“કઈ વાંધો નહિ…બાળક હોય કે ના હોય ! મારા માટે તું જ પહેલા છો ! ને તું છો એ જ પુરતું છે…”

Spiritual

મા મહાન છે એમ કહીએ છીએ ત્યારે આપણે જાણે અજાણે સ્ત્રી તરીકે એનું અવમાન કરીએ છીએ? કોઈ સ્ત્રી પ્રેગનન્ટ છે ને એ આજે 9 તારીખે એક બાળકને જન્મ આપે છે, એ મા બને છે અને મા મહાન હોય છે, પણ એ સ્ત્રી મા તો 9 તારીખે બની…તો શું 8 તારીખે મહાન નહોતી ?

એ સ્ત્રી તો હતી જ…આપણે એને બાળક આવ્યા પછી મહાનનો દરજ્જો આપ્યો તો મહાન કોણ થયું? મા કે આવનાર બાળક?

કોઈ સ્ત્રીને પુરી પ્રેગનન્સી દરિમયાન ક્યાંક મિસકેરેજ થઈ ગયું કે પ્રસુતિ દરમિયાન કૈક એવું ઘટના બની કે એનું બાળક દુનિયા ના જોઈ શક્યું તો…તો એ સ્ત્રી સાથે શું થાય છે? માતાની મહાનતા તો આપણે એને નથી જ આપતા પણ આવું બને છે ત્યારે એને સ્ત્રી તરીકે જે સન્માન આપતા હોઈએ એમાં ય દૃષ્ટિ ફરી જાય છે કે હવે બાળક નથી તો તું ય જાણે ખાસ કઈ નથી…પ્રેગનન્સી દરમિયાન એ સ્ત્રીને લાડકોડ કરનાર-પાણી માંગે ત્યાં દૂધ હાજર કરી દેનાર સૌનાં હાથમાં સ્ત્રી જ્યારે બાળક નથી આપી શકતી ત્યારે એકાએક એ લોકોના વર્તનમાં જે ફેરફાર આવે છે ને એ વર્તનનો-ઉપેક્ષાનો આઘાત સ્ત્રીને બાળક ગુમાવ્યા કરતા ય મોટો હોતો હશે. જેણે બાળક પોતાના ગર્ભમાં ધારણ કર્યું હતું-અનુભવ્યું હતું એણે એ બાળકને ખોયાની કેટલી વ્યથા હશે ! એવા સમયે એ સ્ત્રીની પાસે બેસીને-એના માથે હાથે મુકીને એવું કહેનાર કોઈ હોય છે ? કે, “કઈ વાંધો નહિ…બાળક હોય કે ના હોય ! અમારા માટે તું પહેલા છો ! ને તું છો એ જ પુરતું છે…”

સ્ત્રી કરતા માતાને મહાન કરનાર આપણા સમાજમાં હજારો વર્ષોથી એ થતું આવ્યું કે સ્ત્રી બાળક ના આપી શકે એટલે પુરુષ બાળક માટે બીજી સ્ત્રી લાવે, કુટુંબમાં બે ભાઈઓની બે વહુઓ હોય તો જે સ્ત્રીને બાળક હોય અને જેને બાળક ના હોય એ બેઉ વચ્ચે કેટલા ભેદ થતા હોય છે? ભૂતકાળમાં સમાજમાં થતા રહ્યા છે? ઇવન એક વહુને સંતાનમાં માત્ર દીકરીઓ હોય અને એક વહુ દીકરો આપે ત્યારે પરિવારમાં કોનું માન વધુ હોય છે એ આપણે જાણીએ છીએ, જો કે હવે એ વાત ઘણી ઓછી થઇ છે, પણ પહેલા કેટલી હતી અને આજે ય અમુક કુટુંબો કે સમાજમાં કેટલી હદે એ કોઇથી અજાણી વાત નથી.

આમાં વળી, બાળક ના થવા માટે પુરુષમાં ખામી હોય ત્યારે પરિવાર દ્વારા એનો બચાવ થાય-ઢાંકપીછોડો થાય પણ સ્ત્રીમાં ઉણપ નીકળે તો પરિવાર એ ઉણપનો કેટલો સહજ સ્વીકાર કરી શકે છે?

