હિન્દી ફિલ્મની એક્ટ્રેસ, ટેલીવિઝન અભિનેત્રી, ફિલ્મ દિગ્દર્શક અને પ્રોડ્યૂસર તરીકે ઓળખાતા નીના ગુપ્તા બોલિવૂડનું જાણીતુ નામ છે. આ ઉપરાંત નીના ગુપ્તાની એક અલગ ઓળખ છે, બિન્દાસ્ત બોલી દેવાની ટેવ અને તેમની બોલ્ડનેસ.
૮૦ના દશકમાં વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી વિવિયન રિચર્ડ્સ સાથે પોતાના પ્રેમ સંબંધ વિશે તેમણે ખૂલ્લીને એકરાર કર્યો. લગ્ન વિના પુત્રીને જન્મ પણ આપ્યો. સમાચારોમાં આ કારણે નીના ગુપ્તા ખૂબ ચર્ચામાં રહ્યા. ગોસિપ્સ થતી રહી. તેઓએ એકલપંડે પુત્રીને મોટી કરી. આટલી બોલ્ડ અને બિન્દાસ્ત નીના ગુપ્તા બાળપણમાં ખરેખર શરમાળ હતી!
૪ જુલાઈ ૧૯૫૯ના રોજ દિલ્હીમાં જન્મેલી નીના ગુપ્તા પોતાના બાળપણ વિશે કહે છે કે, ‘હું ખૂબ જ શરમાળ હતી. મારી પાસે કામ આજે એટલે જ ઓછું છે કેમ કે હું શરમને મારે કામ માંગવા સામેથી નથી જતી. મને લાગતું હતું કે હું સ્કૂલમાં સારી એક્ટિંગ કરી શકું છું. પરંતુ મને રોલ નહતો મળતો કેમ કે હું કહી નહોતી શક્તી કે મને એક્ટિંગ આવડે છે! હું અરીસા સામે એક્ટિંગ કરતી રહેતી. મારા ઘરનું વાતાવરણ એવુ હતું કે, હું જ્યારે બી.એ કરતી હતી ત્યારે મારી બહેનપણી સાથે પિક્ચર જોવા નહોતી જઈ શક્તી. રાતના નવ વાગ્યે ઘરની લાઈટ્સ બંધ થઈ જતી. મને એ પણ નહોતી ખબર કે ક્લબ કોને કહેવાય!’
આટલા બધા પ્રતિબંધોને કારણે જ પછી નીના આટલા બોલ્ડ એન્ડ ઈન્ડીપેન્ડેન્ટ થઈ ગયા હશે? કઈ રીતે તેઓ આમાંથી બહાર નીકળ્યા? નીનાજી કહે છે, ‘મારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ કહેવો હોય તો એ કહી શકાય કે મેં સ્કૂલ ઑફ ડ્રામા જોઈન કર્યું. સ્કુલમાં મને એક્ટિંગ ગમતી જ, અહીં વધારે મજા આવી. મેં હોસ્ટેલમાં રહેવાનું શરુ કર્યું. વર્ષો વિત્યા. હું એમ.એ બાદ પીએચડી કરતી હતી એ દરમિયાન અશોક અહુજાએ પોતાની પહેલી ફિલ્મ બનાવતા હતા: આધાર શિલા. એમા મને રોલ મળ્યો. જેમાં નસીરુદ્દીન શાહ અને અનીતા કંવર જેવા થિયેટરના આર્ટિસ્ટ્સ હતા. સાચું કહું તો મને મોટા પડદા પર પોતાને જોવાની મજા આવવા માંડી! મને ગમવા માંડ્યુ ને એ રીતે આગળ વધતી ગઈ.’
નીના ગુપ્તાએ આર્ટ-કલ્ટ ફિલ્મોની સાથે ટિવી સિરીયલ્સમાં પણ ઘણુ કામ કર્યું છે. ખાનદાન, ગુલઝારની ‘મિર્ઝા ગાલિબ’, શ્યામ બેનેગલની ‘ભારત એક ખૌજ’, ‘ગુમરાહ’, પોતે ડિરેક્ટ કરેલી સિરીયલ ‘સાંસ’ તથા સાત ફેરે- વગેરે તેમણે કરેલી ટેલિવીઝન સિરિયલ્સ છે. તેમણે યૂ.કે.ના શો ‘ધ વિકેસ્ટ લિંક’નો ઇન્ડિયન વર્ઝન ‘કમઝોર કડી કૌન’ નામનો શો પણ હોસ્ટ કર્યો છે. તેઓ હવે ટીવી પર ઓછા દેખાય છે. નીનાજી કહે છે, ‘ટીવી અત્યારે માત્ર એક પૈસા કમાવવાનું માધ્યમ છે. થોડું ઘણું ફેમ, બાકી કશું જ નથી. સંતોષ અને ક્રિએટિવિટીને ટીવી સાથે કંઈ લેવાદેવા નથી.’
