું હતું અને દીકરાઓમાંથી પણ એકેયને હવે ઈન્ડિયા પાછું આવવું ન્હોતું. પણ આખરે એવુ નક્કી થયું કે મમ્મીને 24 કલાક એક કેરટેકર સાથે એક સરસ બંગલોમાં અમદાવાદમાં જ રાખવા. વર્ષે એકાદ વાર બે માંથી એક ભાઈ તો ઈન્ડિયા જઈશું જ.
આટલા વિશાળ અને આલીશાન બંગલામાં સાવ એકલા રહેતા સુધા મેડમ ક્યારેક કંઇક ખાસ કામ હોય તો જ બહાર નીકળે. ઘરમાં એક કેરટેકર મધુબેન એમનું બધુ કામ કરી આપતા. દીકરાઓએ સરસ મજાનું ટીવી, એમાં નેટફલિક્સ એ બધુ કરવી આપેલું. પણ ભૈ બધી સાહ્યબી હોય તોય માણસને માણસ જોઈએ. ધીમે ધીમે સુધામેમ પોતે પણ ચિડિયા થઈ ગયેલા. એમાં આવ્યો કોવિડ. હળવા સિમ્પ્ટમ્સ બાદ મધુબેન સાથે એમણે પણ રિપોર્ટ કરાવ્યો અને આવ્યો પોઝિટીવ! મેડમ હિંમત હારી ગયેલા. પણ હોસ્પિટલમાં ડૉક્ટર અર્પિતે એમના દીકરાની ફરજ પૂરી કરી. એમને હિંમત અને હૂંફ આપી.
અને આજે સિસ્ટર સામે આ વાત કરતાં કરતાં સુધા મેડમ ભાવુક થઈ ગયા હતા. એમના નોર્મલ સ્વભાવની વિરુદ્ધ. આંખોમાં ઝળઝળિયા અને અવાજમાં નરમી. અને સંજોગોવશાત તેઓ જ્યારે આ વાત કરી રહ્યા હતા ત્યારે ડો. અર્પિત પણ એમના રૂમ પાસેથી જ જઈ રહ્યા હતા. ખરેખર ડૉક્ટર તો પોતાની શિફ્ટ પૂરી કરીને સવારે જ નિકળી ગયેલા પણ હોસ્પિટલમાં પોતાનો ભુલાઈ ગયેલો ફોન રિસેપ્શનમાંથી પરત લેવા માટે આવ્યા અને ત્યારે ઉતાવળમાં એક પેશન્ટની ફાઇલ ચેક કરતાં કરતાં તેઓ પસાર થતાં હતા કે એ વખતે જ તેમના કાને મેડમના આ શબ્દો પડ્યા.
કોઈએ એમના કામની કદર કરી એ જાણીને પહેલા તો તેઓને પોતાના ડૉક્ટર હોવા પર ગૌરવ થઈ આવ્યું. બે ઘડી તેઓ ત્યાં જ ઊભા રહ્યા અને બધુ ભૂલીને વિચારોમાં સરી પડ્યા. મેડમની વાત સાંભળી ડો. અર્પિતને પોતાને નાનપણમાં જ છોડી ગયેલી માં યાદ આવી ગયેલી. તેમની આંખમાંથી આંસુ સરી પડ્યું. કોઈ એમને આ રીતે રડતાં જોઈ ન લે એટલે તેઓ ફટાફટ ફાઈલો ત્યાં જ મૂકીને નિકળી ગયા.