હવે તો આટલી Ivfને વગેરે ટ્રીટમેન્ટ આવી કે સ્ત્રી એકથી વધુ વાર ય એમાંથી ય પસાર થઈને પરિવારને એક બાળક આપી દેવા અંદર અંદર ઝઝુમતી રહે…સહજ રીતે એ ગર્ભ ધારણ કરે છે પછી પોતાના પુરુષ સિવાય કોઈને પોતાની જાત ના સોંપનાર સ્ત્રી આજુબાજુ ડોક્ટરોના ટોળા વચ્ચે સોનાગ્રાફી ટેબલ પર સુતી હોય ત્યારે કે લેબર રૂમમાં પ્રસુતિના દુખાવા કરતા ય ક્યારેક પોતાના શરીરને એક ચાદરથી ઢાંકવા મથીને શરમની મારી એ ક્ષણોમાં મરી-મરી જ જતી હશે ને…એ બાળકને જન્મ આપતા પહેલા જેમાંથી પસાર થાય છે એ અનુભવાય તો સમજાય કે એ બાળકને જન્મ આપ્યા પહેલા ય મહાન છે.

પણ જો કોઈ કુદરતી ઉણપને લીધે ગર્ભધારણ સહજ શક્ય નથી બનતું તો Ivf જેવી ટ્રીટમેન્ટસમાં આર્ટીફીસીયલ હાર્મોન્સ જ્યારે સ્ત્રીના બોડીમાં જાય ત્યારે એ પોતે ય પોતાને અજીબ લાગતી હોય છે કે આ હું નથી, કોઈપણ સ્ત્રીને સ્વેચ્છાએ આવી બધી ટ્રીટમેનટ્સમાંથી પસાર થવું ગમે છે? કદાચ નહિ… બાળકની ઓછી કે વધુ જે શક્યતાઓ હોય છતાં સ્ત્રી એમાંથી પસાર થાય છે કેમ કે એ જાણે છે અહી લોકો સ્ત્રી કરતા માતાને મહાન ગણે છે.

મારી જનરેશનના કે આવનારી પેઢીના યુવાનોને એકવાત કહેવાની ઈચ્છા થાય છે કે જ્યારે દામ્પત્યમાં આવો છો ત્યારે કોઈપણ દંપતી બાળક ચાહે એમ તમે ય ચાહતા હો…પણ બનવાકાળે બાળક થવા માટે બેઉમાંથી કોઈ એકમાં કોઈ ઉણપ છે, જે કોઈમાં પણ હોય છે….પુરુષમાં પણ હોય શકે…એ આપણા હાથની વાત જ નથી…પણ જો એ શારીરિક ખામી સ્ત્રી સાથીમાં છે તો પુરુષ સાથી તરીકે જવાબદારી ઘણી વધી જાય છે. આવા સમયે પરિવારમાં જ વડીલો કે સમાજમાં પ્રસંગોપાત કે એમ મળતા બીજા સગાસબંધીઓ વાતવાતમાં એવ વેણ બોલી જ જવાના એ માતા ના બનનારી સ્ત્રીને આઘાત પમાડે…સમાજમાં જીવીએ છીએ અને સમાજ જેવો છે એ જોતા જાણતા-અજાણતા આવી વાત બનવાની જ…એને રોકી નથી શકવાના-ગામના મોઢે ગળણું બાંધી ના શકાય… પણ પુરુષ આવા સમયે સ્ત્રીને વધુ માન આપે એ દૃશ્ય કેટલું પ્રેમભર્યું લાગે ! એ ભરોસો કે, “કઈ વાંધો નહિ…બાળક હોય કે ના હોય ! મારા માટે તું જ પહેલા છો ! ને તું છો એ જ પુરતું છે…”

જે પુરુષ પોતાની માતાને ખુબ મહાન માનતો હોય એ એના જીવનમાં આવનારી બીજી સ્ત્રીઓને જાણે અજાણે ઓછા વધુ અંશે અન્યાય કરતો હોય છે. બહુ ઓછી વાર બાહુબલી જેવું જોવા મળે…જેમાં બાહુબલી પોતાની માતા શિવગામી માટે અપાર આદર,પ્રેમ અને સન્માન છતાં જ્યાં માતા ખોટા છે અને દેવસેના સાચી છે તો બાહુબલી બધો રાજપાટ ત્યાગીને ય એનું ક્લીયર સ્ટેન્ડ લે છે.

પાંડવોએ માતા કુંતીના વેણ કે ‘જે લાવ્યા હો એ પાંચેય ભાઈઓ વહેંચી લો’ એ શબ્દો અક્ષરશ: પાળીને દ્રૌપદી સાથે શુ કર્યું?!

લેખક અને સૌજન્ય:- કાનજીભાઈ મકવાણા, અમદાવાદ

Leave a Reply

Your email address will not be published.