નીના ગુપ્તાએ એટનબરોની ‘ગાંધી’ ઉપરાંત ‘જાને ભી દો યારો’, ‘મંડી’, ‘ત્રિકાલ’ અને ‘ઉત્સવ’ જેવી ઑફબિટ ફિલ્મો કરી છે. ઘણા આર્ટિ-સાર્ટી ફિલ્મો કરનારા સમય જતા કમર્શિયલ ફિલ્મો તરફ વળી જાય છે. એ કલાકારો શરુઆતમાં કમર્શિયલ ફિલ્મોને ધૂત્કારતા હોય છે બાદમાં અપનાવી લેતા હોય છે. એ વિશે નીના ગુપ્તા કહે છે કે, ‘દરેકના અલગ-અલગ સંજોગો હોય છે. મને હક નથી એ વિશે જજમેન્ટ આપવાનો. મેં તો એક ફિલ્મ એવી ઘટિયા કરી હતી કે પછી હું ભગવાનને પ્રાર્થના કરતી હતી કે તે રિલીઝ જ ન થાય! ક્યારેક પૈસાની જરૂર હોય છે માટે એક્ટર્સ એવું કામ કરવા મજબૂર થતા હોય છે. અમુક વખત કામ કરવાની જરૂરિયાત હોય છે.’
નીના ગુપ્તા ૧૯૯૩માં આવેલી ‘ખલનાયક’ના ધૂમ મચાવનાર ‘ચોલી કે પીછે ક્યા હૈ..’ સોન્ગમાં દેખાયા હતા. તેમણે ‘લાજવતી’ અને ‘બાજાર સિતારામ’ નામની ટેલિફિલ્મ્સ બનાવી હતી જેમાંથી ‘બાજાર સિતારામ’ માટે તેમને નેશનલ એવોર્ડ મળ્યો હતો. ૧૯૯૪માં આવેલી ‘વોહ છોકરી’ નામની ફિલ્મ માટે તેમને બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસ તરીકેનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.
શરુઆતમાં વાત કરી એમ વિવિયન રિચર્ડ્સ અને નીના ગુપ્તાની પુત્રી થઈ જેનું નામ મસાબા છે. આજે તો તે સિંગર અને ડિઝાઈનર છે. વિવિયન અને નીનાએ લગ્ન ન કર્યા. મસાબાના આવ્યા બાદ બંને વચ્ચેનું અંતર પણ વધતું ગયું. અંતે ૨૦૦૮માં નીના ગુપ્તાએ દિલ્હીના ચાર્ટ્ડ એકાઉન્ટન્ટ વિવેક મહેરા સાથે ગૂપચૂપ લગ્ન કરી લીધા. મસાબા આજે પણ પિતા વિવિયન સાથે સંપર્કમાં છે. એ સમયે નીનાએ જાહેરમાં બિન્દાસ્ત કહ્યું હતું કે, હું વિવિયન રિચર્ડ્સ સાથે પ્રેમ કરું છું. આ આખી ઘટના, લિવ ઈનમાં રહેવાના નિર્ણય કે પછી લગ્ન વિના સંતાન કરવાના પગલા વિશે નીના ગુપ્તા અફસોસ સાથે કહે છે, ‘મને ઘણી વાર લાગ્યું છે કે આ ખોટુ હતું. મારી ભૂલોને કારણે મને ઘણું નુકશાન થયું છે. મારે એક પુરુષ અને સ્ત્રી એમ બંનેનું કામ કરવું પડ્યું. મને આ નિર્ણયના કારણે રોલ મળવામાં બહુ જ તકલીફ પડી. મિડીયાએ મને સ્ટ્રોંગ વૂમન બનાવી દીધી છે. હું સ્ટ્રોંગ વૂમન નથી. આપણે ત્યાં વ્યક્તિની જેવી પર્સનાલિટી હોય છે તેને તેવા જ રોલ મળે છે. ઈમેજ પ્રમાણે કામ મળે છે.’
છેલ્લે નીનાજી આજની જનરેશનને કહે છે, ‘લીવ ઈન રિલેશનશિપ બિલકુલ રબીશ છે! એ મારી ભૂલ હતી.’
લેખક:~ પાર્થ દવે