500 રૂપિયે કિલો સુધી વેચાય છે એમના જમરૂખ, એન્જિનિયરીંગ છોડીને, ઓર્ગનિક ખેતી દ્વારા બદલી કિસ્મત

Story

જમરૂખ એક એવું ફળ છે જે ફક્ત બે-ત્રણ દિવસ માટે તાજું રહે છે. વાસી થઇ જાય પછી  ઘરમાં રાખવું પણ મુશ્કેલ થઇ જાય છે. આજે આપણે જાણીશું નીરજ વિષે, જેમણે 550 રૂપિયા પ્રતિ કિલોએ જમરૂખ ઓનલાઇન વેચીને અશક્ય કાર્યને શક્ય બનાવ્યું હતું. પણ એન્જિનિયરની કારકીર્દિને છોડીને ખેતીની શરૂવાતથી લઈને ખેતીમાં મળેલી સફળતા સુધી પહોંચવા સુધી જે સંઘર્ષ કર્યો છે તે એટલો સરળ પણ ન હતો.

રોહતકમાં ઉછરેલા નીરજે તેનું બાળપણ ગામમાં જ વિતાવ્યું હતું. તેમને વારસામાં બાપ-દાદાની જમીન અને ખેતી મળી હતી. પરંતુ તેમ છતાં તેણે અભ્યાસ પૂરો કર્યો અને કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કર્યું. નાનપણથી જ કંઇક અલગ કરવાની તેની જિજ્ઞાસા હતી, જો કોઈ તેની મજાક કરે તો પણ તે તેની કોઈ દરકાર કરતો નહીં.  તે એટલી હદે હઠીલો હતો કે મનમાં જે કંઈક નક્કી કરતો તો એ પૂરું કરવા મથી રહેતો.

નીરજે એન્જિનિયરિંગ પછી નોકરી કરીને કેટલાક પૈસા બચાવ્યા અને જીંદથી 7 કિલોમીટર આગળ, સંગતપુરા ખાતેના તેમના 7 એકર ખેતરમાં ચેરીની ખેતી કરવાનું શરૂ કર્યું  પણ પહેલો પ્રયાસ નિષ્ફળ જતા પરિવારે તેમને નોકરી કરવાની સલાહ આપી. પણ તેના મનમાં કંઈક બીજું ચાલતું હતું. થોડા સમય પછી નીરજે ક્યામગંજ, અલાહાબાદની નર્સરીમાંથી કેટલાક જામફળના છોડ ખરીદ્યા અને તેમના ખેતરોમાં રોપ્યા. ત્યાં જામફળનો ખૂબ સારો પાક થયો હતો.

જ્યારે તે પોતાનો પાક લઈને બજારમાં પહોંચ્યો ત્યારે તમામ વચેટિયાઓ એક થઈ ગયા હતા અને 7 રૂપિયા પ્રતિ કિલો, એ મોલાતનો ભાવ તેને મળ્યો હતો. નીરજ પણ તેના નિર્ણય પર અડગ રહ્યો. તેણે ગામને અડીને આવેલા શહેરના રસ્તાઓ અને શહેરની બહારના રસ્તાઓ પર ફ્રુટ કાઉન્ટરો બનાવ્યા અને માર્કેટના ભાવ કરતા બમણા ભાવે વેચી દીધા. ઘણા જથ્થાબંધ ફ્રુટના વેપારી પણ આ કાઉન્ટરો દ્વારા નીરજના સંપર્કમાં આવ્યા અને તેના ખેતરો સુધી પહોંચ્યા હતા. હવે નીરજને ખ્યાલ હતો કે જો જમરૂખ ઝડપથી વેચવામાં ન આવે તો તે ખરાબ થઈ જશે અને તેને વેચવા મુશ્કેલ થઇ પડશે અને તેનો ભાવ પણ નહિ મળે.

તે ભવિષ્યનો વિચાર કરીને આગળની યાત્રા માટે છત્તીસગઢ ગયો. ત્યાંથી એક નર્સરી માંથી  થાઇલેન્ડના જમ્બો જામફળના કેટલાક રોપાઓ લઈને આવી અને તેના ખેતરોમાં રોપણી કરી. દોઢ કિલો સુધીના એક એક જામફળ થયા અને તેને મોટી સફળતા મળી. પોતાના ખેતરોના કચરામાંથી બનાવેલા જૈવિક ખાતરને લીધે તેના જામફળમાં જામફળ જેવી મીઠાશ હતી.

ત્યારબાદ નીરજે પોતાની એક કંપની બનાવી અને ઓડર મુજબ જામફળની ડિલિવરી શરૂ કરી. જમ્બો જામફળની ખાસ વાત એ છે કે તેઓ 10 થી 15 દિવસ સુધી તાજા રહે છે. નીરજે તેની વેબસાઇટ પર ગ્રાહકને ડિલિવરી ના મળે ત્યાં સુધી ગ્રાહકો માટે ટ્રેકિંગની પણ વ્યવસ્થા કરી હતી, જેથી ગ્રાહક જામફળના બાગમાંથી જામફળ ક્યારે તોડવામાં આવ્યું અને તે ક્યાં પહોંચ્યું છે તે જાણી શકે.

નીરજને મળેલી સફળતાનાં કારણે તે ફેમસ થઇ ગયો છે અને પ્રખ્યાત હોવાને કારણે, દૂર-દૂરથી લોકો તેમના જામફળના બગીચા જોવા માટે આવતા હોય છે. કેટલાક ખેડુતો પણ આ તકનીક શીખવા માંગે છે. આ માટે તેણે હવે ટાઇમ ટેબલ બનાવીને એક ભાવ નક્કી કરી દીધો છે, જેથી તે આ ટેક્નિક ખેડૂતોને શીખવશે. હવે નીરજ પોતાના જામફળના બગીચામાં પ્રવાસીઓને ફરવા અને ખરીદી કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરી રહ્યો છે જેનાથી તેની આવકમાં પણ વધારો થશે.

આટલું જ નહીં, ભવિષ્યમાં નીરજે ગ્રીન ટી, ઓર્ગેનિક ગોળ અને ખાંડ વેચવાની યોજના પણ બનાવી છે, જે ટૂંક સમયમાં શરૂ થવાની છે. જ્યારે નીરજના દાદા અને ગામના લોકો તેને સફેદ હાથી કહે છે, ત્યારે તે ખૂબ જ ખુશ અને ગર્વથી કહે છે કે તેમના પરિવારની આવનારી પેઢી નોકરી નહિ કરે કારણકે નીરજ નોકરી કરતા વધારે ખેતીમાં રહેલું ઉજ્વળ ભવિષ્ય જુએ છે. નીરજના ઉત્સાહથી દેશના ખેડૂતની નવી પેઢીમાં આટલો મોટુ પરિવર્તન આવી રહ્યું છે. તે નિશ્ચિતરૂપે આ માટે અભિનંદન પાત્ર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *