5 કરોડ અને 16 લાખની રોકડ ચલણી નોટોથી શણગારવામાં આવ્યું આ માતાજીનું મંદિર, જુઓ તસ્વીરો

News

નવરાત્રીનો ઉત્સવ આવે એટલે લોકો માતાજીના મંદિરને અલગ અલગ રીતે શણગારતા હોય છે. કેટલાક લોકો લાઈટીંગની રોશની કરીને માતાજી મંદિરને શણગારતા હોય છે તો કેટલાક લોકો અલગ અલગ ફૂલોનો ઉપયોગ કરીને માતાજીના મંદિરને શણગારતા હોય છે. પણ તમે ક્યારેય એવું જોયું છે કે, માતજીના મંદિરને 2000, 500, 100 જેવી ચલણી નોટોથી શણગારવામાં આવ્યું હોય. ત્યારે આજે અમે એવા મંદિરની વાત કરીશું કે જે મંદિરને ચલણી નોટોથી શણગારવામાં આવ્યું છે.

આ મંદિર આંધ્ર પ્રદેશમાં આવેલું છે અને તેનું નામ કન્યાકા પરમેશ્વરી મંદિર છે. આંધ્ર પ્રદેશના નેલ્લોરમાં આવેલા કન્યાકા પરમેશ્વરી મંદિરમાં દશેરાના અવસરે 5 કરોડ કરતા વધુ રૂપિયાની નોટોનો શણગાર કરવામાં આવ્યો હતો. આ મંદિરમાં વર્ષે અલગ-અલગ સમય પર માતાજીના અલગ-અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે. 9 દિવસની નવરાત્રી અને દશેરાના સમારોહ દરમિયાન આ મંદિરમાં ધનલક્ષમી માતાની પૂજા કરવામાં આવે છે.

100 કરતા વધુ સ્વયંસેવકો દ્વારા 5 કરોડ અને 16 લાખ રૂપિયાની અલગ-અલગ દરની ચલણી નોટથી મંદિરને શણગારવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી લાંબા સમય સુધી ચાલી હતી. મંદિરમાં શણગાર માટે 2000 રૂપિયા, 500 રૂપિયા, 200 રૂપિયા, 100 રૂપિયા, 50 રૂપિયા અને 10 રૂપિયાનો નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મહત્ત્વની વાત છે કે, ચાર વર્ષ પહેલા 11 કરોડના ખર્ચે કન્યાકા પરમેશ્વરી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ત્યારથી આ મંદિરમાં નવરાત્રી અને દશેરાની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. આ વર્ષે પણ નવરાત્રીના અવસરે આ મંદિરમાં આયોજન ધૂમધામથી કરવામાં આવ્યું હતું. હાલ નવરાત્રીનો ઉત્સાહ ખૂબ જ ઉત્સાહથી ચાલી રહ્યો છે.

નેલ્લોર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન મુક્કલા દ્વારકાનાથે જણાવ્યું હતું કે, 7 કિલોગ્રામ સોનું અને 60 કિલોગ્રામ ચાંદીનો ઉપયોગ માતાજીને શણગારવા માટે કરવામાં આવે છે. ઘણી જગ્યા પર ચલણી નોટોથી દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવે છે. તેવામાં નેલ્લોરના લોકોનો દાવો છે કે, આટલી વધારે ચલણી નોટોથી મંદિરને શણગારવું તે સામાન્ય વાત નથી.

ઉલ્લેખનીય છે કે, 2020માં તેલંગાણામાં કન્યાકા પરમેશ્વરી મંદિરને દશેરાના ઉત્સવ પર 1 કરોડ કરતા વધુ રૂપિયાની ચલણી નોટોથી શણગારવામાં આવ્યું હતું. ગત વખતે માળા અને ગુલદસ્તો બનાવવા માટે રૂપિયાની અલગ-અલગ કલરની ચલણી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *